Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

શાપરના ઉદ્યોગપતિઓ ભૂખ હડતાલ પર

વિમા કંપનીની આડોડાઈ સામે ભભૂકતો રોષ : રમેશ ટીલાળા, પરેશ ગજેરા સહિતના આગેવાનો પણ ઉપવાસમાં જોડાયા : ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝમાં ૧૧ માસ પહેલા ભભૂકેલ આગ બાદ વિમો ચૂકવવામાં ડાંડાઈ સામે ઉદ્યોગપતિઓએ હડતાલનો ડંડો ઉગામ્યો

રાજકોટ, તા. ૧૧ : શાપરના ઉદ્યોગપતિઓ આજે સવારથી રાજકોટની વિમા કંપનીની કચેરી સામે હડતાલ ઉપર ઉતરી ગયા છે. શાપરની ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝમાં આશરે ૧૧ માસ પહેલા ભભૂકેલ આગ બાદ લાંબા સમય સુધી વિમો ચૂકવવામાં દાંડાઈ કરતાં ન છૂટકે ઉદ્યોગપતિઓએ હડતાલનો દંડો ઉગામ્યો છે.

આ અંગેની વિગતો એવી છે કે શાપરની ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝ નામની અશ્વિનભાઈ પાંભરીયાની કંપનીમાં આશરે ૧૧ માસ પહેલા આગ લાગી હતી. કંપનીના સંચાલકો દ્વારા ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીનો વિમો ઉતરાવેલ હતો. આગ લાગ્યાની ઘટના બાદ વિમા કંપનીના અધિકારીઓ એફએસએલ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ સહિતના આધાર પુરાવાઓ લઈ ગયા હતા. ૯ કરોડના નુકશાનીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ વિમા કંપનીના અધિકારીઓએ ૭ કરોડનો વિમો મળવા પાત્ર હોવાનું જણાવ્યુ હતું.

ત્યારબાદ ગોલ્ડ કોઈન ઈન્ડસ્ટ્રીઝના સંચાલક અશ્વિનભાઈ પાનસુરીયાએ અનેક વખત ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીમાં ધક્કા ખાધા હતા. તમોને વિમો મળી જશે એવા અનેક વખત જવાબો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદની મેઈન ઓફીસ ખાતે વિમા કંપનીના મુખ્ય અધિકારી અમિતા મહેરાને પણ રજૂઆત કરતાં તેઓએ ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યુ હતું.

રાજકોટ - અમદાવાદ અને ત્યારબાદ મુંબઈની ઓફીસથી પણ યોગ્ય જવાબ ન મળતા ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની લીમીટેડને ગત ૨૯મી જાન્યુઆરીએ પત્ર પાઠવી જણાવેલ કે જો અમને અમારા વિમાનું વળતર નહિં મળે તો ૧૫ દિવસમાં અમે ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈશું.  દરમિયાન આજે શાપરના ઉદ્યોગપતિઓ રમેશભાઈ ટીલાળા, પરેશ ગજેરા, કિશોરભાઈ ટીલાળા, અમૃતભાઈ ગઢીયા સહિતના ઉદ્યોગપતિઓ સાથે કર્મચારીઓ પણ 'અમારો કલેઈમ સેટલમેન્ટ કરો'ના બેનર સાથે ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે. જે ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:29 pm IST)