Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

નવો કરબોજ નામંજૂર

૨૧૨૬.૧૦ કરોડનું બજેટ મંજૂર

૯૨ કરોડની નવી યોજનાઓનો ઉમેરો :૬૮.૬૮ કરોડનું કદ વધારાયુ :મહાપાલિકાના ૨૦૧૯-૨૦ના કરબોજ વગરના બજેટને સ્ટેન્ડીંગ કમિટીની લીલીઝંડીઃ નવો પાણી વેરો, ડ્રેનેજ, કન્ઝર્વન્સી, વાહન તથા પાર્કિંગ ચાર્જ વધારાનો કમિશ્નરનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજુર કર્યોઃ ૩ પાર્ટી પ્લોટઃ જ્યુબેલી ગાર્ડન અને ગાંધી મ્યુઝીયમને જોડતો ફુટ ઓવરબ્રિજ બનાવાશેઃ ૩ નવી હાઈસ્કૂલો બનાવાશે :૭ નવા અન્ડર-ઓવર બ્રિજ બનશે

મંજુર...મંજુર...મંજુર...: મ્યુ. કોર્પોરેશનનાં વર્ષ ૨૦૧૯-૨૦નાં ૨૧૨૬.૧૦ કરોડના બજેટને સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કર્યા બાદ ચેરમેન ઉદય કાનગડે પત્રકાર પરિષદમાં બજેટની વિગતો જાહેર કરી હતી તે પ્રસંગની તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય, શાસકનેતા દલસુખભાઈ જાગાણી, ડે. મેયર અશ્વિન મોલિયા, દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય કમલેશ મીરાણી, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, જાગૃતિબેન ધાડીયા, મીનાબેન પારેખ, પૂર્વ મેયર ડો. દર્શીતાબેન શાહ, વર્ષાબેન રાણપરા, મુકેશ રાદડિયા, ડે. કમિશ્નર ચેતન નંદાણી તથા ચેતન ગણાત્રા વગેરે દર્શાય છે.

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૯-૨૦નું નવુ ૨૧.૨૬ અબજનું બજેટ સ્ટેન્ડિંગ કમિટિમાં મંજુર થયુ છે. આ બજેટમાં કમિશ્નરે સુચવેલો નવા પાણી વેરો, ડ્રેનેજ ચાર્જ, કન્ઝર્વન્સી, વાહન વેરો તથા પાર્કિંગ ચાર્જ સ્ટેન્ડીંગ કમિટિએ નામંજુર કરી શહેરીજનો પરનો ૪૧ કરોડનો કરબોજ ફગાવ્યો છે. આ ઉપરાંત ૧૫ નવી યોજનાઓ ઉમેરી લોકોને મનભાવન બજેટ આપવા પ્રયાસ થયો છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદન કાનગડની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા બજેટને મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી અર્થે રવાના કરાયુ હતું. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં આ બજેટની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી.

શહેરની સ્માર્ટ સિટી તરફની કૂચમાં શહેરના છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે. સાથોસાથ આ વિસ્તારોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓનું માળખું પણ વધુ મજબુત બને

તે બાબતે પૂરતું લક્ષ આપવામાં આવ્યું છે. લદ્યુતમ સાધનોનો મહત્ત્।મ ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.  નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી, રોડ-રસ્તા અને બાગ-બગીચા ઉપરાંત, રાજકોટની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રેલ્વે ફાટક મુકત રાજકોટના નિર્ધાર સાથે ૦૭ નવા અન્ડરબ્રિજ/ઓવરબ્રિજનો બજેટમાં સમાવેશ કર્યો છે. રાજકોટમાં વધતી જતી જન સંખ્યા અને વાહનોની સંખ્યાને લીધે ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી રહેતી હોઈ, ૦૭ નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ માટે જોગવાઈ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કુલ રૂ.૪૧ કરોડના વધારાના કરબોજ સાથે રૂ.૨૦૫૭.૪૨ કરોડનું બજેટ સૂચવ્યુ હતુ. જેમાં, મિલકત વેરામાં રૂ.૨૦ કરોડ, વાહન વેરામાં રૂ.૦૬ કરોડ, પાણી કરમાં રૂ.૦૫ કરોડ, સફાઈ કરમાં રૂ.૦૫ કરોડ અને ડ્રેનેજ કરમાં રૂ.૦૫ કરોડનો નવો વધારો સમાવિષ્ટ હતો. આ તમામ કરબોજના પ્રસ્તાવો સ્ટેન્ડિંગ કમિટીએ લોકહિતમાં નામંજુર કર્યા છે. રૂ.૪૧ કરોડના નવા કરબોજના પ્રસ્તાવો રદ કર્યા બાદ રૂ.૨૧૨૬.૧૦ કરોડનું કદ ધરાવતું પ્રજાલક્ષી બજેટ મંજુર કરેલ છે.

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વર્ષ ૅં ૨૦૧૯-૨૦નું રૂ.૨૦૫૭.૪૨ કરોડનું કદ ધરાવતું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં અનુમતિ અર્થે રજુ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહન કરવામાં આવી રહેલા સબસીડાઈઝડ સેવાઓના જંગી ખર્ચને નજર સમક્ષ રાખી, કમિશનરશ્રી દ્વારા વોટર ટેક્ષ, કન્ઝર્વન્સી ટેક્ષ, ડ્રેનેજ ટેક્ષ એમ કુલ ત્રણ નવા કર પ્રસ્તાવ તથા હયાત કાર્પેટ એરિયા ફેકટરમાં તેમજ વ્હિકલ ટેક્ષના માળખામાં વધારો સૂચવતા બે કર પ્રસ્તાવ સહિત કુલ રૂ.૪૧ કરોડનો વધારાનો કરબોજ ધરાવતા કુલ પાંચ કર પ્રસ્તાવ ઉપરાંત અન્ય વિકાસલક્ષી યોજનાઓ બજેટમાં સુચવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટની વિવિધ જોગવાઈઓની ઊંડાણપૂર્વક સમિક્ષા કરી, રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ તથા શહેરીજનોની જરૂરિયાતને ધ્યાને રાખી, કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલ રૂ.૪૧ કરોડનો વધારાનો કરબોજ પ્રજાહિતમાં નામંજુર કરેલ છે સાથોસાથ બજેટમાં પ્રજાલક્ષી જરૂરી ફેરફારો કર્યા છે, તદુપરાંત શહેરીજનોની સુવિધાઓમાં વધારો થાય તે માટે કેટલીક નવી યોજનાઓ પણ બજેટમાં સામેલ કરી છે. આ સમગ્ર કવાયતમાં મહાનગરપાલિકાની આર્થિક સમતુલા જળવાઈ રહે તેની પણ કાળજી રાખવામાં આવી છે.  

શાસક પક્ષે બજેટની જોગવાઈઓના અભ્યાસ દરમ્યાન ગરીબ તથા મધ્યમ વર્ગના શહેરીજનોને કેન્દ્રમાં રાખેલ છે. કેન્દ્ર અને રાજય સરકારશ્રી દ્વારા અપનાવાયેલી નાગરિકલક્ષી પ્રશાસનિક વ્યવસ્થાને મહાનગરપાલિકા પણ વળગી રહી છે. સરકારશ્રી પાસેથી વિવિધ હેડ હેઠળ મળી રહેલી ગ્રાન્ટ અને મહાનગરપાલિકાની પોતાની આવકમાંથી શહેરની સર્વાંગી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા સ્ટેન્ડિંગ કમિટીએ દ્યનિષ્ઠ વિચારણા બાદ રૂ.૨૧૨૬.૧૦ કરોડના બજેટને આખરી ઓપ આપ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીએ બજેટની અંતિમ રૂપરેખા તૈયાર કરતી વખતે જે કેટલીક નવી યોજનાઓ તેમાં સામેલ કરી છે તેની ઉપર એક દ્રષ્ટિપાત કરીએ તો....

નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ

ગુજરાત રાજયના ચાર મેટ્રો સિટી પૈકીનું એક અને સૌરાષ્ટ્ર પ્રદેશનું ઔદ્યોગિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક હબ એવા રાજકોટ શહેરમાં આસપાસના ગામો-શહેરોમાંથી હજારોની સંખ્યામાં લોકો ધંધા-રોજગાર અર્થે આવે છે. જેને લીધે શહેરમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોનો સમય વ્યય ન થાય તે માટે શહેરમાં નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજનું આયોજન કરેલ છે. આ યોજના માટે વધારાના રૂ.૭,૫૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

૧.   આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ

૨.   નાના મવા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ

૩.   સોરઠીયાવાડી ચોક

૪.   લક્ષ્મીનગર

૫.   સિવિલ હોસ્પિટલ ચોક

૬.   કે.કે.વી. ચોક

૭.   કોઠારિયા સોલવન્ટ રેલ્વે ક્રોસિંગ

કોઠારિયા રોડ પરના વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ

કોઠારિયા રોડ પર આવેલ વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ છેલ્લા બે દાયકાથી વધુ વર્ષોથી જુદા જુદા પ્રસંગોએ ઉપયોગમાં લેવામાં આવે છે. કોઠારિયા રોડ પર માનવ વસવાટમાં થયેલ વધારાને ધ્યાને લેતા, આ કોમ્યુનિટી હોલ હયાત ગ્રાઉન્ડ ફ્લોરને બદલે વધુ માળ ધરાવતો બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઇ, વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ નવીનીકરણના કામે, રૂ.૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

અરવિંદભાઈ મણીઆર હોલનું નવીનીકરણ

જયુબેલી બાગ સંકુલમાં આવેલ અરવિંદભાઈ મણીઆર હોલ રાજકોટ શહેરનું સાંસ્કૃતિક ગૌરવ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૫૦૦/- પ્રતિ શો ના નજીવા દરે આ હોલ ભાડે આપવામાં આવે છે. જેનો લાભ મધ્યમ વર્ગના લોકો તેમજ નાની સ્કુલ, કોલેજના સંચાલકો લે છે. અરવિંદભાઈ મણીઆર હોલ નવીનીકરણના કામે, આધુનિક બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ આપવા માટે રૂ.૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી નવીનીકરણ

રેસકોર્ષ સંકુલમાં જ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની સુવિધા ઉપલબ્ધ છે. વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાને રાખી, આ આર્ટ ગેલેરીનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે, રૂ.૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરીજનોના મનોરંજન માટે સમયાંતરે મ્યુઝિકલ નાઈટ, લોકડાયરો, હસાયરો સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. આગામી નાણાકીય વર્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રૂ.૧૨૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. તધ્ઉપરાંત રાજકોટ મેરેથોન-૨૦૨૦ માટે રૂ.૫૦ લાખ, દિવાળી કાર્નિવલ-૨૦૧૯ માટે રૂ.૧૨૫ લાખ તેમજ ફ્લાવર શો-૨૦૨૦ માટે રૂ.૫૦ લાખની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે.

૩ પાર્ટી પ્લોટ

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખીને, શહેરમાં પાર્ટી પ્લોટની સુવિધા વ્યાજબી ભાડાથી ઉપલબ્ધ કરાવવા માટે, સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના ત્રણેય ઝોનના ટી.પી. પ્લોટમાં એક-એક, એમ કુલ ત્રણ સ્થળોએ નવા પાર્ટી પ્લોટ વિકસાવવાનું આયોજન કર્યું છે. આ યોજના માટે રૂ.૩૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

 હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ

અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે આવેલી હાઈજેનિક ફૂડ સ્ટ્રીટની થીમ પર રાજકોટમાં રૈયા ચોકડી પાસે હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ બનાવવામાં આવશે. શહેરીજનોને કુદરતી તત્વોથી ભરપુર અને પૌષ્ટિક એવો નાસ્તો, જયુસ, શરબત વિગેરે મળી રહે સાથોસાથ નાના ધંધાર્થીઓને રોજગાર મળી રહે તે માટે શહેરમાં રૈયા ચોકડી નજીક હાઈજેનિક ફૂડ સ્ટ્રીટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજના માટે રૂ.૧૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

જયુબેલી ગાર્ડન અને ગાંધી મ્યુઝિયમને જોડતો ફૂટ ઓવરબ્રિજ

જયુબેલી ગાર્ડન અને ગાંધી મ્યુઝિયમને જોડતો ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે રૂ.૨૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. 

જયુબેલી ગાર્ડન નવીનીકરણ

શહેરની મધ્યમાં આવેલો જયુબેલી ગાર્ડન રાજાશાહી વખતની વિરાસત છે. આ ગાર્ડનના નવીનીકરણ  માટે રૂ.૭૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

૩ નવી હાઈસ્કુલ

 શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સંતાનોને સાવ નજીવા દરે શિક્ષણ સુવિધા મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા હાલમાં ૦૬ હાઈસ્કુલ કાર્યરત છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગમાં પણ શિક્ષણ માટે વધેલ જાગૃત્ત્િ।ને ધ્યાને રાખી, સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના ત્રણેય ઝોનમાં એક-એક એમ, કુલ ત્રણ નવી હાઈસ્કુલના નિર્માણનો પ્રોજેકટ બજેટમાં ઉમેર્યો છે. આ પ્રોજેકટ માટે રૂ.૯૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનામાં, સેન્ટ્રલ ઝોનમાં કોઠારિયામાં અને ઇસ્ટ ઝોનમાં ભગવતીપરામાં ત્રણ નવી હાઈસ્કુલ બનશે. કોઠારીયાની દોઢ લાખની વસ્તીમાં એક પણ હાઇસ્કુલ ઉપલબ્ધ ન હોઈ, નવી હાઈસ્કુલની ભેટ આપવામાં આવી છે.

કમિશ્નરે ઝીંકેલા રેસકોર્ષ રોડ સહિતના ૧૨ રાજમાર્ગોના પાર્કિંગ ચાર્જને રદ કરાયો

રાજકોટઃ રેસકોર્સ મેદાન, કાલાવડ રોડ,  યાજ્ઞિક રોડ, ઢેબરભાઈ રોડ, ગોંડલ રોડ, જામનગર રોડ, કુવાડવા રોડ, જવાહર રોડ, ટાગોર રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ ચોકડીથી ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના ૧૨ માર્ગો પર અને રેસકોર્સ રીંગ રોડ સહિતની નવી સાઈટ્સ માટે કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલ પાર્કિંગ ચાર્જની તમામ જોગવાઈ રદ કરવામાં આવેલ છે. જયાં સુધી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનની યોગ્ય વ્યવસ્થા તેમજ પાર્કિંગ સ્પેસ આપી ન શકાય ત્યાં સુધી નવા કોઈ પણ ચાર્જ કે વેરા શહેરીજનો પર લાદવાનું ઇચ્છનીય નહી જણાતા, સ્ટેન્ડિંગ કમિટીએ આ જોગવાઈ પણ રદ કરેલ છે.

(3:31 pm IST)