Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રીક્ષાની આર.ટી.ઓ. કામગીરી માટે ટુંક સમયમાં કેમ્પ

'કાયદામાં રહી રીક્ષા ચાલકો ફાયદામાં રહે' તે માટે શ્રમજીવી ઓટો રીક્ષા ચાલાક એસો.નું નવતર આયોજન

રાજકોટ તા. ૧૧ : સ્માર્ટ સીટી રાજકોટના રીક્ષા ચાલકો પણ સ્માર્ટ બની રહે તે માટે 'કાયદામાં રહીએ તો ફાયદામાં રહીએ' સુત્ર મુજબ શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસોસીએશન દ્વારા રીક્ષાની આર.ટી.ઓ. કામગીરી માટે એક કેમ્પનું આયોજન ઘડાય રહ્યુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે ઓટો રીક્ષા ચાલકના લાઇસન્સ, વિમો, પાસીંગ પરમીટની કામગીરી માટે તબકકાવાર કેમ્પ કરવામાં આવશે. થર્ડ પાર્ટી વિમો અને પાસીંગ માટે રૂ. ૧૦૦૦૦ જેટલો ખર્ચ થાય છે તે આ કેમ્પમાં રૂ. ૭,૫૦૦ માં થઇ જશે. સાથો સાથ ઓનલાઇન પેમેન્ટ અને ઓનલાઇન અરજી અંગે માર્ગદર્શન અપાશે. પ્રથમ તો આવુ કામ કરાવવા માટે તૈયાર થનાર રીક્ષા ચાલકોની માહીતી એકત્ર કરાશે. બાદમાં કેમ્પની તારીખ અને સ્થળ જાહેર કરાશે.

આ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક રીક્ષા ચાલકોએ જે તે વિસ્તારના રીક્ષા સ્ટેન્ડના અગ્રણીઓનો સંપર્ક કરવાનો રહેશે. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સુરેશભાઇ રાઠોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે જીવણભાઇ ભરવાડ, ગોંડલ રોડ ચોકડી ખાતે ઇમ્તીયાઝભાઇ, કે.કે.વી. ચોક ખાતે રૂષીભાઇ ઘીયા, બસ સ્ટેન્ડ પાસે દિલાભાઇ, રેલ્વે સ્ટેશન પાસે ભુરાભાઇ, રામાપીર ચોકડી ખાતે સુલતાનભાઇ, જયુબેલી પાસે બટુકભાઇ કાબાણી, જાગનાથમાં ગુલાભાઇ મોર, રૈયા ચોકડી ખાતે અબ્બાસભાઇનો સંપર્ક કરવા શ્રમજીવી ઓટો રીક્ષા એસો.ના પ્રમુખ હુસેનભાઇ સૈયદ (મો.૯૮૨૫૭ ૯૨૧૧૫) એ અનુરોધ કરેલ છે.

દરમિયાન રીક્ષા ચાલકોને કલંક લાગે તેવા બનતા બનાવો બાબતે આ એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતુ કે બુટલેગરોના કામમાં રીક્ષાનો ઉપયોગ કે રીક્ષામાં બેસાડી ખીસ્સા કાપવા, લુંટ કરવી, નશીલા પદાર્થોની હેરાફેરી જેવી પ્રવૃત્ત થાય છે તેનું દુઃખ છે. હકીકતમાં રીક્ષાના મૂળ વ્યવસાય સાથે સંકળાયેલ ન હોય તેવા લોકોની આવી ગેર પ્રવૃત્તિથી પ્રમાણિક રીક્ષા ચાલકોને સહન કરવાનો વારો આવે છે. જો કે હવે રીક્ષા ચાલકો જાગૃત બન્યા છે અને આવી ગેર પ્રવૃત્તિ કરનારા રીક્ષા ચાલકોને ખુલ્લા પડવા જાતે જ મેદાનમાં આવશે. અથવા ૧૦૦ નંબરને બાતમી આપી દેશે.

સરકાર પણ રીક્ષા ચાલકોને સાંભળે છે અને પોલીસ, આર.ટી.ઓ. પણ સહકાર આપવા તૈયાર હોય રીક્ષા ચાલકોએ પણ સામો સહયોગ આપવા ખાત્રી ઉચ્ચારી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા હુસેનભાઇ સૈયદ, અબ્બાસભાઇ વારૈયા, બટુકભાઇ કાબાણી, સુરેશભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:40 pm IST)