Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મેડીકલ ફેકલ્ટીમાં ખનખનીયાના ખેલ આંશિક બંધઃ પૂરક પરીક્ષાનું પુનઃમૂલ્યાંકન બંધ કરવા નિર્ણય

પુનઃ મૂલ્યાંકન ચાલુ રાખવા ડો.વિજય દેસાણી અને ભાવિન કોઠારીના ધમપછાડા તો સામે બંધ કરાવવા ડો.વિજય પોપટ અને મેહુલ રૂપાણી મક્કમ

રાજકોટ, તા. ૧૧ : એ ગ્રેડની ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એકાદ દાયકાથી અવાર - નવાર મેડીકલ ફેકલ્ટીમાં ખનખનીયાથી પાસ થતા હોવાની વ્યાપક બૂમ ઉઠી રહી હતી. મેડીકલ ફેકલ્ટીના કથિત માફીયાઓ દ્વારા ઈરાદાપૂર્વક પાસ - નાપાસની ગેમ કરી ધાર્યા નિશાન પાર પાડતા હોવાની અનેક વખત ચર્ચાઓ જાગી હતી. એક મેડીકલ કોલેજમાં વિદ્યાર્થી અને તેના કર્મચારીઓ પાસ - નાપાસની લેતી-દેતીના વિડીયો વાયરલ થતાં આખરે એસીબીએ ગુનો નોંધી ચર્ચામાં કંઈ દમ હોવાની સબૂતી આપી હતી.

મેડીકલ ફેકલ્ટીમાં પૈસાથી પાસ થતા હોવાની ફરીયાદથી ભાજપ મોવડી મંડળ અને સરકાર પણ આકરા પગલા ભરવાનો મિજાજ દર્શાવ્યો હતો. છેલ્લા આઠ માસમાં  પુનઃમૂલ્યાંકનમાં નોંધપાત્ર વિદ્યાર્થી ઉતીર્ણ થતાં યુનિવર્સિટીના સીન્ડીકેટ અને કુલપતિ, કુલનાયક વચ્ચે ભારે બઘડાટી બોલી ગઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેડીકલ ફેકલ્ટીમાં ચાલતી ગેરરીતિ ડામવા ડીન ડો.વિજય પોપટ અને સીન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણીએ અન્ય સીન્ડીકેટ સભ્યને સાથે લઈ રીતસરનું અભિયાન હાથ ધર્યુ હતંુ. જેમાં ગઈકાલે પ્રથમ પગથીયુ એકેડમી કાઉન્સીલમાં સફળતા સાપડી છે.

ગઈકાલે કુલપતિ નીતિન પેથાણીના અધ્યક્ષસ્થાને મળેલી એકેડમી કાઉન્સીલની બેઠકમાં તમામ વિદ્યાશાખાના ડીન અને અધરધેન ડીન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને મેડીકલ ફેકલ્ટીમાં એક જ વર્ષની બે પરીક્ષામાં પુનઃમૂલ્યાંકન થતુ હતું. મોટાભાગની ગરબડ પુનઃમૂલ્યાંકનમાં થતી હોવાનું બહાર આવતા પુનઃમૂલ્યાંકન પદ્ધતિ બંધ કરવા ડો.વિજય પોપટ અને મેહુલ રૂપાણીએ રજૂઆત કરી હતી.

ડો.વિજય પોપટ અને મેહુલ રૂપાણીની ન્યાયિક રજૂઆતને કુલપતિ નીતિન પેથાણી અને અન્ય સીન્ડીકેટ સભ્યોએ સમર્થન આપ્યુ પરંતુ કુલનાયક વિજય દેસાણી અને સીન્ડીકેટ સભ્ય ડો.ભાવિન કોઠારીએ અતિ ઉગ્ર વિરોધ કરી પુનઃમૂલ્યાંકન ચાલુ રાખવા ભારે ધમપછાડા કર્યા હતા. એક સમયે તો ડો.વિજય પોપટ અને ડો.ભાવિન કોઠારી સામસામા આવી ગયા હતા. તો બે વાર પુનઃમૂલ્યાંકનની તરફેણમાં રહેલા કુલનાયક વિજય દેસાણી પણ ભાવિન કોઠારીની તરફેણમાં બહાર આવ્યા હતા. પરંતુ અન્ય સભ્યોની બહુમતી અને પુનઃમૂલ્યાંકન બંધ કરાવવાના આક્રમક વલણ સામે અંતે ડો.વિજય દેસાણી અને ડો.ભાવિન કોઠારીએ હથિયાર હેઠા મૂકયા હતા.

પાઘડીનો વડ છેડે હોય તેમ ભાવિન કોઠારી અને વિજય દેસાણીએ પુનઃમૂલ્યાંકન ચાલુ રખાવવા માટે એકેડમીક કાઉન્સીલ નહિં પરંતુ સીન્ડીકેટમાં ઠરાવ મૂકવા લલકાર કર્યો હતો.

પુનઃમૂલ્યાંકન ચાલુ રખાવવાના ડો. ભાવિન કોઠારી અને ડો.વિજય દેસાણીના  ધમપછાડા સીન્ડીકેટમાં કેવો રંગ લાવશે તે તો સમય જ કહેશે પરંતુ તબીબી વિદ્યાશાખાની લાંબા સમયની માંગ છે કે મેડીકલ ફેકલ્ટીમાં બે વખત થતુ પુનઃમૂલ્યાંકન બંધ થાય અને ખનખનીયાના ખેલ પણ બંધ થાય તેવી માંગ કરી છે.

(3:30 pm IST)