Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ઓશોના આગમનથી એક નવા મનુષ્ય - એક નવા જગત અને એક નવા યુગનો સુત્રપાત થયો

યુગપુરૂષ ઓશોનો આજે ૮૯મો જન્મદિવસ

બુદ્ધત્વની પ્રવાહમાન ધારામાં ઓશો એક નવો, પ્રારંભ છે, તેઓ અતીતની કોઈ પણ ધાર્મિક પરંપરા કે શૃંખલાની કડી નથી. ઓશોથી એક નવા યુગનો શુભારંભ થાય છે અને તેની સાથે જ સમય બે સુસ્પષ્ટ ખંડોમાં વિભાજિત થાય છે. ઓશો પૂર્વ તથા ઓશો પશ્ચાત.

ઓશોના આગમનથી એક નવા મનુષ્યનો, એક નવા જગતનો, એક નવા યુગનો સૂત્રપાત થયો છે. જેની આધારશિલા અતીતના કોઈ ધર્મમાં નથી, કોઈ દાર્શનિક વિચાર પદ્ધતિમાં નથી. ઓશો સધઃસ્નાત ધાર્મિકતાના પ્રથમ પુરૂષ છે. સર્વથા અનૂઠા સંબુદ્ધ રહસ્યદર્શી છે.

મધ્યપ્રદેશના કુચવાડા ગામમાં ૧૧ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ જન્મેલ ઓશોનુ બચપણનું નામ રજનીશ ચંદ્રમોહન હતું. તેમણે જીવનમાં પ્રારંભિક કાળમાં જ એક નિર્ભીક સ્વતંત્ર આત્માનો પરિચય આપ્યો. ખતરાથી રમવું તેમને પ્રીતિકર હતું. સો ફૂટ ઊંચા પૂલ પરથી કૂદીને તોફાની નદીને તરીને પાર કરવી તેમને માટે સાધારણ રમત હતી. યુવા ઓશો પોતાની અલૌકિક બુદ્ધિ તથા દૃઢતાથી પંડિત- પુરોહિત,  મુલ્લા- પાદરિ, સંત- મહાત્મા જે સ્વાનુભવ વગર જ ભીડના આગેવાન બની બેઠા હતા. તેમની મૂઢતાઓ અને પાખંડોનો પર્દાફાશ કર્યો.

૨૧ માર્ચ ૧૯૫૩ના દિવસે એકવીસ વર્ષની આયુમાં ઓશો સંબોધિ (પરમ જાગરણ)ને ઉપલબ્ધ થયા. સંબોધિના સંબંધમાં તેઓ કહે છેઃ ''હવે હું કોઈપણ પ્રકારની શોધમાં નથી. અસ્તિત્વને પોતાના સમસ્ત દ્વાર મારા માટે ખોલી દીધા છે.''

એ દિવસોમાં તેઓ જબલપુરની એક કોલેજમાં દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી હતા. સંબોધિ ઘટિત થયા પછી તેમણે પોતાની શિક્ષા ચાલુ રાખી હતી અને સન ૧૯૫૭માં સાગર વિશ્વ વિદ્યાલયથી દર્શનશાસ્ત્રમાં પ્રથમ શ્રેણીમાં પ્રથમ (ગોલ્ડમેડલિસ્ટ) રહીને એમ.એ.ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ જબલપુર વિશ્વ વિદ્યાલયમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક પદ પર કાર્ય કરવા લાગ્યા. વિદ્યાર્થીઓમાં તેઓ ''આચાર્ય રજનીશ'' નામથી બહુ લોકપ્રિય હતા. વિશ્વ વિદ્યાલયના પોતાના નવ વર્ષના અધ્યાપન સમયમાં તેઓ પૂરા ભારતમાં ભ્રમણ પણ કરતા રહ્યા. લગભગ ૬૦- ૭૦ હજારની સંખ્યામાં શ્રોતાઓ તેમની સભામાં ઉપસ્થિત રહેતા હતા. તેઓ આધ્યાત્મિક જન જાગરણની એક લહેર ફેલાવી રહ્યા હતા. તેમની વાણીમાં અને તેમની ઉપસ્થિતિમાંએ જાદૂ હતું, એ સુગંધ હતી, જે કોઈ પારના લોકથી આવે છે.

સન ૧૯૬૬માં ઓશોએ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક પદથી ત્યાગપત્ર આપી દીધું. જેથી અસ્તિત્વએ જે પરમ ભગવત્તાનો ખજાનો તેમના પર લુટાવ્યો છે તેને તેઓ પૂરી માનવતાને આપી શકે અને એક નવા મનુષ્યને જન્મ દેવાની પ્રક્રિયામાં સમગ્રતાથી લાગી શકે.

ઓશોનો આ નવો મનુષ્ય ''ઝોરબા ધ બુદ્ધા'' એક એવો મનુષ્ય છે જે ઝોરબાની જેમ ભૌતિક જીવનનો પૂરો આનંદ મનાવવાનું જાણે છે અને ગૌતમ બુદ્ધની જેમ મૌન રહીને ધ્યાનમાં ઉતરવામાં પણ સક્ષમ છે- એવો મનુષ્ય જે ભૌતિક અને આધ્યાત્મિક, બન્ને રીતે સમૃદ્ધ છે. ''ઝોરબા ધ બુદ્ધ'' એક સમગ્ર અને અવિભાજિત મનુષ્ય છે. આ નવા મનુષ્ય વગર પૃથ્વીનું કોઈ ભવિષ્ય નથી.

સન ૧૯૭૦માં ઓશો મુંબઈમાં રહેવા આવી ગયા. હવે પશ્ચિમમાંથી સત્યના ખોજી પણ, જે ફકત ભૌતિક સમૃદ્ધિથી કંટાળી ગયા હતા અને જીવનના કોઈ ગહન રહસ્યોને જાણવા અને સમજવા માટે ઉત્સુક હતા, તેમની પાસે આવવા લાગ્યા. ઓશોએ તેમને બોધ આપ્યો કે ધ્યાન હવે પછીનું પગથીયું છે. ધ્યાન જ જીવનમાં સાર્થકતાના ફૂલ ખીલવામાં સહયોગી સિદ્ધ થશે.

એ જ વર્ષમાં સપ્ટેબરમાં મનાલી (હિમાચલ)માં આયોજિત પોતાની એક શિબિરમાં ઓશોએ નવ સન્યાસ દીક્ષા દેવાનું શરૂ કર્યું. આ જ સમયની આસપાસ તેઓ આચાર્ય રજનીશથી ભગવાન શ્રી રજનીશના રૂપમાં પ્રસિદ્ધ થયા.

સન ૧૯૭૪માં તેઓ પોતાના ઘણા સન્યાસિયો સાથે પૂના આવી ગયા જયાં ''શ્રી રજનીશ આશ્રમ''ની સ્થાપના થઈ. પૂના આવ્યા પછી તેમનો પ્રભાવ વિશ્વભરમાં ફેલાવા લાગ્યો.

શ્રી રજનીશ આશ્રમ પૂનામાં પ્રતિદિન પોતાના પ્રવચનોમાં ઓશોએ માનવ ચેતનાના વિકાસના દરેક પહેલુને ઉજાગર કર્યો. બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, શિવ, શાંડિલ્ય, નારદ, જીસસની સાથે સાથે ભારતીય આધ્યાત્મ- આકાશના અનેક નક્ષત્રો- આદિશંકરાચાર્ય, ગોરખ, કબીર, નાનક, મૂલકદાસ, રૈદાસ, દરિયાદાસ, મીરા વગેરે પર તેમના હજારો પ્રવચન ઉપલબ્ધ છે. જીવનનો એવો કોઈ પણ આયામ નથી જે તેમના પ્રવચનોથી અસ્પર્શિત રહ્યો હોય. યોગ, તંત્ર, તાઓ, ઝેન, હસીદ, સૂફી જેવી વિભિન્ન સાધના પરંપરાઓના ગૂઢ રહસ્યો પર તેમણે વિસ્તાર પૂર્વક પ્રકાશ પાડયો છે. સાથે સાથે રાજનીતિ, કલા, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, દર્શન, શિક્ષા, પરિવાર, સમાજ, ગરીબી જન સંખ્યા વિસ્ફોટ પર્યાવરણ અને સંભાવિત પરમાણું યુદ્ધના અને તેનાથી વધારે એડ્સ મહામારીના વિશ્વ સંકટ જેવા અનેક વિષયો પર પણ તેમની ક્રાંતિકારી જીવન દ્રષ્ટિ ઉપલબ્ધ છે.

શિષ્યો અને સાધકોને આપેલા આ પ્રવચનો છસો પચાસથી પણ વધુ પુસ્તકોના રૂપમાં પ્રકાશિત થઈ ચૂકયા છે અને ત્રીસથી વધુ ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકયા છે. તેઓ કહે છે, ''મારો સંદેશ કોઈ સિદ્ધાંત, કોઈ ચિંતન નથી, મારો સંદેશ તો રૂપાંતરણની એક કીમિયા, એક વિજ્ઞાન છે.''

ઓશો પોતાના આવાસમાંથી દિવસમાં ફકત બે વાર બહાર આવતા હતા- પ્રાતઃ પ્રવચન આપવા માટે અને સંધ્યા સમય સત્યની યાત્રા પર નિકળેલા સાધકોને માર્ગદર્શન અને નવા પ્રેમિયોને સન્યાસ દીક્ષા આપવા માટે.

સન ૧૯૮૦માં કટ્ટરપંથી હિંદુ સમુદાયના એક સદસ્ય દ્વારા તેમની હત્યાનો પ્રયાસ પણ તેમના એક પ્રવચન દરમ્યાન કરવામાં આવેલ.

અચાનક શારીરિક રૂપથી બીમાર થઈ જવાથી ૧૯૮૧ની વસંત ઋતુમાં તેઓ મૌનમાં જતા રહ્યા. ચિકિત્સકોની સલાહ પર એ જ વર્ષ જૂન મહીનામાં તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા. તેમના એમરિકી શિષ્યોએ ઓરેગન રાજયના મધ્ય ભાગમાં ૬૪૦૦૦ એકર જમીન ખરીદી હતી. જયાં તેમણે ઓશોને રહેવા માટે આમંત્રિત કર્યા. ધીરે ધીરે આ અર્ધ રણપ્રદેશ જેવી જગ્યા એક ખીલતા ફળતા કમ્યૂનમાં પરિવર્તિત થતી ગઈ. ત્યાં લગભગ ૫૦૦૦ પ્રેમીમિત્ર હળી મળીને પોતાના સદ્ગુરૂના સાનિધ્યમાં આનંદ અને ઉત્સવના એક અનૂઠા નગરના સૃજનને યથાર્થ રૂપ આપી રહ્યા હતા. બહુ જલ્દી આ નગર રજનીશપુરમ નામથી સંયુકત રાજય અમેરિકાનું એક ઈન્કોર્પોરેટેડ શહેર બની ગયું. પરંતુ કટ્ટરપંથી ઈસાઈ ધર્માધીશોના દબાણમાં અને રાજનીતિજ્ઞોનાં નિહિત સ્વાર્થવશ શરૂઆતથી જ કમ્યૂનના આ પ્રયોગને નષ્ટ કરવા માટે અમેરિકાની સંઘીય, રાજય અને સ્થાનીય સરકારો દરેક સંભવ પ્રયાસ કરી રહી હતી.

જેમ અચાનક એક દિવસ ઓશો મૌન થઈ ગયા હતા તેમજ અચાનક ઓકટોબર ૧૯૮૪માં તેમણે પુનઃ પ્રવચન આપવાનું શરૂ કરી દીધું. જીવન સત્યના આટલા સ્પષ્ટવાદી અને મુખર વિવેચનોથી નિહિત સ્વાર્થોના મૂળ વધુ ડગમગવા લાગ્યા.

ઓકટોબર ૧૯૮૫માં અમેરીકી સરકારે ઓશો પર આપ્રવાસ નિયમોનાં ઉલ્લંઘનમાં ૩૫ મનગઢંત આરોપ લગાવ્યા. કોઈપણ ધરપકડ વોરંટ વગર ઓશોને બંદૂકની અણીએ હિરાસતમાં લેવામાં આવ્યા. ૧૨ દિવસ સુધી તેમની જમાનત સ્વીકારવામાં ન આવી અને તેમના હાથ પગમાં હાથકડી અને બેડિયો નાખીને તેમને અકે જેલમાંથી બીજી જેલમાં ફેરવતાં પોર્ટલેંડ (ઓરેગન) લઈ જવામાં આવ્યા. આ રીતે જે યાત્રા કુલ પાંચ કલાકની છે તે આઠ દિવસમાં પૂરી કરવામાં આવી. જેલમાં તેમના શરીર સાથે બહુ દુવ્યર્વહાર કરવામાં આવ્યો અને અહીં જ સંધીય સહકારનાં અધિકારીયોએ તેમને ''થેલિયમ''નામનું ધીમી અસરવાળું ઝેર આપ્યું.

૧૪ નવેમ્બર ૧૯૮૫ના રોજ અમેરિકા છોડીને ઓશો ભારત પરત આવી ગયા. અહીંની તત્કાલીન સરકારે પણ તેમને પૂરા વિશ્વથી અલગ- થલગ કરવાનો પૂરો પ્રયાસ કર્યો. ત્યારે ઓશો નેપાલ જતા રહ્યા. નેપાલમાં પણ તેમને વધુ સમય રોકાવાની અનુમતિ આપવામાં ન આવી.

ફેબ્રુઆરી ૧૯૮૬માં ઓશો વિશ્વ ભ્રમણ માટે નીકળ્યા, જેની શરૂઆત તેમણે ગ્રીસથી કરી. પરંતુ અમેરીકાના દબાણથી ૨૧ દેશોએ તેમને નિષ્કાસિત કર્યા અથવા ફરી દેશમાં પ્રવેશવાની અનુમતિ ન આપી. આ તથાકથિત સ્વતંત્ર અને લોકતાંત્રિક દેશોમાં ગ્રીસ, ઈટલી, સ્વિટ્ઝરલેંડ, સ્વીડન, ગ્રેટ બ્રિટન, પશ્ચિમ જર્મની, હોલેન્ડ, કેનેડા, જમાઈકા અને સ્પેન પ્રમુખ હતા.

ઓશો જુલાઈ ૧૯૮૬માં મુંબઈ અને જાન્યુઆરી ૧૯૮૭માં પૂનાના પોતાના આશ્રમમાં પાછા આવી ગયા, જે હવે ઓશો કમ્યૂન ઈન્ટરનેશનલના નામથી ઓળખાય છે. અહીં તેઓ પુનઃ પોતાની ક્રાંતિકારી શૈલીમાં પોતાના પ્રવચનો દ્વારા પંડિત પુરોહિતો અને રાજનેતાઓના પાખંડ અને માનવતા પ્રત્યે તેમના ષડયંત્રોનો પર્દાફાશ કરવા લાગ્યા.

એ દરમ્યાન ભારત સહિત પૂરી દુનિયાના બુદ્ધિજીવી વર્ગ અને સમાચાર માધ્યમોએ ઓશો પ્રત્યે પક્ષપાતપૂર્ણ વગરનું અને વિધાયક ચિંતનનું રૂખ અપનાવ્યું. નાના- મોટા બધા સમાચાર પત્રો અને પત્રિકાઓમાં અવાર નવાર તેમના અમૃત વચન અથવા તેમના સંબંધમાં લેખ અને સામાચાર પ્રકાશિત થવા લાગ્યા. દેશના મોટાભાગના પ્રતિષ્ઠિત સંગીતકાર, નર્તક, સાહિત્યકાર, કવિ અને શાયર ઓશો કમ્યૂન ઈન્ટરનેશનલમાં અવાર નવાર આવવા લાગ્યા. મનુષ્યની ચિર આકાંક્ષિત ઉટોપિયાનું સપનું સાકાર જોઈને તેમને પોતાની જ આંખો પર વિશ્વાસ નહોતો થતો.

૨૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ ઓશોએ પોતાના નામની આગળ ''ભગવાન'' સંબોધન હટાવી દીધું. ૨૭ ફેબ્રુઆરી ૧૯૮૯ના રોજ ઓશો કમ્યૂન ઈન્ટરનેશનલનાં બુધ સભાગારમાં સાંધ્ય પ્રવચન સમયે તેમના ૧૦૦૦૦ શિષ્યો અને પ્રેમીઓએ એકમતથી પોતાના પ્યારા સદ્ગુરૂને  ''ઓશો''ના નામથી બોલાવવાનો નિર્ણય લીધો.

ઓકટોબર ૧૯૮૫માં જેલમાં અમેરિકાની રેગન સરકાર દ્વારા ઓશોને થેલિયમ નામનું ધીમી અસર કરનારૃં ઝેર આપવામાં આવેલ અને તેમના શરીરને પ્રાણઘાતક રેડિએશનમાંથી પસાર કરવાના કારણ તેમનું શરીર ત્યારથી નિરંતર અસ્વસ્થ રહેવા લાગ્યું હતું અને અંદરથી ક્ષીણ થતું ગયું. તેમ છતાં તેઓ ઓશો ઈન્ટરનેશનલ, પુનાના ગૌતમ ધી બુદ્ધ ઓડિટોરિયમમાં ૧૦ એપ્રિલ ૧૯૮૯ સુધી દરરોજ સંધ્યા દસ હજાર શિષ્યો, ખોજિયો અને પ્રેમીયોની સભામાં પ્રવચન આપતા રહ્યા અને તેમને ધ્યાનમાં ડૂબાડતા રહ્યા.

૧૭ સપ્ટેમ્બર ૧૯૮૯થી પુનઃ ગૌતમ ધી બુદ્ધ ઓડિટોરિયમમાં દરરોજ સાંજે અર્ધો કલાક માટે આવીને ઓશો મૌન દર્શન- સત્સંગના સંગીત અને મૌનમાં બધાને ડૂબાડતા રહ્યા. આ બેઠકને તેમણે ''ઓશો વ્હાઈટ રોબ બ્રધરહુડ''નામ આપ્યું. ઓશો ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી દરરોજ સંધ્યા સાત વાગે ઓશો વ્હાઈટ રોબ બ્રધરહુડની સભામાં અર્ધા કલાક માટે ઉપસ્થિત રહેતા રહ્યા.

૧૭ જાન્યુઆરીએ તેઓ સભામાં ફકત નમસ્કાર કરીને પાછા જતા રહ્યા. ૧૮ જાન્યુઆરીએ ''ઓશો વ્હાઈટ રોબ બ્રધરહુડ''ની સાંધ્ય સભામાં તેમના અંગત ચિકિત્સક સ્વામી પ્રેમ અમૃતોએ સૂચના આપી કે ઓશોના શરીરનું દર્દ એટલું વધી ગયું છે કે તેઓ આપણી વચ્ચે આવી નથી શકતા, પરંતુ તેઓ પોતાના રૂમમાં જ સાત વાગ્યાથી આપણી સાથે ધ્યાનમાં બેસશે. બીજે દિવસે ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ સાંજે પાંચ વાગે ઓશો શરીર છોડીને મહાપ્રયાણ કરી ગયા. તેની ઘોષણા સાંધ્ય સભામાં કરવામાં આવી. ઓશોની ઈચ્છાનુસાર, એ જ સાંધ્ય સભામાં તેમનું શરીર ગૌતમ ધી બુદ્ધા ઓડિટોરિયમમાં દસ મિનિટ માટે લાવીને રાખવામાં આવ્યું. દસ હજાર શિષ્યો અને પ્રેમિયોએ તેમની અંતિમ વિદાયનો ઉત્સવ સંગીત- નૃત્ય, ભાવાતિરેક અને મૌનમાં મનાવ્યો. ત્યારબાદ તેમનું શરીર દાહક્રિયા માટે લઈ જવામાં આવ્યું.

૨૧ જાન્યુઆરી ૧૯૯૦નાં સવારે તેમનાં અસ્થિફૂલનો કળશ મહોત્સવપૂર્વક કમ્યૂનમાં લાવીને ચાંગત્સૂ, હોલમાં નિર્મિત સંગેમરમરનાં સમાધિ ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યો. ઓશોની સમાધિ પર સ્વર્ણ અક્ષરોમાં અંકિત છે.

OSHO

NEVER BORN

NEVER DIED

ONLY VISITED THIS

PLANET EARTH BETWEEN

DEC II 1931- JAN 19 / 1990

સ્વામિ સત્ય પ્રકાશ,

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(11:52 am IST)
  • ભાવનગરમાં મંડપ કોન્ટ્રાકટર્સ, કેટરર્સ અને રેસ્ટોરન્ટ પર GSTનું ચેકીંગ: મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતા access_time 9:08 pm IST

  • માધાપરમાં દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને ધમકી:ગત ઓગસ્ટ માસમાં નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ: માધાપરના હોમિયોપેથીક તબીબ સામે નોંધાયો હતો ગુનો:અજાણ્યા બુકાનીધારીએ કેસ પરત ખેંચી લેવા આપી ધમકી access_time 1:24 am IST

  • DPS સ્કુલનાં સંચાલકોને ઝટકોઃ મંજુલા શ્રોફ અને હિતેન વસંતના જામીન ફગાવાયાઃ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા access_time 2:03 pm IST