Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

બોગસ સિમકાર્ડ વેંચવાનું કોૈભાંડ ઝડપાયું: ત્રણ પકડાયા

એસીપી પ્રદિપસિંહ જાડેજાની સુચનાથી ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમની કામગીરીઃ કોઠારીયા સોલવન્ટનો જીત કક્કડ, દિપક પાટીલ અને એક સગીર પકડાયાઃ છત્રી નાંખીને સિમ કાર્ડ વેંચતા આ શખ્સો અલગ-અલગ ગ્રાહકના અંગુઠાની છાપ ત્રણ-ચાર વાર લઇ લેતાં: બાદમાં તેના આધારે સિમકાર્ડ એકટીવેટ કરી પુરાવા વગર ૫૦૦ થી ૬૦૦માં વેંચી મારતાં!: જુદી-જુદી કંપીનીના ૯૮૫ સિમકમાર્ડ, અંગુઠાની છાપ લેવાના ત્રણ મશીન કબ્જે

જપ્ત કરાયેલા જુદી-જુદી કંપનીના સિમકાર્ડનો જથ્થો, અંગુઠાની છાપ લેવાના મશીનો સહિતનો મુદ્દામાલ તથા પકડાયેલા શખ્સો સાથે પી.આઇ. વી.કે. ગઢવી અને ટીમ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: મોબાઇલના સિમ કાર્ડ વેંચવા હોય તો જે તે વેપારીએ ગ્રાહક પાસેથી આધાર પુરાવા સહિતની નક્કર વિગતો મેળવવી ફરજીયાત હોય છે. આમ છતાં કોઠારીયા રોડ વિસ્તારમાં કોઠારીયા સોલવન્ટના બે યુવાન અને એક સગીર મળી કોઇપણ જાતના પુરાવા મેળવ્યા વગર બોગસ સિમકાર્ડનું વેંચાણ કરતાં હોવાની માહિતી મળતાં ભકિતનગર પોલીસે ત્રણેયને દબોચી લઇ જુદી-જુદી કંપનીના સિમકાર્ડનો જથ્થો, અંગુઠાની છાપ લેવાના મશીનો કબ્જે લઇ ત્રણેયની વિશેષ પુછતાછ હાથ ધરી છે.

પોલીસે કોઠારીયા રોડ નંદા હોલ પાસેથી કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાની બાતમી પરથી કોઠારીયા સોલવન્ટના જીત ઉર્ફ કાનો મહેશભાઇ કક્કડ (ઉ.૧૯), દિપક કૈલાસભાઇ પાટીલ (ઉ.૧૯) તથા એક સગીરને પકડી લીધા છે. આ ત્રણેય પાસેથી અલગ-અલગ કંપનીના બોગસ સિમકાર્ડ નંગ ૯૮૫, બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ મશીન નંગ-૩ તથા એકટીવા ૪૦ હજારનું કબ્જે કરાયું છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ ત્રણેય મોટે ભાગે કોઠારીયા રોડ પર અલગ-અલગ જગ્યાએ છત્રી રાખી જુદી-જુદી કંપનીના મોબાઇલના સિમકાર્ડ વેંચે છે. પણ હાલમાં ત્રણેયએ કોઇપણ જાતના પુરાવા મેળવ્યા વગર જ ગ્રાહકોને રૂ. ૫૦૦ થી ૬૦૦માં બોગસ સિમકાર્ડ વેંચવાનું ચાલુ કર્યુ હોવાની બાતમી મળી હોઇ તેના આધારે ત્રણેયને પકડી લેવાયા હતાં. આ ત્રણેય શખ્સો કોઇ ગ્રાહક સિમ કાર્ડ ખરીદવા આવે તો તેનું એક કાર્ડ એકટીવેટ કરવા માટે તેના અંગુઠાની પ્રિન્ટ મશીનમાં લેતાં હતાં. એક વખત પ્રિન્ટ ઓકે થઇ ગઇ હોવા છતાં આ શખ્સો ચાલાકી વાપરી બરાબર પ્રિન્ટ આવી નથી તેવું કહી જે તે ગ્રાહકના અંગુઠાનું નિશાન ત્રણ કે ચાર વાર લઇ લેતાં હતાં. બાદમાં તેના આધારે અલગ-અલગ કંપનીના સિમકાર્ડ એકટીવેટ કરી બીજા ગ્રાહકોને કોઇપણ જાતના આધાર પુરાવા વગર રૂ. ૫૦૦ થી ૬૦૦માં વેંચી દેતાં હતાં. આમ ત્રણેય જે તે કંપની મારફત વધુને વધુ સિમકાર્ડ વેંચવાનો અપાતો ટારગેટ પુરો કરી નાંખતા અને વધુ ભાવે કાર્ડ વેંચી  નાંખી વધુ કમાણી પણ કરતાં હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની તથા એસીપી પૂર્વ પ્રદિપસિંહ જી. જાડેજાની સુચના મુજબ પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમના પીએસઆઇ ડી. એન. વાંઝા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રતાપસિંહ રાણા, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, હિતેષભાઇ અગ્રાવત તથા રાજેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૫) 

આવી રીતે કાર્ડ એકટીવેટ કરતાં

આ ત્રણેય એક ફિંગર પ્રિન્ટનો ઉપયોગ જે તે ગ્રાહક એક સિમકાર્ડ ખરીદે તેમાં ઉપયોગ કરતાં હતાં. આ માટે ઓટીપી માટે કાર્ડ ખરીદનાર ગ્રાહકના મોબાઇલ નંબરનો ઉપયોગ કરતાં હતાં. આ જ ગ્રાહકના વધારાના અંગુઠાના નિશાન લેવાયા હોઇ તેનો ઉપયોગ કરવા માટે પોતાના મોબાઇલ નંબર વાપરતાં. જેથી ઓટીપી આવે તો આ ત્રણેયના મોબાઇલ નંબર પર જ આવતો અને તેના આધારે બીજા કાર્ડ એકટીવેટ કરાવી તે પુરાવા વગર જ વેંચી નાંખતા હતાં. (૧૪.૧૫)

(4:02 pm IST)
  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST