Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

તમામ ઘટનાઓને પચાવી તંદુરસ્ત પ્રગતિ કરવા મક્કમ ગતિથી આગળ વધતુ અર્થતંત્ર

નોટબંધી - જીએસટી ઐતિહાસિક નિર્ણયઃ શેરબજાર ઓલટાઇમ હાઇ સપાટીએઃ ફોરેક્ષ રિઝર્વ વિક્રમી આંકડેઃ બંદરોમાં ધમધમાટ

રાજકોટ : ભારતીય અર્થતંત્ર માટે ૨૦૧૬-૧૭નું વર્ષ સીમાચિહ્રનરૂપ રહ્યું.આ સમયગાળા દરમિયાન અર્થતંત્ર માટે ખુબ જ મહત્વના એવા બે નિર્ણયો ભારત સરકારે લીધા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી કાળુંનાણું દુર કરવાના શુભહેતુથી ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોને રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારબાદ દેશના વેપારીઓ – ઉદ્યોગકારો ઘણાં લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તેવા વન નેશન – વન ટેકસની કલ્પનાને સાકાર કરતા જીએસટી ને ૧ જુલાઈ ૨૦૧૭ થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો.

આ બંને નિર્ણયો દેશના અર્થતંત્રની વૃદ્ઘિ માટેના જ હતા પરંતુ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષો અને અમુક અર્થશાસ્ત્રીઓએ એવી કાગારોળ મચાવી કે આ નિર્ણયોથી દેશનું અર્થતંત્ર ફરીથી મંદીમાં ધકેલાય જશે.દેશના વેપારીઓના કામધંધા ઠપ્પ થઇ જશે વગેરે વગેરે.જો કે એ વખતે સરકારે પણ સ્વીકારેલું કે શરૂઆતના તબક્કામાં દેશના જીડીપીમાં ઘટાડો નોંધાશે.વ્યાપારી કામકાજોમાં પણ થોડા મહિનાઓ માટે ઘટાડો જોવા મળશે.કેમકે કોઈપણ નવી પદ્ઘતિ લાગુ થાય તો તેને અનુરૂપ કાર્યરચના ગોઠવાતા થોડો સમય લાગે અને તેથીજ તમામ આર્થિક સુચકાંકોમાં થોડો કામચલાવ ઘટાડો જોવા મળે તે સ્વાભાવિક છે.

વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતનો જીડીપી ૭.૧ ટકા રહ્યો.જે એકંદરે સારો કહી શકાય.તાજેતરમાં સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકસ ઓફીસ દ્વ્રારા ૨૦૧૭-૧૮ માટે જીડીપીનો અંદાજ ૬.૫ ટકા કરવામાં આવ્યો છે જે રીઝર્વ બેન્કે ૬.૭ ટકા ધારેલો છે.તાજેતરમાં જ વર્લ્ડ બેંક દ્વ્રારા રજુ થયેલા એક રીપોર્ટમાં ૨૦૧૮-૧૯ માટે ભારતનો જીડીપીનો અંદાજ ૭.૩ ટકા કરવામાં આવ્યો છે અને ત્યારબાદ બે વર્ષ સુધી ૭.૫ ટકા નો જીડીપી ધારવામાં આવેલો છે.ક્રિસિલ દ્વારા પણ ૨૦૧૯ માટે ૭.૬ ટકા જીડીપીનો અંદાજ કરવામાં આવ્યો છે.એચએસબીસી દ્વારા ૨૦૧૭-૧૮ માટે ૬.૫ ટકા,૨૦૧૮-૧૯ માટે ૭ ટકા અને ૨૦૧૯-૨૦ માટે ૭.૬ ટકા જીડીપીનો અંદાજ રાખવામાં આવ્યો છે.

આ બધા અંદાજો-ધારણાઓની વચ્ચે ભારતીય અર્થતંત્રની હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે દેશનું અર્થતંત્ર તમામ ઘટનાઓને પચાવી તંદુરસ્ત પ્રગતિ કરવા માટે મક્કમ ગતિથી આગળ વધી રહ્યું છે.

૧.   દેશના શેરબજારો હાલ ઓલટાઈમ હાઈ ની સપાટી પર છે.૨૦૧૭માં સેન્સેકસ અને નિફટી ૨૦૧૬ની સરખામણીએ ૨૮ ટકા ઉછળ્યા છે.૨૦૧૮ની શરૂઆતથી જ સેન્સેકસ ૩૪૪૮૮ પોઈન્ટ અને નિફટી ૧૦૬૫૯ ની નવી ઉંચાઈ પર છે.મજબુત રોકાણ પ્રવાહને કારણે સુચકાંકો સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે ત્યારે એક રીસર્ચ અહેવાલ મુજબ માર્ચ સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ હજુ વધુ ૨૮ થી ૩૫ અબજ ડોલરનું ફંડ ઠાલવે તેવી શકયતા છે.જે ૨૦૧૭ની તુલનાએ ચારથી પાંચ ગણું વધારે છે.

૨.   વીતેલા કેલેન્ડર વર્ષમાં એફઆઈઆઈ ની તુલનાએ સ્થાનિક સંસ્થાઓ દ્વારા ઇકિવટીમાં વધુ રોકાણ થયેલું છે.ડીપોઝીટરી પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર વીતેલા વર્ષ દરમિયાન એફઆઈઆઈ દ્વારા ભારતીય બજારમાં રૂ.૪૯૫૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું જયારે આ જ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાઓ,મ્યુચલ ફંડ અને વીમા કંપનીઓ દ્વારા ઇકિવટીમાં રૂ.૧ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

૩.   ૨૦૧૭ના વર્ષમાં ડીમેટ એકાઉન્ટમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ડીસેમ્બર ૨૦૧૬ના અંતે ડીમેટ એકાઉન્ટની સંખ્યા ૧.૫૩ કરોડ હતી તે નવેમ્બર ૨૦૧૭ના અંતે વધીને ૧.૬૫ કરોડ પર પહોંચી છે.

૪.   સતત બીજા સપ્તાહમાં દેશનું ફોરેકસ રીઝર્વ વધીને નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે.૨૯ ડીસેમ્બરના પુરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રીઝર્વ ૪.૪૦ ડોલર જેટલું વધીને ૪૦૯.૩૬ અબજ ડોલરની નવી ઉંચી સપાટીએ પહોંચ્યું છે.

૫.   એપ્રિલ-ડીસેમ્બર ૨૦૧૭ના ગાળા દરમિયાન દેશના મોટા બંદરો ખાતે માલસામાનની હેરફેરમાં ૩.૬૪ ટકા વૃદ્ઘિ થઈને ૪૯.૯૪ કરોડ ટન પર પહોંચ્યું છે.એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટ્સ એકસપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી(અપેડા) દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ થી નવેમ્બરના સમયગાળા દરમિયાન કૃષિ પેદાશોની નિકાસના મૂલ્યમાં રૂપિયાની દ્રષ્ટીએ ૧૧ ટકાનો અને ડોલર મુજબ ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.ડેરી પ્રોડકટ્સ શિપમેન્ટમાં પણ ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.

૬.   ભારતીય ઉત્પાદન સેકટરે ડીસેમ્બર માસમાં છેલ્લાં પાંચ વર્ષની સરખામણીએ સૌથી ઝડપી વૃદ્ઘિ નોંધાવી છે.ઉત્પાદન અને નવા ઓડર્સમાં ઝડપી વૃદ્ઘિને પગલે મજબુત બિઝનેશ પરફોર્મન્સ જોવા મળ્યું છે.વૈશ્વિક તેમજ ઘરઆંગણાની માંગમાં વધારો થતા મેન્યુફેકચરિંગ પરચેઝ મેનેજર ઇન્ડેકસ(પીએમઆઈ) ડીસેમ્બરમાં વધીને ૫૪.૭ થયો છે જે નવેંબરમાં ૫૨.૬ હતો.

૭.   ડીસેમ્બર'૧૭ સુધીના સમયગાળામાં ગયા વર્ષની તુલનામાં સીધા વેરાની વસૂલીમાં ૧૮.૨૦ ટકાનો વધારો થયો છે.

આમ,ઉપરોકત આંકડાઓ જોતા ખ્યાલ આવે કે દેશના અર્થતંત્રની લાંબાગાળાની મજબૂતી માટે આપેલા કડવા ડોઝ બાદ હવે ભારતીય અર્થતંત્ર ધીમી પણ ટકાઉ મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે.આવનારા ૨૦ થી ૨૫ વર્ષ સુધીમાં ભારત વિશ્વનું સૌથી મોટું અને સૌથી સક્ષમ અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

(8:32 pm IST)
  • મમતા બેનર્જીને ડૉકટર ઓફ લીટરેચર ડીગ્રીથી સમ્માનીત કર્યાઃ વિશ્વ વિદ્યાલયના પૂર્વ વાઈસ ચાંસેલરે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળેલ ડીગ્રીનો વિરોધ કર્યો access_time 2:14 pm IST

  • અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે અને 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો લાપતા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. access_time 6:16 pm IST

  • એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા access_time 9:31 am IST