Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

રાજકોટમાં ૪ માસમાં સ્વાઈન ફલુના પ૯ કેસ : ૧૧ મોત

સપ્ટેમ્બર ર૦૧૮થી જાન્યુઆરી ર૦૧૯ સુધીમાં જિલ્લાના ૧૭૧ કેસ, ૪પના મોત : મહાપાલિકાની હદ (સિટી)માં નવા વર્ષમાં નવા ૬ કેસ, બે મોત, ૩ વેન્ટીલેટર પર : ગ્રામીણ કેસ ૪૩, ૮ મોત ડેંગ્યૂ, મેલેરીયાનો એક પણ કેસ ન હોવાનું જાહેર કરતી મહાપાલિકા સિઝનલ ફલુના કેસ છુપાવે છે

રાજકોટ તા. ૧૦ : સિઝનલ ફલુ તરીકે જેને ઓળખાવામાં આવે છે તે સ્વાઈન ફલુનો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કહેર યથાવત છે. સિઝનલ ફલુ ઠંડીના માહોલમાં વકરી રહયો છે. ગામડાઓમાંથી સામે આવી રહેલા એક પછી એક કેસ વચ્ચે રાજકોટમાં મહાપાલિકાની હદમાં પણ નવા વર્ષમાં ૬ નવા કેસ અને બે મોત નોંધાઈ ચૂકયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.

સતાવાર રેકોર્ડ અનુસાર તા.૧ સપ્ટેમ્બર થી ૭ જાન્યુઆરી ર૦૧૯ સુધીમાં સિઝનલ ફલુના કુલ ૧૭૧ કેસ નોંધાયા છે. ૪પ મોત થયાનું જાહેર કરાયું છે. રાજકોટ ગ્રામીણના ૪૩ કેસ અને ૮ મોત, શહેરના પ૯ કેસ અને ૧૧ મોત તથા અન્ય જિલ્લાના ૬૯ કેસ અને ર૬ મોત નોંધાયા છે.

મહાપાલિકાની આરોગ્ય શાખા શહેરમાં ડેંગ્યૂ અને મેલેરીયાનો એક પણ કેસ ન હોવાનું જાહેર કરે છે પરંતુ શહેરમાં ૯ દિવસમાં જ સિઝનલ ફલુના નવા ૬ કેસ અને બે મોત થયાનું જાહેર કરતી નથી. સ્વચ્છતા સર્વેક્ષણ અને એવોર્ડ જેટલી ચિંતા લોકોના આરોગ્યની નથી. ડીજીટલાઈઝેશનનો એવોર્ડ જીતવા દાવેદારી કરનાર આરોગ્ય શાખાને સાચા આંકડાઓ જાહેર ન કરવા બદલ પણ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવો જોઈએ તેવી ચર્ચા ઉઠી છે.

સરકારી તંત્ર દવારા જિલ્લા આરોગ્ય વિભાગને કરાયેલા રિપોર્ટ અનુસાર તા.૧ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી ર૦૧૯ સુધીમાં રાજકોટમાં સિઝનલ ફલુના કુલ ૧૭ કેસ નોંધાયા છે જેમાં ૩ ના મોત થયા છે. ગ્રામીણ વિસ્તારના સાત કેસ છે જેમાં એક પણ મૃત્યુ નથી. રાજકોટ શહેરના નવા ૬ કેસ છે અને અત્યાર સુધીમાં બે મોત થયા છે. અન્ય જિલ્લાઓના પ કેસ અને એક મોત છે. સ્વાઈન ફલુના મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહયા છે. ગામડાઓના મોટાભાગના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવે છે. રાજકોટ શહેરનો એક કેસ જે ર૦૧૮માં નોંધાયો હતો તે દર્દીનું તાજેતરમાં મોત થયું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તા.૯ બુધવાર સુધીમાં સિઝનલ ફલુના કુલ ૧૭ કેસ નોધાયા છે ૩ ના મોત થયા છે. ગામડાઓના ૭ અને રાજકોટ શહેરના ૬ દર્દીઓ છે. નવા વર્ષનો રાજકોટ શહેરનો મૃત્યુઆંક બે છે. હાલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૪ દર્દીઓમાં એક વેન્ટીલેટર પર છે. સરકારી હોસ્પિટલમાં ૩ દર્દીઓ સારવાર લઈ રહયા છે. રાજકોટ સિટીના પાંચ કેસ ખાનગી હોસ્પિટલમાં છે જેમાં ૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે.(૨૧.૨૯)

આવા લક્ષણો દેખાય તો ચેતી જવું

સામાન્ય તાવ, કફ, ગળામાં તકલીફ, શરીર તૂટવું, માથું દુઃખવું, ઝાળા, ઉલટી. આ તકલીફ વધે અને બીપી લો થાય, છાતીમાં દુઃખાવો થાય, મોઢુ ખુબ જ સુકાય, ઝાડામાં લોહી પડે તો તુરંત ડોકટર પાસે સારવાર લેવા દોડી જવું. તબિયત વધુ ખરાબ લાગે તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું હિતાવહ છે.

(3:30 pm IST)