Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

હૃદયના કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન કરતા કાર્ડિયો વાસ્કયુલર સર્જન ડો. જયદિપ રામાણી

રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં હૃદયના કેન્સરની ગાંઠનું ઓપરેશન સફળતા પૂર્વક  કરતા ડો. જયદિપ રામાણી નજરે પડે છે.

રાજકોટ, તા.૧૧: હૃદયમાં થયેલી કેન્સરની ગાંઠનું જટીલ ઓપરેશન અને. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે કાર્ડિયો થોરાસીક એન્ડ વાસ્કયુલર સર્જન ડો. જયદિપ રામાણી દ્વારા કરવામાં આવેલ હતું.

ઉનાના રહેવાણી, ભગવાનભાઇ (ઉ.વ.૪૦)કે જે હૃદયના કેન્સરની ગાંઠથી ૫-૬ મહિનાથી પીડાતા હતા. ૧-૨ મહિનાથી તેમની પરિસ્થિતિ ખુબ બગડતા એક મહિના પહેલા એક ખાનગી હોસ્પિટલમાં તેમના હૃદયમાં ગાંઠ હોવાનું નિદાન થયેલ. વોકહાર્ટ હોસ્પિટલ ખાતે દર્દીને દાખલ કરવામાં આવતા ગાંઠની બાયોપ્સી કરાવતા આ ગાંઠ કેન્સરની હોવાનું નિદાન થયેલ. હૃદયમાં રહેલી આ ગાંઠની સર્જરી કરી ગાંઠને બહાર કાઢવી ખુબ જ જટીલ અને જોખમી હતું. પરંતુ હોસ્પિટલના ખુબ જ બાહોશ અને નિષ્ણાંત કાર્ડિયો થોરાસીક એન્ડ વાસ્કયુલર સર્જન ડો. જયદિપ રામાણીએ સર્જરીની તેમની નિપુણતાને કારણે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ હતું. સૌથી અગત્યની વાતએ હતી કે ઓપરેશન પછીના માત્ર બે જ દિવસમાં દર્દીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવેલ.

ઓપરેશન વિશે માહિતી આપતા ડો. જયદિપ રામાણીએ જણાવેલ હતુ કે આ કેસમાં કેન્સરની ગાંઠ લગભગ ૭-૮ સેન્ટીમીટર મોટી હતી. આવા ઓપરેશનમાં દર્દીના જીવને વધારે જોખમ હોય છે પણ આ જોખમ સાથે આ દર્દીના હૃદયમાંથી કેન્સરની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. દર્દીને એક દિવસ આઇ.સી.યુ અને બે દિવસ વોર્ડમાં રાખીને ત્યાર બાદ રજા આપવામાં આવેલ હતી. દર્દી ફરીથી ફોલોઅપમાં હોસ્પિટલમાં બિલકુલ સ્વસ્થ પરિસ્થિતિમાં દશ દિવસ બાદ આવી ગયા હતા. ઘણી વાર આર્થિક પરિસ્થિતિ તથા અજ્ઞાનતાને લીધે આવા રોગીઓ હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી અને ઘરે જ મૃત્યુ પામે છે. આપણા દેશમાં આવા દર્દીઓ માટે અલગથી સ્કિનિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જરૂર છે જેથી નાની વયે જ વધુ ને વધુ હૃદયરોગના દર્દીઓની સારવાર વહેલી તકે કરી શકાય.

(3:32 pm IST)