Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સોમવારે મકર સંક્રાંતિ : આકાશમાં પતંગોની રંગોળી સર્જાશે

ધાબાઓ પર 'કાય પો છે..' ની ચીચીયારીઓ ગુંજશે : ઉંધીયુ, ચીકી, શેરડીની મોજ વચ્ચે ઉતરાયણ મનાવાશે : જીવદયાપ્રેમીઓ પૂણ્યનું ભાથુ બાંધશે : ગૌશાળાઓ દ્વારા દાન માટે ઝોળીઓ બીછાવાઇ : ઘવાતા પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમો કાર્યરત

રાજકોટ તા. ૧૨ : સુર્યના મકર રાશીમાં પ્રવેશની ઘડી એટલે મકર સંક્રાંત!  તથ જોયા વગર દર વર્ષે ૧૪ મી જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંત ઉજવવાનું ફિકસ જ હોય છે. આ દિવસને પતંગ પર્વ અને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આગામી તા. ૧૪ ના સોમવારે મકર સંક્રાંત હોય ઉત્સવને મનભરીને માણવા લોકો સજજ બની ગયા છે. રંગ બેરંગી પતંગોની ખરીદીથી બજારોમાં અનેરી ચહલ પહલ જામી છે. કાચ પાયેલ તીક્ષણ દોરા ખરીદવામાં પતંગબાજો મશગુલ બન્યા છે. ઓણ સાલ ભાવ વધારો પતંગ અને દોરા બજારને થોડો અકરળાવી રહ્યો છે.  તેમ છતા છેલ્લા દિવસોમાં હંમેશની માફક ભરપુર ઘરાકી જોવા મળી રહી છે.

આવુ જ ચીકી, શેરડી, જીંજરાની બજારોમાં છે. શિયાળાનું વસાણુ ગણાતી ખજુર, ચીકી, બોર, આમળા, શેરડી સહીતની વસ્તુઓની ધુમ ખરીદી થઇ રહી છે. માર્ગો ઉપર રીતસરના હાટડા મંડાઇ ગયા છે.

સોમવારે અગાસીઓ ઉપર 'કાય પો છે.. ' 'ઢીલ દે ઢીલ દે..' જેવા શબ્દોની ચીચીયારીઓ કાને અથડાતી રહેશે. આ દિવસના ભોજનના મેનુમાં ઉંધીયુ કોમન બની રહે છે. મોટી સંખ્યામાં ઉંધીયુ બનાવવા દુકાનદારો પુર્વ દિવસથી જ કામે લાગી જાય છે.

તીક્ષણ દોરાથી કોઇ પક્ષી ઘાયલ થાય તો તેમની સારવાર માટે કંટ્રોલરૂમો કાર્યરત થયા છે. તેમજ આ દિવસે જીવદયા પ્રેમીઓ પણ દાન કરી પૂણ્યનું ભાથુ બાંધશે. જેથી વિવિધ ગૌશાળા જેવી સંસ્થાઓ દ્વારા દાન સ્વીકારવા મંડપો ગોઠવી દાન પેટીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

યુવા સેના દ્વારા  સદ્દભાવના દાન અપીલ

યુવા સેના ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે. હરતુ ફરતુ અન્નક્ષેત્ર, મેડીકલ સાધન સહાય, પછાત વિસ્તારના બાળકોને શિક્ષણ સહાય, પક્ષુ પક્ષીઓ માટે ચણ અને ચારાનું વિતરણ સહીતના કાર્યો થઇ નિરંતર ચાલી રહ્યા હોય આ સેવાયજ્ઞને ધમધમતો રાખવા મકર સંક્રાંતિ પર્વે દાન આપી પૂણ્ય કમાવવા જીવદયાપ્રેમીઓને અનુરોધ કરાયો છે.

પશુ પક્ષીઓ માટે અન્નક્ષેત્ર કલરવની ઝોળી છલકાવજો

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા પશુ પક્ષીઓ માટે હરતુ ફરતુ અન્નક્ષેત્ર 'કલરવ' ચલાવવામાં આવે છે. જેના દ્વારા કુતરાઓને દુ રોટલી, માછલી માટે લોટની ગોળી કાબર માટે ગાંઠીયા, પક્ષીઓ માટે ચણનું વિતરણ કરવામાં આવે છે. પ્રતિદિન રૂ.૪૫૦૦ જેવો ખર્ચ આવે છે. ત્યારે સંક્રાંતિના પૂણ્ય પર્વે લોકોએ દાનની સરવાણી વહાવી ઝોળી છલકાવવા અપીલ કરાઇ છે. આ માટે મુકેશ દોશી મો.૯૮૨૫૦ ૭૭૭૨૫, અનુપમ દોશી મો.૯૪૨૮૨  ૩૩૭૯૬, સુનિલ વોરા મો.૯૮૨૫૨ ૧૭૩૨૦, નલીન તન્ના મો.૯૮૨૫૭ ૬૫૦૫૫ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

કિશાન ગૌ શાળા

આજીડેમ પાસે, મેડલી માતાજીના મંદિર સામે આવેલ કિશાન ગૌશાળા દ્વારા અંધ, અપંગ, બિમાર ગૌ માતાઓનેે આશરો અપાય રહ્યો છે. ત્યારે મકર સંક્રાંતિના પર્વે આ ગૌશાળા દ્વારા દાન સ્વીકારવા વિવિધ વિસ્તારોમાં કેમ્પ ગોઠવવામાં આવ્યા હોય લોકોએ દાનની સરવાણી વહાવવા ચંદ્રેશભાઇ પટેલ (મો.૯૭૨૫૨ ૧૯૭૬૧) એ અપીલ કરી છે.

બટુક મહારાજની ગૌશાળા

ગાંધીગ્રામ, સત્યનારાયણનગર મેઇન રોડ પર જીવંતકાનગર ખાતે આવેલ મહાવીર હનુમાન ગૌશાળામાં સવાસોથી વધુ ગાય માતાઓનો નિભાવ થઇ રહ્યો છે. અશકત બીમાર ગાયોને પણ અહીં આશરો અપાય છે. ત્યારે નિભાવ ખર્ચને પહોંચી વળવા મકર સંક્રાંતિના દિવસોમાં લોકોએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવવા બટુક મહારાજ દ્વારા અપીલ કરાઇ છે.

(3:46 pm IST)