Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જસદણના લીલાપુર ખુન કેસના મહિલા આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૧ર : જસદણના લીલાપુર ગામે દિનેશ લાલબહાદુર દાવરની છરી ના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ સગાભાઇની પત્નિ ભાનુબેન દાવરે ચાર્જશીટ બાદ જામીનપર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી બી.બી. જાદવે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૩૦-૧૦-૧૯ના રોજ મજુરીકામ બાબતે સગા ભાઇઓ વચચે ડખ્ખો થતા મુખ્ય આરોપી લોટીયા દાવરે તેના ભાઇ દિનેશની છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ગુનામાં આરોપીની પત્ની ભાનુબેન મદદગારી હતી.  જસદણ પોલીસે આ બનાવ અંગે પ્રવિણભાઇ કલ્યાણભાઇ રામાણીની ફરીયાદ નોંધીને બંને આરોપી દંપતિની ધરપકડ કરીને જેલહવાલે કરતા સહઆરોપી ભાનુબેન દાવરે ચાર્જશીટ બાદ બીજી વખત જામીનપર છુટવા અરજી કરી હતી.

આ જામીન અરજીના વિરોધમાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઅત કરેલ કે આરોપી ભાનુબેન મરનારને બનાવ સમયે પકડી રાખેલ અને તેના પતિએ છરીના ઘા માર્યા હતા આમ બનાવની ગંભીરતા જોતા તેણીનો રોલ પણ મહત્વનો હોય ચાર્જશીટ બાદ સંજોગો બદલાયેલ ન હોય આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગુનો જણાતો હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટના એડી. સેસ. જજ શ્રી જાદવે આરોપી ભાનુબેનની જામીન અરજીને અદાલતે નકારી કાઢી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સમીર એમ. ખીરા રોકાયા હતા.

(3:55 pm IST)