Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગીતગુર્જરી સોસાયટીમાં અમદાવાદ RTO ઇન્સપેકટરના ઘરમાં દાગીના,લેપટોપ, રીવોલ્વર અને કાર્ટિસની ચોરી

ઇન્સ.એ.જે.વ્યાસ અમદાવાદ હતાઃ પરિવારજનો બહાર હતાં ત્યારે રેઢુ મકાન નિશાન બન્યું: કુલ ૧.૪૫ લાખની ચોરી થયાની ફરીયાદ

રાજકોટ, તા.૧૧: શહેરના એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટીમાં રહેતા અને અમદાવાદ આર.ટી.ઓના ઇન્સ્પેકટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો બે લેપટોપ, દાગીના અને પરવાનાવાળી રીવોલ્વર તથા કાર્ટીસ મળી રૂ.૧,૪૫,૦૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા અને અમદાવાદ આર.ટી.ઓમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અમરભાઇ જયંતકુમાર વ્યાસ (ઉ.વ.૩૦)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે અમદાવાદ આર.ટી.ઓમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. પોતાની તા.પના રોજ આણંદથી અમદાવાદ બદલી થતા પોતે અમદાવાદ ગયા હતા અને મારા પરિવારમાં પત્નિ મીતાલીબેન તથા એક બાળક તથા મારા સાસુ વીણાબેન હોઇ તેઓ ત્રણેય જણા રાજકોટ રહે છે. અને છેલ્લા ચાર વર્ષથી અમારા ઘરમાં એક કામવાળાબેન હિનાબેન ઘરકામ કરે છે. તા.૭-૧૨ના રોજ હું અમદાવાદથી રાજકોટ ઘરે આવ્યા હતા. અને મારે તા.૯/૧૨ના રોજ અમદાવાદ એકલો ગયો હતો અને મારી પાસે આજથી છ મહિના પહેલા મારા સ્વરક્ષણ માટે પરવાનાવાળી રીવોલ્વર લીધી હતી અને તેની સાથે પરવાનાવાળા ૨૫ કાર્ટીસ લીધા હતા જે બંને  પોતે રાજકોટ પોતાના ઘરે મુકીને ગયા હતા. પોતે અમદાવાદ ગયા બાદ પરિવારજનો ઘરને તાળુ મારી આકસ્મિક કારણોસર પોતાના સાસુના ઘરે ગયા હતા. ત્યારબાદ ગઇકાલે પત્નિનો ફોન આવેલ કે, આપણી કામવાળી હિનાબેને ફોનથી જણાવેલ કે, રાજકોટમાં આવતા ઘરનો મેઇન દરવાજાનો નકુચો તુટેલો છે અને નીચેના રૂમમાં પડેલ સામાન વેરવિખેર પડેલ છે તેમ જણાવતા પોતે રાજકોટ આવી પોતાના ઘરે પહોંચી જતા ઘરની મેઇન નાની લોખંડની ડેલીનું તાળુ તુટેલ ન હતું અને ઘરના મેઇન દરવાજાનો આગળીયાનો નકુચો તુટેલ હતો અને રૂમમાં આવેલ કબાટની અંદર તીજોરીનું ખાનુ તુટેલું હતુ અને સામાન વેર વીખેર હતો. તપાસ કરતા તસ્કરો રૂ.૭૫૦૦૦ની કિંમતની એક રીવોલ્વર તથા કાર્ટીસ, ૪૦ હજારના સોનાનું મંગલસૂત્ર અને બ્રેસલેટ તથા ૩૦ હજારના બે લેપટોપ મળી રૂ.૧.૪૫ લાખની મતાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ બનાવ અંગે આરટીઓ ઇન્સ.અમરભાઇ વ્યાસે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.એસ પટેલે તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)