Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બીજા ગુનામાં શ્યામ રાજાણીનો જેલમાંથી કબ્જો મેળવવા કાર્યવાહીઃ સરકારી દવા કયાંથી આવી? તેની તપાસ

શ્યામ ગર્ભપાત કરાવતો હોય તેવા ફોટા મયુરે જે મોબાઇલથી પાડ્યા હતાં એ મોબાઇલ શોધવા મથામણઃ ગઇકાલે હોસ્પિટલમાં ફરી સર્ચ થતાં ૨૮ હજારની ૨૬ પ્રકારની સરકારી દવાઓ મળી

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પર રિલાયન્સના પંપ સામે આવેલી લાઇફકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતાં મુળ સુત્રાપાડાના પ્રાંસલીનો મયુર ઉર્ફ માનસિંગ રાજાભાઇ મોરી (ઉ.૨૩) નામના કારડીયા રાજપૂત યુવાનને ડોકટર શ્યામ રાજાણી સહિતના ત્રણ જણા કારમાં મારકુટ કરતાં હોવાનો વિડીયો વાયરલ થયા બાદ શ્યામ સહિત ત્રણ સામે અપહરણ-મારકુટનો ગુનો નોંધાયો હતો. તપાસમાં એક પછી એક રહસ્ય પરથી પરદા ઉંચકાયા છે. જેમાં શ્યામ રાજાણી પાસે ડોકટરની ડીગ્રી જ નહિ હોવાનું ખુલતાં અને હોસ્પિટલમાંથી ૨૮ હજારની કિંમતની ૨૬ સરકારી દવાઓ મળતાં આ મામલે શ્યામ રાજાણી અને તેના પિતા સામે અલગથી ગુનો નોંધાયો છે. જેલહવાલે રહેલા શ્યામનો હવે આ ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી ધરપકડ કરી સરકારી દવાઓ કયાંથી-કોણ લાવ્યું? તેની તપાસ થશે.

બોગસ ડીગ્રીને આધારે પ્રેકટીશ કરવા  અને સરકારી દવા ચોરવા અંગે રૈયા રોડ રાજહંસ સોસાયટી-૪માં રહેતાં અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખામાં એપેમેડિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. નિલેષભાઇ મનસુખલાલ રાઠોડ (ઉ.૪૯)ની ફરિયાદ પરથી ડો. શ્યામ રાજાણી અને શકદાર તરીકે તેના પિતા હેમતભાઇ રાજાણી સામે  બી-ડિવીઝન પોલીસ મથકમાં આઇપીસી ૩૭૯, ૧૧૪ તથા ગુજરાત મેડિકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ પરમ દિવસે વધારાનો ગુનો દાખલ કરાયો હતો.  મયુર મોરીના અપહરણ-મારકુટમાં જેલહવાલે થયેલા શ્યામ રાજાણીને સંભવતઃ સાંજ સુધીમાં જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે. સરકારી દવા સિવિલ હોસ્પિટલમાંથી ચોરી લાવવામાં શ્યામના પિતાની સંડોવણી હોવાની શંકાએ તેને પણ શકદાર તરીકે આરોપીમાં સામેલ કરાયા છે.ગૂમ થયેલો મયુર મોરી પરમ દિવસે પોલીસને મોબાઇલ લોકેશનને આધારે મળી ગયો હતો. મયુરે પોલીસને જણાવ્યું હતું કે એક વખતે શ્યામ ગર્ભપાત કરાવતો હોઇ તેને આવુ કરવાની ના પાડી તેણે તેના ફોટા પાડી લીધા હતાં. આ કારણે શ્યામ રાજાણી ગુસ્સે ભરાયો હતો અને તેની સાથે પોતાને માથાકુટ થઇ હતી. એ મોબાઇલ ફોન શ્યામે પડાવી લઇ વેંચી દીધો છે. જો કે પોલીસ આઇએમઇઆઇ નંબરને આધારે આ મોબાઇલ ફોન શોધી ખરેખર તેમાં કેવા અને કોના-કોના ફોટા હતાં? તેની તપાસ કરશે. મયુરનું નિવેદન નોંધી લેવાયા બાદ ગત સાંજે તેનો કબ્જો ફરિયાદી પ્રાંસલી ગામના સરપંચનો પોલીસે સોંપ્યો હતો. મયુરના પિતા હયાત ન હોઇ ફરિયાદ સરપંચે નોંધાવી હતી.

ગઇકાલે પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. ધર્મરાજસિંહ જાડેજા, જગેન્દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ ઝાલા, ખોડુભા જાડેજા સહિતની ટીમે આરોગ્ય અધિકારીઓને સાથે રાખી ફરીથી લાઇફ કેર હોસ્પિટલમાં સર્ચ કરતાં રૂ. ૨૮ હજારની ૨૬ પ્રકારની સરકારી દવાઓ તથા ખાનગી દવાઓ મળી હતી. મોટા ભાગની દવાઓ ઉપર 'સરકારી દવાઓ-ગુજરાત સરકારના ઉપયોગ માટે, વેંચાણ માટે નથી' એવું લખાણ લખેલુ છે. આ દવાઓ પુત્રવધૂ કરીશ્મા લાવ્યાનો આક્ષેપ શ્યામના પિતા હેમતભાઇ રાજાણીએ કર્યો હતો. જો કે હેમતભાઇ પોતે સિવિલમાં કર્મચારી રહી ચુકયા હોઇ દવાઓ લાવવામાં તેની સંડોવણીની શંકાએ તેને પણ શકદાર આરોપી બનાવાય છે. શ્યામનો જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ બાદ હેમતભાઇ સામે પણ કાર્યવાહીની શકયતા છે. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી ટંડેલની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. એફ. ડામોર, પીએસઆઇ વી. કે.  ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, ધર્મરાજસિંહ ઝાલા, ખોડુભા જાડેજા, જગેન્દ્રસિંહ જાડેજા, રાજદિપસિંહ ઝાલા, વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. (૧૪.

(11:40 am IST)