Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ભાજપના વિદેશી પતંગોત્સવ સામે કોંગ્રેસની સ્વદેશી ઉતરાયણ

કાલે રેસકોર્ષમાં કોંગ્રેસનાં પદાધિકારીઓ અનાથ-વિકલાંગ અને પછાત વર્ગનાં ૭૦૦ બાળકો સાથે પતંગો ચગાવશે : ભાજપના પદાધિકારીઓને સેલ્ફી લેવા આમંત્રણ : પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયા

સ્વદેશી ઉતરાયણ : કોંગ્રેસ દ્વારા કાલે યોજાનાર સ્વદેશી ઉતરાયણનાં આયોજન અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી રહેલા વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, ઘનશ્યામસિંહ (વોર્ડ નં.૧૭), કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, રવજીભાઇ ખિમસુરીયા (વોર્ડ નં. ૧૩) વગેરે દર્શાય છે.

રાજકોટ, તા. ૧ર :  ભાજપ દ્વારા પ્રજાનાં કરોડો રૂપિયા ખર્ચીને વિદેશી પતંગબાજો સાથે ભલે પતંમહોત્સવ યોજ્યો પરંતુ અમે શહેરમાં અનાથ-વિકલાંગ અને પછાત વર્ગનાં બાળકો સાથે આવતી કાલે તા. ૧૪નાં રોજ રેસકોર્ષ મેદાનમાં સ્વદેશી ઉતરાયણ  ઉજવશુ તેવી જાહેરાત વિપક્ષી નેતા વસરામભાઇ સાગઠિયાએ આજે પત્રકાર પરિષદમાં કરી હતી.

આ પત્રકાર પરિષદમાં શ્રી સાગઠિયાએ જાહેર કર્યુ હતું કે રાજકોટના આંગણે ખરો પતંગ ઉત્સવ તા.૧૩/૦૧/૨૦૧૮ને શનિવારના રોજ સવારે ૦૯ૅં૩૦ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ રાજકોટની લાગણીશીલ પ્રજાને અપીલ કરતા જણાવેલ છે કે, રાજકોટમાં પ્રથમવાર વિકલાંગો, અનાથો અને સ્લમ વિસ્તારના ૭૦૦ બાળકો માટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સૌ નગરજનો આ બાળકોને ઉત્સાહ પુરો પાડવા અને પ્રોત્સાહન આપવા પધારે તેવી  અપીલ છે.

શ્રી સાગઠિયાએ પ્રજાના પૈસે કરોડો રૂપિયાનો ધુમાડો કરી, વિદેશથી અને અન્ય રાજયોમાંથી લોકોને બોલાવી, પ્રજા ઉપર ખર્ચનો બોજો નાખી, પોતાની પ્રસિધ્ધિ ઇચ્છતા લોકોનો આ ઉત્સવ નથી.  પરંતુ અનાથ, વિકલાંગ અને નિરાધાર બાળકોને જોવા પધારશો તો આ બાળકોને સાચવવા માટે ફાઈવ સ્ટાર હોટલની વ્યવસ્થા કરવાની નથી, રૂ.૧૦૦૦ વાળી જમવાની ડીશની વ્યવસ્થા કરવાની નથી, ફકત પતંગ, દોરા, નાસ્તો અને સાદા જમણવારથી આ ઉત્સવ ઉજવવાનો છે. અને બાળકો જે આનંદ માણે તેને આપણે ખરેખર પ્રોત્સાહિત કરવાના છે.

વધુમાં શ્રી સાગઠીયાએ રાજકોટ મહાનગરપાલિકાના શાસકોને અને અધિકારીશ્રીઓને પણ આ બાળકો સાથે સેલ્ફી લેવા માટે અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આમંત્રણ આપેલ છે. વિદેશીઓ સાથે સેલ્ફી લેવા, દોડનાર ભાજપના મિત્રોને ખરો પતંગ ઉત્સવ માણવા અને આ બાળકોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ પણ શ્રી સાગઠિયાએ કર્યો હતો.

(4:09 pm IST)