Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભીલ સમાજના યુવાઓની કલા નિખરી : ડાન્સમાં વિજેતા

કોલકતામાં યોજાયેલ ભારત સંસ્કૃતિ ઉત્સવ કાર્યક્રમમાં ફોક ડાન્સમાં પ્રથમ અને ગ્રુપ ડાન્સમાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યુ : હવે ઈન્ટરનેશનલ કોમ્પીટીશનમાં ભાગ લેવા જશે : રાજકોટ ભીલ સમાજ ફુલડે વધાવશે

રાજકોટ, તા. ૧૨ : રાજકોટ ભીલ સમાજના યુવાઓએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. રાજયકક્ષાની ડાન્સ કોમ્પીટીશનમાં ટ્રોફી જીત્યા છે. આ યુવાનો હવે ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે.

શ્રી આશાપુરા ફ્રેન્ડ્સ ગ્રુપ અને એકતા ગ્રુપના નેજા હેઠળ કોલકતા ખાતે ભારત સંસ્કૃતિ ઉત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એકલવ્ય ફ્રેન્ડ્સ ગ્રુપ - રાજકોટના યુવાઓની ટીમે ભાગ લીધો હતો. જેમાં ફોક ડાન્સમાં અવતાર રાસ રજૂ કરી પ્રથમ સ્થાન મેળવેલ અને ફોક ડાન્સ (હોરર ડાન્સ)માં ત્રીજુ સ્થાન હાંસલ કરેલ. આ ભારત સંસ્કૃતિ ઉત્સવના કાર્યક્રમમાં જુદા જુદા રાજયોમાંથી ૨૫ ટીમોએ ભાગ લીધો હતો.

યુવાનોની ટીમે શરીર ઉપર બોડી પેઈન્ટીંગ કરી ભગવાનના જુદા જુદા ૧૦ અવતાર રજૂ કરવામાં આવેલ. વિજેતા ટીમ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જનાર છે. રાજકોટ ભીલ પંચાયતના પ્રમુખ શ્રી આશિષ વાગડીયા, મહામંત્રી શ્રી યોગેશ રાઠોડ અને તેની ટીમ દ્વારા સિદ્ધિ હાંસલ કરનાર યુવા ટીમનું જાજરમાન સન્માન કરવામાં આવશે.

તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સંજયભાઈ મેં, મદનભાઈ રાઠોડ, લલીતભાઈ મે, ચિરાગ રાઠોડ, તેજસ રાઠોડ, રૂષભ પેંગ્યાતર, પાર્થ કડવાતર, રાજ મેં, જય મેં, કિશન મુલીયાણા, ધવલ ચૌહાણ, દિપ ચૌહાણ, ધવલ રાઠોડ, પ્રિયાગ મુલીયાણા અને મનીષ ગોહેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)