Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ચાઇનીઝ દોરા-તુક્કલનું વેંચાણ અટકાવવા પોલીસના ઠેર-ઠેર દરોડાઃ રાજીવનગરના નાસીરખાનની ધરપકડ

તમામ પોલીસ મથકની ટીમોએ ઠેર-ઠેર તપાસ કરીઃ નુકસાનકારક તુક્કલ અને ચાઇનીઝ દોરા નહિ વેંચવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાનો કડક અમલ કરવા સુચના

રાજકોટઃ મકર સંક્રાંતિના તહેવાર પર ચાઇનીઝ દોરો, ચાઇનીઝ તુક્કલના વેંચાણ પર પ્રતિબંધ હોવા છતાં અમુક વેપારીઓ ચોરી-છુપ્પીથી આવી પ્રતિબંધીત વસ્તુઓનું વેંચાણ કરી રહ્યાની માહિતી મળતાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પતંગ-દોરાના વેપારીઓને ત્યાં ડ્રાઇવ યોજી તપાસ કરવા સુચના આપી હોઇ તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઠેર-ઠેર પતંગ-દોરાના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્ર.નગર પોલીસ, તાલુકા પોલીસ, એ-ડિવીઝન પોલીસ, માલવીયાનગર પોલીસ, ગાંધીગ્રામ પોલીસ, ભકિતનગર પોલીસ, થોરાળા, કુવાડવા, યુનિવસ્ર્ટિી પોલીસની ટીમોએ ઠેર-ઠેર તપાસ કરી હતી. જે અંતર્ગત બજરંગવાડી રાજીવનગર-૬માં આવેલી એસ સિઝન સ્ટોર નામની દૂકાનમાંથી ૧૧૫ નંગ તુક્કલ અને ૧૬ ચાઇનીઝ દોરાની ફિરકી  મળી રૂ. ૭૧૦૦નો મુદ્દામાલ મળતાં દુકાનદાર નાસીરખાન મહોમ્મદખાન પઠાણ (ઉ.૪૫-રહે. રાજીવનગર-૬) સામે ગુનો નોંધાયો હતો. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. જાડેજા, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ કગથરા, દિનેશભાઇ વહાણીયા સહિતે આ કામગીરી કરી હતી. તસ્વીરમાં ભકિતનગર પોલીસ, યુનિવર્સિટી પોલીસ, તાલુકા પોલીસની ટીમો તપાસ કરી રહેલી અને ઉપરની પ્રથમ તસ્વીરમાં તુક્કલ-ચાઇનીઝ દોરા સાથે ઝડપાયેલો શખ્સ જોઇ શકાય છે

(3:48 pm IST)