Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સાસરીયાના ત્રાસથી વિપ્ર પરિણિતાના આપઘાત કેસમાં પતિના જામીન મંજુર

રાજકોટ તા. ૧ર : રાજકોટના રૈયા રોડ પર ચંદન પાર્કમાં રહેતા બેંકના મેનેજર હિતેષ તેરૈયા સાથેના ઘરકંકાસથી ત્રાસી પત્ની નીલાબેન તેરૈયાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા નોંધાયેલ ફરીયાદના કામે પતિના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલા છે.

આ કેસની હકિકત એવી છે કે, તા.૭/૧૧/ર૦ર૦ ના રોજ ચંદનપાર્ક મેઇન રોડ, રૈયા રોડ પર રહેતા અને બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હિતેષ નેરૈયાના પત્ની નીલાબેન તેરૈયાએ પોતાના સાસરે પંખે લટકી જઇ આપઘાત કરેલ હતો જે સંબંધે મરજણનારનાભાઇ ધર્મેશભાઇ દિનેશભાઇ જોષી રહે. ભાયાવદરવાળાએ રાજકોટના ગાંધીગ્રામ-ર(યુનિવર્સિટી) પો.સ્ટેશનમાં (૧) હિતેષભાઇ મોહનભાઇ તેરૈયા(પતી) (ર) મોહનભાઇ નાનજીભાઇ તેરૈયા (સસરા) (૩) અનસુયાબેન મોહનભાઇ તેરૈયા (સાસુ) સામે ફરીયાદ કરેલ હતી જે ફરીયાદમાં એવા આક્ષેપો કરેલ કે આરોપીઓએ તેમની બહેન નીલાને ખુબજ શારીરીક, માનસીક ત્રાસ આપેલ છે તેમજ મરણજનારને આત્મહત્યા કરવી પડે તેવા અસહ્ય સંજોગો ઉભા કરતા નીલાએ પંખા સાથે દુપટેથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ જેમાં તમામ આરોપીઓએ ગુજરનારને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી આપઘાત કરવા માટેનું દુષ્પ્રેરણ કરી એકબીજાને મદદગારી કરી આઇપીસી-૩૦૬, ૪૯૮ (એ.), ૧૧૪ વિગેરે હેઠળ ગુન્હો નોંધાયેલ હતો.

આરોપીઓ વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ થતા પતિની ધરપકડ કરી જેલ હવાલે કરતા આરોપી હિતેષ તેના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સેશન્સ કોર્ટમાં અને ત્યારબાદ હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી.

બન્ને પક્ષોની દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ગોકાણી દ્વારા રજુ કરાયેલા કાયદાકીય, તર્ક અને દલીલો માન્ય રાખી આરોપી હિતેષ તેરૈયાને પરવાનગી વિના ભારત દેશ ન છોડવાની શરતે જામીન મુકત કરવા આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી હિતેષ તેરૈયા વતી ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીતન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી, જયશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી રોકાયેલ હતા.

(3:57 pm IST)