Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ફી નિયમન કાયદાનું પાલન ન કરનારી ખાનગી શાળાઓ સામે કડક પગલા ભરોઃ વાલી મંડળ

વાલી મંડળ દ્વારા કલેકટરને પાઠવાયુ વિસ્તૃત આવેદનઃ કડક અમલ કરાવવા માંગ

રાજકોટઃ વાલી મંડળ દ્વારા આપવામાં આવેલ આવેદન તે સમયની તસ્વીરમાં મુખ્ય સંયોજક મોહનભાઈ સોજીત્રા, વાલી મંડળના પ્રમુખ હિંમતભાઈ લાબડીયા, મહામંત્રી નયનભાઈ કોઠારી, ગજેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ કીયાડા, ઈશ્વરદાસ કાપડી, શશીભાઈ કંસારા, નિતીનભાઈ વ્યાસ, પ્રો. જયેશભાઈ વ્યાસ, સરલાબેન પાટડીયા, હિનાબેન સહિતનાએ રજૂઆત કરી તે સમયની તસ્વીર

રાજકોટ, તા. ૧૨ ­:. ફી પ્રશ્ને રાજ્ય સરકારના વલણથી નારાજ થયેલા વાલી મંડળ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે ગઈકાલે રાજકોટ વાલી મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. જેમાં રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ ફી નિયમન કાયદાનુ પાલન ન કરતી ખાનગી શાળા સંચાલકો સામે ત્વરીત શિક્ષાત્મક પગલા લેવા અને ફી નિર્ધારણ કમિટીમાં નિયમની ક્ષતિઓ દૂર કરવા રજૂઆત કરેલ.

રાજકોટ વાલી મંડળ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, ફી નિયમન કાયદામાં ફી નિર્ધારીત કરવાના નિયમ જોગવાઈમાં ખાનગી શાળા સંચાલકો છટકી શકે તેવી ક્ષતિઓ રખાયેલ છે. ક્ષતિઓ દૂર કરી વિધાનસભામાં સુધારાયુકત કાયદો તાત્કાલીક પસાર કરવો જોઈએ. શાળાઓ પ્રવેશ ફી, ટયુશન ફી, કોમ્પ્યુટર ફી, યોગ શારિરીક શિક્ષણના ઓઠા હેઠળ ફી વસુલવામાં આવે છે જે બંધ કરવા સરકારે આદેશ કરવો જોઈએ.

વાલી મંડળે વધુમાં જણાવેલ કે, ફી નિયમન કાયદામાં નિયમોને ઠુકરાવતી અને પાલન કરતી અનેક શાળાઓમાં તોતીંગ ફી પહેલા જેવી જ લઈ શકે તેવુ પ્રાધાન્ય છે તે સદંતર હટાવવું જોઈએ. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓને બંધ કરવાની નીતિ છોડી શિક્ષણ સુધારી પુનઃ ઉત્થાન કરવામાં આવે તો વાલી સમાજને ખૂબ ફાયદો થશે.

આવેદનપત્ર પાઠવતી વેળાએ જયેશભાઈ વ્યાસ, મોહનભાઈ સોજીત્રા, ભાણજીભાઈ દાફડા, બળવંતભાઈ ચૌહાણ, સરલાબેન પાટડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, હિંમતભાઈ લાબડીયા, નયનભાઈ કોઠારી, રાજુભાઈ કિયાડા, ઈશ્વરદાસ કાપડી, શશીભાઈ કંસારા, નિતીનભાઈ વ્યાસ સહિતના ઉપસ્થિત હતા.

(3:57 pm IST)