Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

રાજકોટમાં આજે શિયાળા નહિ પણ ઉનાળા જેવુ વાતાવરણ

આ સપ્તાહમાં ઠંડીમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો : મકરસંક્રાંતિએ પણ ગરમીનો જ અનુભવ થશે : ઘર - ઓફીસો - દુકાનોમાં પંખા ચાલુ થઈ ગયા : સવારે વાદળો પણ છવાયા : તાપમાન ૧૬.૭ ડિગ્રી

રાજકોટ, તા. ૧૨ : છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો અહેસાસ જોવા મળતો હતો. પરંતુ આ ઠંડીની સીઝનમાં રાજકોટ શહેરમાં ઠંડીનો પારો જાન્યુઆરી મહિનો આવી ગયો હોવા છતાં ૧૦ ડિગ્રી નીચે તાપમાન ગયુ નથી. થર્ટી ફર્સ્ટ બાદ નવા વર્ષના આગલા દિવસોમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળેલ. પરંતુ ગત સોમવારના પ્રારંભથી ફરીથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો નોંધાયેલ છે.

દરમિયાન આજે રાજકોટ શહેરમાં શિયાળા નહિં પણ ઉનાળા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. એક જ દિવસમાં ન્યુનતમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૬.૭ ડિગ્રી નોંધાયેલ છે. જે નોર્મલથી તાપમાનથી પાંચેક ડિગ્રી ઉંચુ છે. આજે સવારથી વાદળો પણ છવાયેલા જોવા મળે છે. વ્હેલી સવારે સ્કુલે, ઓફીસ જનારાઓને પોતાના નિત્યક્રમ મુજબ સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેર્યા હતા. પરંતુ બાદ વાતાવરણ ગરમ અનુભવાતા ગરમ વસ્ત્રોના ત્યાગ કરી દીધો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વાદળો પણ છવાયેલા છે. આવતીકાલે પણ આવુ જ વાતાવરણ જોવા મળશે. દરમિયાન આજે સવારથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઓફીસ, દુકાન, ઘરોમાં પંખા, એસી ચાલુ થઈ ગયેલા જોવા મળે છે.

આગામી ૧૪મીના રવિવારે મકરસંક્રાંતિ છે. સામાન્ય રીતે દર વર્ષે વાતાવરણ ઠંડુ હોય છે આ વર્ષે વાતાવરણ ગરમ રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. સવારે અને રાત્રીના વાતાવરણમાં ઠંડક અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે.

(12:41 pm IST)