Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

સંક્રાત પૂર્વે સદર બજારમાં પ્ર.નગર પોલીસનો દરોડોઃ ૨૦૦૦ નંગ તુક્કલ સાથે ફૈઝલ ઝડપાયો

ચાઇનીઝ દોરા વેંચતા બે વેપારી પકડાયા બાદ હવે તુક્કલ સાથે એક પકડાયોઃપોલીસે પાક્કી માહિતી પરથી મકાનમાં દરોડો પાડ્યોઃ ૪૦ હજારના તુક્કલનો જથ્થો કયાંથી લાવ્યો તે અંગે તપાસ

રાજકોટ તા.૧૦: સંક્રાંતિના તહેવાર પર ચાઇનીઝ દોરો અને તુક્કલના વેંચાણ કરવા પર, ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં આવી પ્રતિબંધીત વસ્તુઓ દર વર્ષે વેંચાતી અને વપરાતી હોય છે. ગત રાતે માલવીયાનગર પોલીસ અને બી ડિવીઝન પોલીસે બે વેપારીને ચાઇનીઝ દોરાની ફિરકીઓ સાથે પકડી લીધા હતાં. ત્યાં આજે બપોરે પ્ર.નગર પોલીસ પોલીસે સદર બજારમાં એક મકાનમાં દરોડો પાડી એક શખ્સને ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે ઝડપી લીધો છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાએ સદર બજાર તથા વિસ્તારમાં કોઇપણ વેપારીઓ પ્રતિબંધીત ચાઇનીઝ તુક્કલ કે દોરા વેંચે નહિ તે બાબતે સચેત રહેવા અને સતત ચેકીંગ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત આજે બપોરે પીઆઇ વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર, અરવિંદભાઇ મકવાણા, અશોકભાઇ કલાલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ, જનકભાઇ કુગશીયા, અશોક હુંબલ, જયેન્દ્રસિંહ પરમાર સહિતના સ્ટાફે સદરની પતંગ બજારમાં પેટ્રોલીંગ ચાલુ કર્યુ હતું. એ દરમિયાન જુના નૂતન પ્રેસ નજીક આવેલા શુ કૂન કેટરર્સ નજીક રહેતાં ફૈઝલ ઇબ્રાહિમભાઇ જુમાણી (ઉ.૩૦) નામના શખ્સના ઘરમાં તુક્કલનો જથ્થો ઉતર્યાની ખબર પડતાં પોલીસે અંદર જઇ તપાસ કરતાં બાતમી સાચી ઠરી હતી.

પોલીસે આશરે ચાલીસ હજાર રૂપિયાની કિંમતના બે હજાર નંગ તુક્કલ કબ્જે કરી ફૈઝલની ધરપકડ કરી હતી. આ શખ્સ તુક્કલ કયાંથી લાવ્યો? તે અંગે ગોળ-ગોળ વાતો કરતો હોઇ પોલીસે વિશેષ પુછપરછ હાથ ધરી છે. પોલીસ સંક્રાત નિમિતે સતત આ રીતે તપાસ કરતી રહેશે. વેપારીઓ, ધંધાર્થીઓ આવી પ્રતિબંધીત વસ્તુઓ ન વેંચે તે જરૂરી છે.

(3:33 pm IST)