Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ડો.ભીમરાવ આંબેડકર ચોક (હોસ્પિટલ ચોક)માં ઓવર બ્રીજથી ઉલ્ટાનો ટ્રાફિક જામ થશેઃ સિદ્ધાર્થ પરમાર

ટ્રાફિક સિંગ્ન્લો નહી હોવાને કારણે ટ્રાફિક સમસ્યા થશેઃ ચોકમાં બ્રીજની જરૂર નથી છતાં કોઇનાં આર્થિક ફાયદા માટે ૭૦ કરોડનો ધુમાડોઃ પૂર્વ ધારાસભ્યએ આક્ષેપો સાથે કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ તા.૧૧: શહેરના પ્રવેશદ્વાર સમાં ડો.ભીમરાવ આંબેડકર ચોક (હોસ્પિટલ ચોક) ફલાય ઓવર બ્રિજથી ઉલ્ટા ટ્રાફિક જામ થશે. તેવા આક્ષેપો સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે આ પ્રોજેકટ રદ્દ કરવા માંગ ઉઠાવી છે.

આ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે, હોસ્પિટલ ચોકને જોડતા જવાહર રોડ, સુરેન્દ્રનગર રોડ (કુવાડવા રોડ) તથા જામનગર રોડને એલ.પી.એસ. જાહેર કરી ૨૪ મી. પહોળાઇના કરવામાં આવેલ હતાં તેમજ આર.એમ.સી. બાંધકામ શાખાના પત્ર ક્રમાંક ૨૩૨૮, તા. ૧૦-૧૦-૨૦૧૮થી જણાવ્યા મુજબ ડો. ભીમરાવ આંબેડકર ચોકમાં ઓવરબ્રિજ બનાવવા માટે જામનગર રોડ, જવાહર રોડ, કુવાડવા રોડ ઉપર ૨૯મી. પહોળાઇ કરવાની થાય છે. પરંતુ વિકાસના નામ ઉપર જનતા ઉપર પોતાની જોહુકમી ઠોકી બેસાડવી અથવા તો કોઇ પૂર્વગ્રહ કે ભ્રષ્ટાચારને વિકાસનો મ્હોરો પહેરાવી કોઇ કૃત્ય કરવું તે યોગ્ય નથી. કેમ કે વાસ્તવિકતા જોઇએ તો આવું કશું નથી.

જેમ કે (૧) જામનગરથી રેલ્વે હોસ્પિટલ સુધી બીલકુલ સામાન્ય ટ્રાફીક હોય છે. (૨) જ્યુબેલી ગાર્ડનથી ઠાકર લોજ, એસ.બી.આઈ. બેંક સુધી સામાન્ય ટ્રાફીક હોય છે. (૩) કેસરે હિન્દ પૂલથી આઈ.પી. મિશન સ્કૂલ સુધી થોડો ટ્રાફીક રહે છે તે વાત સત્ય છે, પરંતુ ઓવરબ્રીજ બનાવવો જ પડે તેટલો ટ્રાફીક નથી હોતો. (૪) ડો. ભીમરાવ આંબેડકર ચોક જેને સીવીલ હોસ્પીટલ કહેવાય છે ત્યાં ટ્રાફીક થાય છે, સવારે ૧૦ થી ૧૨ સુધી અને સાંજે ૬ થી ૮ સુધી આ પીકઅપ અવર્સ છે જેના કારણે આ ચોક સિવાય રાજકોટ શહેરના ૮૦ ટકા ચોકમાં પીકઅપ અવર્સ દરમિયાન ટ્રાફીક સમસ્યા રહે છે જેનુ કારણ માત્રને માત્ર ટ્રાફીક શાખાની અવ્યવસ્થા છે. ઘણા ચોકમાં ટ્રાફીક સિગ્નલ નથી ઘણા ચોકમાં પોલીસ ઉભા હોય છે અને ચારે તરફથી ટ્રાફીક નિકળતો હોય છે જેના કારણે ટ્રાફીકજામ થઈ જાય છે અને ટ્રાફીક સમસ્યા ઉભી થાય છે.

આમ મુખ્ય વાત એ છે કે, અહીં ઓવરબ્રીજની કશી જરૂર નથી. બ્રીજની ડીઝાઈન જોતા બ્રીજ ઉપર અને બ્રીજ નીચે ટ્રાફીકજામની સમસ્યા વધશે. આ જગ્યા ઉપર ઓવરબ્રીજના હઠાગ્રહની પાછળ બે કારણ (૧) કોઈ વ્યકિતને આર્થિક ફાયદો પહોંચાડવા માટે રાજકોટની જનતાના રૂ. ૭૦ કરોડનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. (૨) ત્યાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલ છે અને આજકાલએ સ્થળ આંદોલનનુ મોટુ સ્થળ બની ગયુ છે. કોઈપણ સમાજ, સંસ્થા, વ્યાપારી મંડળોને અન્યાય થાય તો તેઓ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી જ આંદોલનની શરૂઆત કરતા હોય છે જેમ એક સમય ત્રિકોણ બાગ   હતો અને આજે ત્રિકોણ બાગનો નકશો બગાડી નાંખ્યો છે ત્યાં ધરણા પ્રદર્શન હવે નથી થઇ શકતાં. એ જ ષડયંત્ર આ ચોક સાથે થઇ રહ્યુ છે તેવુ મને લાગે છે.

અંતમાં શ્રી પરમારે જણાવ્યું છે કે અહીં ઓવર બ્રીજ બનાવો તેમાં મને પ્રજાહીત જરા પણ નથી લાગતુ એટલા માટે આ પ્રોજેકટ કેન્સલ રદ કરવો જોઇએ અને ટ્રાફીક વિભાગ દ્વારા જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઇએ અથવા અહીં ઓવર બ્રીજ બનવાથી ૧૦૦ ટકા ટ્રાફીક સમસ્યા હલ થઇ જશે તો ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફીડેવીટ કરી આપવુ જોઇએ કે જનતાના ટેકસના ૭૦ કરોડ વ્યર્થ નહી જાય અને જો વ્યર્થ જશે અને આ પ્રોજેકટ કે.કે.વી. હોલ પાસેનો બ્રીજ, રાજકોટ કુવાડવા રોડ પાસેનો બ્રીજ તેમજ ગોંડલ રોડ, ભગવતીપરા બેડીપરાનો ઓવર બ્રીજની જેમ નિષ્ફળ જશે તો રાજકોટ મ્યુનિસીપલ કમિશનર સર્વિસમાંથી રાજીનામુ આપી દેશે. (૧.૩૬ )

(3:27 pm IST)