Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ભીમનગરના ધો-૧૦ના વિદ્યાર્થી હિતેષ મકવાણાનું ઇટાળામાં સેલ્ફી લેતી વખતે ડેમમાં પડી જતાં મોત

ગઇકાલે બપોરે બે મિત્રો અને રિક્ષાચાલક સાથે નીકળ્યા બાદ ગૂમ હતોઃ રાત્રે પોલીસે આ ત્રણેયની પુછતાછ કરતાં તે ડૂબી ગયાનું કહેતાં ફાયર બ્રિગેડની મદદથી વહેલી સવારે મૃતદેહ શોધ્યોઃ પેનલ ડોકટર દ્વારા પોસ્ટ મોર્ટમઃ હિતેષ ડુબી જતાં સાથેના બે ભરવાડ ભાઇઓ અને રિક્ષાચાલક ગભરાઇને ભાગી ગયા'તાઃ તેના ઘરે પણ રાત સુધી વાત નહોતી કરીઃ હિતેષનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને વિગતો જણાવતાં પિતા તથા પરિવારજનો

રાજકોટ તા. ૧૨: નાના મવા ભીમનગરમાં રહેતો ૧૫ વર્ષનો ધોરણ-૧૦નો વણકર છાત્ર ગઇકાલે બપોરે દોઢેક વાગ્યે પડોશમાં જ રહેતાં બે ભરવાડ ભાઇઓ અને એક રિક્ષાચાલક સાથે નીકળ્યા બાદ ગૂમ થતાં તેની લાશ પડધરીના પાંભર ઇટાળા ગામના ડોંડી ડેમમાંથી મળતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જો કે આ છાત્ર ડૂબી ગયાની જાણ તેની સાથેના છોકરાઓ અને રિક્ષાચાલકે રાત સુધી ન કરતાં પરિવારજનો વ્યાકુળ બની ગયા હતાં. તાલુકા પોલીસે ત્રણેયને બોલાવી પુછતાછ કરતાં ડેમ પર સેલ્ફી લેતી વખતે આ છાત્ર પડી જતાં ડુબી ગયાનું અને પોતે બચાવવા ગયા પણ બચાવી ન શકતાં ગભરાઇને ભાગી આવ્યાનું કહ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા પડધરી પોલીસે પેનલ ડોકટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

જાણવા મળ્યા મુજબ ભીમનગરમાં રહેતો અને રાણી ટાવર પાસે પરિશ્રમ સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હિતેષ કિશોરભાઇ મકવાણા (ઉ.૧૫) નામનો વણકર છાત્ર ગઇકાલે બપોરે દોઢેક વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. તે પડોશમાં રહેતાં અને પાંભર ઇટાળા ગામે આશ્રમનું સંચાલન સંભાળતા ભરવાડ આધેડના બે પુત્રો સાથે એક રિક્ષામાં બેસીને ગયો હતો તે વખતે માતા આલુબેને તેને જોયો હતો.

પરંતુ રાતના સાડા નવ સુધી તે ઘરે ન આવતાં પિતા કિશોરભાઇ, માતા આલુબેન સહિતના પરિવારજનોએ શોધખોળ આદરી હતી. વિસ્તારમાં જ રહેતાં રિક્ષાચાલક અને બે ભરવાડ ભાઇઓ સાથે હિતેષ ગયાની જાણ સાથે તે ગૂમ થયાની રજૂઆત તાલુકા પોલીસમાં કરવામાં આવતાં પી.એસ.આઇ. એસ.આર. વડવી અને ફિરોઝભાઇએ બંને છોકરા અને રિક્ષાચાલકને બોલાવી પુછતાછ કરતાં ત્રણેયે હિતેષ પાંભર ઇટાળાના ડોંડી ડેમ ખાતે સેલ્ફી લેતી વખતે ડૂબી ગયાનું કહેતાં પોલીસ અને પરિવારજનો ત્યાં પહોંચ્યા હતાં અને રાજકોટ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી લાશ શોધી હતી. તાલુકા પોલીસે આ અંગે પડધરી પોલીસને જાણ કરી હતી.

મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે લાશનું પેનલ ડોકટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. બંને ભરવાડ ભાઇઓ અને રિક્ષાચાલકે પોલીસને કહ્યું હતું કે સેલ્ફી લેતી વખતે હિતેષ ડેમમાં પડી જતાં ખુંચી ગયો હતો. પોતે બચાવવા ગયા હતાં પણ બહાર કાઢી ન શકતાં ગભરાઇને ભાગી આવ્યા હતાં. આ ત્રણેય સાચુ બોલે છે કે કેમ? ખરેખર શું બન્યું? તે અંગે પડધરી પોલીસે તપાસ યથાવત રાખી છે. પોસ્ટ મોર્ટમ બાદ વિશેષ કાર્યવાહી થશે. ભરવાડ ભાઇઓ અને રિક્ષાચાલકને બનાવ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પોલીસ મથકે બેસાડી રખાયા છે.

મૃત્યુ પામનાર હિતેષ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા સેન્ટીંગ કામની મજૂરી કરે છે. લાડકવાયાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૬)

 

(10:20 am IST)