Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વેકસીનનો પ્રથમ જથ્થો પુણેથી દિલ્હી લઈ જવાનું માન રાજકોટની દીકરીને મળ્યુ

પેસેન્જર વિમાનને બદલે કારગો વિમાન મારફત વેકસીનનો જથ્થો લઈ જવાબદારી સોંપવામાં આવી હતી : કેપ્ટન નિધિએ વેકસીનનો જથ્થો સફળતાપૂર્વક પહોંચાડ્યો : પૂર્વ કોર્પોરેટર બીપીન અઢીયાની પાયલોટ પુત્રી ઉપર અભિનંદનવર્ષા

રાજકોટ, તા. ૧૨ : આજે પુણેથી દેશના જુદા જુદા ૯ સ્થળોએ માલવાહક વિમાની જહાજો દ્વારા કોરોના વેકસીનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. દરમિયાન રાજકોટની પાયલોટ કેપ્ટન નીધિ બીપીનભાઈ અઢીયાએ પુણેથી દિલ્હી માટે પ્રથમ વેકસીનનો જથ્થો લઈ જવાનું સફળતાપૂર્વક પાર પાડેલ છે. આમ રાજકોટની દીકરીને ફાળે કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો દિલ્હી પહોંચાડવાનું માન - સન્માન મળ્યુ છે.

કોમર્શીયલ પાયલોટ તરીકે 'સ્પાઈસ જેટ' વિમાન લઈને 'ગગન મા' વિહારની નિધિ અઢીયાને આજે પેસેન્જર વિમાનને બદલે 'વિશ્વવ્યાપી' કોવિડ-૧૯ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી 'વેકસીન'નું પુનાથી વેકસીન લઈ કારગો વિમા દ્વારા હૈદ્રાબાદ લઈ જવાની જવાબદારી સ્પાઈસ જેટ એરલાઈન્સ કાંુ. વાળા કે જે પ્રાઈવેટ એરલાઈન્સ દ્વારા સોંપવામાં આવી છે.

આ કામગીરી સંદર્ભે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૮ વર્ષ સુધી ભાજપ નગરસેવક તરીકેની ફરજ અદા કરેલ. નગર સેવક અને પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન બીપીન અઢીયાએ ગદ્દ ગદ્દ સ્વરોમાં જણાવ્યુ હતું કે મારી લોક સેવાનું આ પરિણમા છે. મારા સ્વ. પિતાશ્રીના આર્શીવાદ છે અને રાજકોટના પ્રજાજનો તથા રઘુવંશી શ્રેષ્ઠ શ્રેષ્ઠીઓ તથા ગુરૂદેવશ્રી રણછોડદાસજી મહારાજ અને શ્રીનાથજી બાવાના આર્શીવાદથી શકય બન્યુ હોવાનું જણાવ્યુ હતું.

કોમર્શીયલ પાઈલોટ નિધિ અઢીયાના માતુશ્રી માલતીબેન અઢીયા કહે છે આવા કોરોનાના કપરા કાળમાં મારી વ્હાલી દીકરીને સોંપવામાં આવી પૂણ્ય કામગીરી સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા સોંપવામાં આવી તે માટે તેનો આભાર વ્યકત કર્યાનું જણાવેલ.

નિધિ અઢીયા સ્વાતંત્ર્ય સેનાની સ્વ. કાન્તીભાઈ અઢીયા (સાબુવાળાની) લાડલી પૌત્રી, રાજકોટના સુપ્રસિદ્ધ પેંડાવાળા જય સીયારામ પેંડાવાળા હરજીવન ભગતની દોહીત્રી છે. નિધિના માયા ભાઈ રઘુભાઈ તથા જયંતભાઈએ અને ભાઈ મિથિલેશે અભિનંદન પાઠવ્યા છે. (મો. ૮૮૪૯૫ ૯૭૩૨૮ - મો.૮૮૪૯૮ ૭૨૧૭૪)

(4:03 pm IST)