Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આધ્યાત્મિકતાથી ઝગમગતી સ્વામી વિવેકાનંદજીની પ્રેરક જીવનયાત્રા...

સ્વામી વિવેકાનંદ (બંગાળીઃ શામી બિબેકાનંદો) (૧ર જાન્યુઆરી ૧૮૬૩-૪ જુલાઇ, ૧૯૦ર) જન્મે નરેન્દ્રનાથ દત્ત, ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે.

આધુનિક ભારતમાં હિન્દુધર્મના પુનરોધ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેઓ 'અમેરિકાના ભાઇઓ તથા બહેનો' સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી- પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યકિતની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુ પ્રાર્થના છે તેવું શીખવ્યું હતું.

ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩નો વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રખર વકતા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને કલબોમાં વકતવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણો કર્યા, અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત , યોગ અને હિન્દુધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇગ્લેન્ડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૯૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન-એક સમાજ સેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે.

મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રામકૃષ્ણ જેવા અન્ય રાષ્ટ્રીય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડયો હતો.

જુલાઇ ૪,૧૯૦રના રોજ નવ વાગીને દશ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી. બાદમાં તેમના શિષ્યોએ નોંધ્યું હતું કે સ્વામીના મોઢા પાસે નસકોરામાં અને આંખોમાં 'થોડુ લોહી' તેમણે જોયું હતું. ડોકટરોના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયું હતું. પરંતુ મૃત્યુનુ સાચુ કારણ તેઓ શોધી શકયા નહોતા. તેમના શિષ્યોના જણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ લીધી ત્યારે બ્રહ્મરંધ્ર-મસ્તિષ્કના મુગટના બાકોરામાં નિશ્ચિત પણે કાણું પાડવામાં આવ્યું હતું. ચાલીસ વર્ષ કરતા વધારે નહિ જીવવાની પોતાની આગાહી વિવેકાનંદે સાચી ઠેરવી હતી.

- હિરેન ગોસ્વામી

મંત્રી : રાજકોટ શહેર યુવા ભાજપ,

 મો. ૯૯૦૪૦ ૮૮૬પ૭

(4:05 pm IST)