Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કુવાડવા પાસે એસટી બસે બાઇકને ઉલાળતાં ગોલીડાના ઓસમાણનું મોતઃ મિત્રને ઇજા

સંધી યુવાન પોતાના મિત્ર શિવલાલ માલકીયા સાથે કુવાડવા કલરકામે આવતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૨: કુવાડવા જીઆઇડીસી પાસે બાઇકને પાછળથી એસટી બસે ઉલાળી દેતાં બાઇકસ્વાર ગોલીડા ગામના બે મિત્રો મુસ્લિમ યુવાન અને કોળી યુવાન ફંગોળાઇ જતાં મુસ્લિમ યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કોળી યુવાનને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ ગોલીડા ગામે રહેતો ઓસમાણ મહમદભાઇ જામ (સંધી) (ઉ.૩૫) તથા શિવલાલ ધરમશીભાઇ માલકીયા (કોળી) (ઉ.૩૦) સવારે બાઇક પર બેસી કુવાડવા જીઆઇડીસીમાં કલર કામ કરવા આવી રહ્યા હતાં ત્યારે જીઆઇડીસી નજીક બોમ્બે સુપર માર્કેટ પાસે એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૨૧૮૪ની ઠોકરે ચડી જતાં ચાલક ઓસમાણ અને પાછળ બેઠેલો શિવલાલ બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં ગંભીર ઇજા થતાં ઓસમાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે શિવલાલને સારવાર માટે દાખલ કરાયો હતો.ઘટનાની જાણ થતાં કુવાડવાના એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને જયંતિભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ઓસમાણ બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં સાડા ત્રણ વર્ષનો પુત્ર છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(4:04 pm IST)