Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મહેસુલ કર્મચારીઓ આક્રમકઃ કોઇને એકઝી. મેજી.ના પાવર આપશો તો સીધી ફોજદારીઃ તમામ પ્રાંતને પત્ર પાઠવતા સનસનાટી

આ પાવર માત્ર કલેકટરને છેઃ ઇ-ધરામાં પણ ૭/૧ર ની નકલમાં ના.મામલતદાર સિવાય કોઇ સહી-સિક્કા ન કરી શકે... : કોટડા મામલતદારે આવુ ઇ-ધરામાં કરતા તેમની સામે હાઇકોર્ટમાં ફરિયાદ થશેઃ હડતાલનો ત્રીજો દિ'... : કાલે ગાંધીનગરમાં ૮ હજાર મહેસુલી કર્મચારીઓની રેલીઃ મુખ્યમંત્રીને ડાયરેકટ આવેદન અપાશેઃ આજે સતત ત્રીજા દિવસે કલેકટર કચેરી ખાતે દેખાવો-સુત્રોચ્ચાર-ધરણાઃ તમામ કચેરીમાં કામગીરી ઠપ્પઃ અરજદારો-વકીલોમાં ભારે દેકારો

મહેસુલી કર્મચારીઓની હડતાલથી પ્રજાકિય કામો ઉપર ગંભીર અસર : પુરવઠા સૂમસામ.... : રાજકોટ : મહેસુલી કર્મચારીઓની હડતાલને કારણે સમગ્ર રાજકોટ જીલ્લામાં પ્રજાના કામો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. આજે પણ કર્મચારી ભાઇ-બહેનોએ દેખાવો યોજી ધરણા કર્યા હતા. તે નજરે પડે છે. નીચેની રૂમમાં રેકર્ડ રૂમને તાળા તથા છેલ્લી તસ્વીરમાં પુરવઠાની બંને ઝોનલ કચેરી સુમસામ જણાય છે. લોકોને પારાવાર ધક્કા થયા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત રાજયભરમાં ચાલી રહેલી મહેસુલી કર્મચારીઓની હડતાલ ત્રીજા દિવસમાં પરીણમી છે, આજે પણ દરેક કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ ધરણા-દેખાવો- સુત્રોચ્ચાર યોજી કચેરીઓ ગજવી મૂકી હતી.

સતત ત્રણ દિ' થી ચાલી રહેલ હડતાલથી તમામ મહેસુલી કામગીરી ઠપ્પ થઇ છે, ઇ-ધરા, જનસેવા, પુરવઠા, કલેકટર, મામલતદાર, ડે. કલેકટરોની કચેરીઓ ખાતે  ફાઇલોના ઢગલા થઇ ગયા છે, અરજદરોને રોજેરોજ ધકકા થઇ રહયા હોય, અને વકીલોના કેસોનો - કોઇ નિવેડો ન હોય, ભારે દેકારો બોલી ગયો છે, આજે રાજકોટ બાર એસો. દ્વારા પણ હડતાલનો તાકીદે નિવેડો આવે તે અંગે કલેકટરને આવેદન પાઠવાયું  હતું.

દરમિયાન રાજકોટ જીલ્લાના મહેસુલી કર્મચારીઓ આક્રમક બની ગયા છે. પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે, અમે ગઇકાલે મોડી સાંજે તમામ પ્રાંત ડે. કલેકટરને પત્ર પાઠવી કોઇપણ તલાટી કે અન્ય કર્મચારીને ના. મામલતદર કે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના પાવર આપશો તો હવે સીધી પોલીસ ફરીયાદ જે તે જવાબદાર અધિકારી સામે કરાશે તેવુ જણાવી દેતા સન્નાટો મચી ગયો છે. આ પત્રમાં એવુ પણ જણાવ્યું છે કે, આવા પાવર આપવાની સત્તા માત્ર કલેકટરને જ છે, અન્ય કોઇ અધિકારી પાવર ન આપી શકે.

શ્રી ઝાલાએ ઉમેર્યુ હતું કે, આ ઉપરાંત ઇ-ધરા કેન્દ્રોમાં ૭/૧ર ની નકલ આપવા સમયે સિકકો અને સહી તલાટીઓ કરે છે તે પણ બીનકાયદેસર છે, આવી સતા માત્ર  નાયબ મામલતદારને છે, ગઇકાલે જીલ્લામાં કોટડાના મામલતદારે આવુ કર્યાનું ધ્યાને આવ્યું છે, રાજયમાં પણ આવા કિસ્સા હશે તો તે તમામ એકઠા, કરી કોટડા સહિત જવાબદાર તમામ મામલતદાર સામે મહામંડળ હાઇકોર્ટમાં ફરીયાદ કરશે, જો આવુ કરવુ હોય તો સરકારે સૌ પ્રથમ સ્પે. પરિપત્ર બહાર પાડવો પડે, તો જ આવુ થઇ શકે.

શ્રી ઝાલાએ જણાવેલ કે હડતાલ ત્રીજા દિવસમાં પરિણમી છે, સરકારે મંત્રણા માટે બોલાવ્યા નથી, અને અમે જવાના પણ નથી, લેખીતમાં સરકાર આપે પછી જ, મંત્રણા થશે, હડતાલ સજ્જડ હોવાનું અને રાજયભરમાં ગંભીર અસર હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે કાલે સવારે ૯ વાગ્યે ગાંધીનગર ખાતે ૮ હજાર મહેસુલી કર્મચારીઓની મહારેલી યોજાશે, રાજકોટથી આજે રાત્રે અને કાલે વહેલી સવારે થઇને ૧૯૦ કર્મચારીઓ જોડાશે, અને રેલી - દેખાવો- ધરણા બાદ ડાયરેકટર મુખ્યમંત્રીને આવેદન પત્ર અપાશે.

(3:39 pm IST)