Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

રાજકોટની યુવા ટીમે બનાવી ફિલ્મ ''બાપ રે બાપ''

પિતા- પુત્ર અને મિત્રો વચ્ચેની દિલધડક રોલર કોસ્ટર રાઈડ જેવી ગુજરાતી થ્રિલર- કોમેડી ફિલ્મઃ સિરીયલ 'ખિચડી'ના કલાકાર રાજીવ મહેતા પણ મુખ્ય ભૂમિકામાં: ફિલ્મમાં ત્રણ ગીતો પણ છેઃ ૧૮મીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે

રાજકોટ,તા.૧૨: ગુજરાતી અર્બન ફિલ્મોનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. અનેક નવા વિષયો સાથે રજૂ થતી આપણી માતૃભાષાની ફિલ્મો ખરેખર પ્રેક્ષકોના મન મોહી રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વખત થ્રિલર- કોમેડી ઝોનરની ફિલ્મ ''બાપ રે બાપ'' ૧૮ જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં આવી રહી છે. પિતા પુત્ર વચ્ચેના વૈચારિક ભેદ ભાવને હળવી શૈલીમાં રજૂ કરવાની સાથે મિત્રને કપરા સમયમાં સાથ આપવા કોઈપણ હદે જતા દિલોલજાન મિત્રોની રોલર કોસ્ટર રાઈડ જેવી ફિલ્મ પ્રેક્ષકોનું એક સેકન્ડ માટે પણ ધ્યાન ભંગ નહિ થવા દે. સમયની સાથે રેસ માંડી બેઠેલા મિત્રો એમને મળેલી ચેલેન્જ પૂરી કરે છે કે નહીં અને આ ચેલેન્જ પૂરી કરવા માટેની મથામણમાંથી ઉદ્ભવતું હાસ્ય પ્રેક્ષકો માટે સ્ટ્રેસ રિલીવર સાબિત થશે.

સાગર કાલરિયાનું સુંદર દિગ્દર્શન અને પાર્થ બાણુંગરિયા અને સચિન રાઠોડના નિર્માણમાં ધવલ રાઠોડની વાર્તા ''બાપ રે બાપ''માં રાજકોટના તેજ જોશી (અજય) લીડ રોલમાં દેખાશે, તો એમના બાપના રોલમાં ખીચડીમાં પ્રફુલ તરીકે આપણે જેમને માણતા આવ્યા છીએ એ સદાબહાર કોમેડી કિંગ રાજીવ મહેતા નજરે પડશે. ઘણા નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપી ચૂકેલા ટિલ્લાના દેસાઈ (સપના), પ્રિતક રાઠોડ (દિવ્યેશ) અને રાજકોટના નાટ્ય કલાકાર અને કવિ ભાર્ગવ ઠાકર (વિનય) મિત્રો તરીકેના પાત્રમાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કરશે. સમગ્ર ફિલ્મ સિન્ક સાઉન્ડ કરવામાં આવી છે જેમાં સાઉન્ડર એન્જિનિયર નીરૂકત દવે અને સાઉન્ડ રેકોડીસ્ટ ઉર્મલ પંડ્યાએ પ્રશંસનીય કામ કર્યું છે. રાજકોટનાં જ ભૂમિલ સૂચકએ આ ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે. ફિલ્મનું એડિટિંગ સચિન દેસાઈ અને કૌશલ ગોંડલીયાએ કરેલું છે.

આ ફિલ્મનું કર્ણ પ્રિય સંગીત મુંબઈના સંગીતકાર રાજીવ ભટ્ટે આપ્યું છે તો ગીતો દિવ્યા કુમાર (ઝીરો, ભાગ મિલ્ખા, બાહુબલી ફેમ), જશરાજ જોશી (સરેગામા વિનર અને રૂસ્તમ ફેમ) એ ગાયા છે. ભાર્ગવ ઠાકર અને આર્શ પંચમતિયાએ ગીતો લખ્યાં છે. આ ઉપરાંત અર્જુન મહેતાએ લખેલું અને કંપોઝ કરેલું રેપ સોંગ પણ ફિલ્મમાં ખૂબ વખણાય રહ્યું છે. સોશીયલ મીડિયા, યૂ ટ્યુબ અને મોબાઈલની દરેક મ્યુઝીક એપ્લિકેશન પર ફિલ્મના ત્રણેય ગીતોને અદ્વિતીય પ્રતિસાદ મળી રહ્યો છે.

સામાન્ય પરિવારમાં પિતા પુત્રના સંબંધો, પુત્રની અપેક્ષાઓ અને પિતાની મહેચ્છાઓ વચ્ચેનો સંઘર્ષ, મિત્રો માટેની મમત અને કટોકટીના સમયે સગાઓના દૂર વ્યવહાર જેવી બાબતો પણ સાવ સહજ હાસ્ય દ્વારા કહેવાતી વાત લઈને આવતી આ ફિલ્મ ૧૮ જાન્યુઆરીથી મોટાભાગના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.

તસ્વીરમાં તેજ જોશી, ભાર્ગવ ઠાકર, ભૂમીલ સુચક, સાગર કાલરીયા, ચિંતનભાઈ બાણુગરીયા (મો.૯૮૨૫૨ ૩૩૮૮૦) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST