Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બાંધકામ તોડી પડાયા બાદ ઈંટ-ટાઈલ્સ-ભરતીના કચરાનો ફરીથી ઉપયોગ કરવા કમિશ્નરનો પરિપત્ર

બિલ્ડીંગ મટીરીયલ્સ વેસ્ટ રિ-યુઝની પોલીસી જાહેર કરતા બંછાનિધી પાની

રાજકોટ, તા., ૧૦: મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ શહેરમાં ઉત્પન્ન કરતા બાંધકામ કચરાનો ફરીથી ઉપયોગ કરવા માટેની પોલીસી જાહેર કરી અને મ્યુ. કોર્પોરેશનમાં આ બાબતનો અમલ કરવા અંગે પરીપત્ર જારી કર્યો છે. આ પરીપત્રમાં મ્યુ. કમિશ્નરે સુચવ્યું છે કે રાજકોટ શહેરમાં બાંધકામ પ્રવૃતિ દરમિયાન તેમજ ડીમોલીશન એટલે કે મકાનો તોડવાના કારણે ઉત્પન્ન થતા બાંધકામ મટીરીયલના કચરાનો નિકાલ કોઠારીયા ગામ પાસે તેમજ રૈયા વિસ્તારમાં આવેલી ખાણોમાં કરવા માટે અમલવારી શરૂ થઇ ગઇ છે. હવે આ જગ્યાએ એકત્રીત થયેલ બાંધકામના કચરાનો પુનઃ ઉપયોગ કરવા માટે સુચવવામાં આવે છે. જેમાં રેતી કપચી અને મોરમ જે મકાન બાંધકામની પ્લીન્થમાં ભરતી ભરવા તથા રસ્તા કામના બેઇઝ માટે ઉપયોગ કરવાનો રહેશે. ઇંટોનો ઉપયોગ બગીચાઓમાં પાથવે બનાવવા માટે અને બાથરૂમ, અગાસી, પેવીંગ બ્લોકના કામમાં ઉપયોગ કરવાનો રહેશે. કાચનો ઉપયોગ કંમ્પાઉન્ડ વોલ ઉપર સુરક્ષા માટે કરવાનો રહેશે. ગ્લેઇઝ ટાઇલ્સનો ઉપયોગ અગાસીમાં તળીયુ નાખવા તથા બ્યુટીફીકેશનમાં ચાઇના મોઝેક કામમાં ઉપયોગ કરવાનો રહેશે. લોખંડના પાઇપ વગેરે મટીરીયલમાંથી બ્યુટીકેશનના કામોમાં કલ્પચર બનાવવા તથા ખીલાસરી જેવી મેટલનો યથાયોગ્ય ઉપયોગ કરવાનો રહેશે. લાકડાઓનો ઉપયોગ મકાન બાંધકામમાં જરૂરીયાત મુજબનો કરવાનો રહેશે. ડીવાઇડર સ્ટોન ઉપર જરૂરી પ્રોસેસ કરી બગીચાઓ, ટ્રાફીક આઇલેન્ડ વગેરેમાં ઉપયોગ કરવાનો રહેશે. ઉપરોકત માર્ગદર્શીકા મુજબ બાંધકામમાંથી ઉત્પન્ન થતા કચરાનો પુનઃ ઉપયોગ કરવાનો રહેશે તેમ પરીપત્રના અંતે જણાવાયું છે.

(3:36 pm IST)