Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ગિફટ આર્ટીકલના ધંધાર્થી નૈમિષ સુરાણી સામે ૪.૯૮ કરોડની કરચોરી કર્યાનો ગુનો

બહુમાળી ભવનના રાજ્ય વેરા નિરિક્ષક અને ટીમે ગોંડલ રોડ સાગર આર્કેડમાં નૈમિષના ધંધાના સ્થળે તપાસ કરતાં ત્યાં માલનો કોઇ સ્ટોક જ જોવા ન મળ્યોઃ ત્યાંથી ધંધો થતો જ નહિ હોવાનું પણ ખુલ્યું: ખરીદ વેંચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં ૯૯ કરોડથી વધુના વેંચાણો દર્શાવી ૪ કરોડ ૯૮ લાખનો વેરો ઉઘરાવી છેતરપીંડી કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૨: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવ રેસિડેન્સી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતાં અને ગોંડલી રોડ પર સાધના ટ્રેડિંગ નામે ધંધો કરતાં નૈમિષ મગનભાઇ સુરાણી નામના વેપારી સામે વેંચાણવેરાના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી તેના આધારે વેરો ઉઘરાવી વેટ કાયદાની જોગવાઇનો ભંગ કરી રૂ.૪,૯૮,૨૩,૮૮૩ (ચાર કરોડ અઠ્ઠાણુ લાખ ત્રેવીસ હજાર આઠસો ત્ર્યાંસી)ની કરચોરી કરવા સબબ ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ધંધાના સ્થળે તપાસ થતાં ત્યાં માલનો કોઇ સ્ટોક જ નહિ હોવાનું અને ત્યાંથી કોઇ પ્રકારનો ધંધો થતો જ નહિ હોવાનું ખુલ્યું હતું. આમ છતાં  જે ટીન નંબર મેળવાયા હતાં તેના આધારે ૯૯ કરોડથી વધુના વેંચાણો દર્શાવી ગોલમાલ કરવામાં આવ્યાનું ખુલ્યું હતું. 

આ મામલે એરપોર્ટ રોડ પર સિંચાઇ નગરમાં રહેતાં અને બહુમાળી ભવન ખાતે રાજ્ય વેરા નિરિક્ષક તરીકે ફરજ બજાવતાં રીટાબેન સુરેશભાઇ બોરડ (ઉ.૫૪)ની ફરિયાદ પરથી મગનભાઇ સુરાણી સામે ગુજરાત મુલ્ય વર્ધીત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમ ૮૫ (૧), (છ) તથા કલમ ૮૫ (૨) (ઠ) મુજબ એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વેરા નિરીક્ષકી શ્રી બોરડે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું રાજ્ય વેરા નિરિક્ષક તરીકે ફરજ બજાવું છે અને મારી ફરજમાં વેપારીના નાણા હિસાબો આકારણી તથા ઉપરી અધિકારી શ્રી જીયડ  રાજ્ય વેરા અધિકારી-૬ દ્વારા આપવામાં આવતી સુચના અને સોંપવામાં આવતા કામની ફરજ બજાવવાનું છે. દરમિયાન અમારી કચેરીના જાવક નં.૯૦૫૭/૧૭ તા. ૨૦-૧૨-૧૭ અન્વયે નૈમિષભાઇ મગનભાઇ સુરાણી (રહે. બ્લોક નં. ૮૧, ગુજરાત હાઉસીંગ બોર્ડ માધવ રેસિડેન્સી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ) વિરૂધ્ધ ગુજરાત મુલ્ય વર્ધીત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમો હેઠળગુનો દાખલ કરવા અરજી આપવામાં આવી છે.

આ વેપારી નૈમિષ મગનભાઇ સુરાણીના ધંધાનું સ્થળ સાધના ટ્રેડિંગ કંપની-૨૨૪, ૨૨૫ સાગર આર્કેડ ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરૂકુળ સામે રિલાયન્સ પંપની બાજુમાં છે. તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા અમારી કચેરીના રાજ્ય વેરા અધિકારી ઘટક-૬, ઘટક-૨ રાજકોટ ભરતભાઇ જીયડના આદેશથી કાર્યવાહી કરવા જણાવાયું હતું. તા. ૬/૧૦/૧૫થી અમલી બનતો ટીન નં. ૨૪૦૯૦૭૦૪૭૯૬ તેમજ કેન્દ્રીય નોંધણી નં. ૨૪૫૯૦૭૦૪૭૯૬થી જે ટીન નંબર હેલ્થકેર પ્રોડકટ અને હેન્ડીક્રાફટ તથા ગિફટ આર્ટીકલના વેંચાણ માટે સામાવાળા નૈમિષભાઇએ મેળવ્યા હતાં.

તેના ધંધાના સ્થળે તા. ૬-૬-૧૭ના રોજ તપાસ કામગીરી કરવામાં આવતાં ધંધાના સ્થળે નૈમિષ મગનભાઇ સુરાણી મળી આવ્યા નહોતાં. ધંધાની જગ્યાના માલિક તરફથી આ જગ્યા કોઇપણ પ્રકારે ધંધાકીય હેતુ માટે ઉપયોગમાં કરવામાં આવી નહિ હોવાનું પણ માલુમ પડ્યું હતું. ત્યાંથી કોઇ માલની હેરફેર પણ થયાનું કે કોઇ માલનો સ્ટોક પણ મળ્યો નહોતો. આમ ધંધાના સ્થળે કોઇપણ પ્રકારનો ધંધો થતો હોવાનું જણાયું નહોતું. ધંધાના સ્થળનું કોઇ અસ્તિત્વ જ જણાયું નહોતું. માત્ર બિલીંગ પ્રવૃતિ આચરી સરકારી આવકને નુકસાન પહોંચાડવાનું કૃત્ય થયાનું સામે આવ્યું હતું.

નોંધણી નંબર મેળવ્યાબ ાદ કાયદાની કમલ ૨૯ હેઠળ પત્રકો ભરવા માટે જવાબદાર હતાં. છતાં નોંધણી નંબર મેળવ્યા બાદ ઓનલાઇન પત્રકો અને રેટીસના રિવર્સ રિપોર્ટના આધારે તા.૬-૧૦-૧૫ થી ૧૭-૭-૧૭ દરમિયાન ભરેલા પત્રકોમાં ખરીદ વેંચાણના વ્યવહારો ખરેખર કર્યા ન હોવા છતાં કુલ રૂ. ૯૯ કરોડ ૫૭ લાખ ૪૩ હજાર ૪૧૯ના વેંચાણો દર્શાવી (ઉપજાવી) તેના બીલમાં કુલ રૂ. ૪ કરોડ ૯૮ લાખ ૨૩ હજાર ૮૮૩નો વેરો ગેરકાયદેસર ઉઘરાવ્યો હોવાનું ખુલ્યું હતું. આમ ખરીદ વેંચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી તેમાં વેરો ઉઘરાવી વેટ કાયદાની જોગવાઇનો ભંગ કરી ગેરકાયદે વેરો ઉઘરાવી કરચોરી કરી સરકાર સાથે છેતરપીંડી કરી હોઇ તે મતલબની ફરિયાદ નોંધાવી છે.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. જી. અબાસણા અને વિજયભાઇ બાલસ સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

(4:09 pm IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST