Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પંચનાથ હોસ્પિટલમાં હવે ફુલ ટાઈમ રેડીયોલોજીસ્ટ ઉપલબ્ધ : રૂ.૨૫૦માં સોનોગ્રાફીની સુવિધા : રેડીયોલોજીસ્ટ ડો. પૂજાબેન રાઠોડની વરણી

સોનોગ્રાફી, એનટી સ્કેન, એનોમેલી સ્કેન, મેમોગ્રાફી, સોનોગ્રાફી રાહતદરે

રાજકોટ : જરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે અત્યંત આશિર્વાદ રૂપ બનેલી પંચનાથ હોસ્પિટલમાં દિવસે દિવસે નવી નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ હોસ્પિટલમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર માત્ર રૂપિયા.૩૦માં (સાથે એક સપ્તાહની દવા નિઃશુલ્ક)ના રાહતદરે ઉપલબ્ધ બનાવાયા બાદ બ્લડ, યુરિન સહિતના ટેસ્ટ માટે નજીવા દરે પેથોલોજી લેબોરેટરીની અત્યંત ઉપયોગી સેવા પણ ઉપલબ્ધ બનાવી 'દર્દીનારાયણ'ને વાસ્તવિક રીતે રાહત પહોંચાડવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં હવે પંચનાથ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ રેડિયોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવતાં મોંઘીદાટ એવી સોનોગ્રાફી પણ ૨૫૦    રૂપિયાના નજીવા દરે અહીં કરાવી શકાશે. આ માટે જાણીતા રેડિયોલોજિસ્ટ ડો.પુજાબેન રાઠોડની નિમણૂક કરવામાં આવી છે જેઓ અહીં સવારે ૮:૩૦થી બપોરે ૪:૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ બનશે.

આ અંગેની માહિતી આપતાં પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું કે હવે પંચનાથ હોસ્પિટલમાં ટુ.ડી.સોનોગ્રાફી માત્ર રૂ.૨૫૦માં કરી આપવાનું બીડું પંચનાથ ટ્રસ્ટે ઝડપ્યું છે. આ ઉપરાંત કલર ડોપ્લર સોનોગ્રાફી પણ રૂ.૬૦૦/-ના દરે જ કરી આપવામાં આવશે. જયારે NT SCAN કે જેના માટે દર્દીઓએ નોંધપાત્ર રકમ ચૂકવવી પડતી હતી તે હવે પંચનાથ ટ્રસ્ટમાં માત્ર રૂ.૫૦૦માં કરી આપવામાં આવશે. આ ઉપરાંત એનોમેલી સ્કેન માત્ર રૂ.૬૦૦માં, સોનો મેમોગ્રાફી (વન સાઈડ) માત્ર રૂ.૭૦૦માં, ૩ડી/૪ડી સોનોગ્રાફી માત્ર રૂ.૯૫૦માં કરી આપવામાં આવશે.

દેવાંગભાઈ માંકડે વધુમાં ઉમેર્યું હતું કે ઉપરોકત તમામ પ્રકારની સોનોગ્રાફી દાતાશ્રી મહેન્દ્રભાઈ શાહ પરિવાર હસ્તે. રાજુભાઈ તરફથી દાન અપાયેલ મશીન (વિપ્રો જીઈ અલ્ટ્રા સાઉન્ડ-લોજીક-પી૯)માં થશે. આ મશીનમાં પાંચ પ્રોબતેમજ થર્મલ પ્રિન્ટરનો સમાવેશ થાય છે.

દર્દીઓને આ પ્રકારની સસ્તી અને શ્રેષ્ઠ સારવાર આપ્યાનો સંતોષ વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે રાજકોટમાં ૫૦ ટકા જેટલા રાહતદરે સોનોગ્રાફી એકમાત્ર પંચનાથ ટ્રસ્ટમાં જ થાય છે અને આ સુવિધાનો શહેરના લોકો બહોળી સંખ્યામાં લાભ ઉઠાવે છે. અહીં સારવાર કરાવ્યા બાદ દર્દીઓ તરફથી મળતાં આશિર્વાદ જ ટ્રસ્ટને એક નવી ઉર્જા પૂરી પાડે છે અને દર્દીનારાયણ માટે કંઈ ને કંઈ કરી છૂટવાની ખેવના જગાવે છે. હજુ આવનારા સમયમાં પંચનાથ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ સુવિધા પૂરી પાડવાની નેમ ધરાવે છે. તેમ દેવાંગભાઈ માંકડે તેમની લાગણી વ્યકત કરી હતી.

પંચનાથ ટ્રસ્ટના સફળતાપૂર્વક સંચાલન માટે પ્રમુખ દેવાંગભાઈ માંકડ (મો.૯૮૨૪૪ ૦૭૮૩૯), ઉપપ્રમુખ ડો.લક્ષ્મણભાઈ ચાવડા, મંત્રી તનસુખભાઈ ઓઝા, ખજાનચી મહેન્દ્રસિંહજી આર.ગોહિલ, ટ્રસ્ટીઓ ડો.વિનોદભાઈ પંડયા, ડો.લલિત ત્રિવેદી, ડી.વી.મહેતા, મયુરભાઈ શાહ, મનુભાઈ એ.પટેલ, મિતેષભાઈ એમ.વ્યાસ, નીતિનભાઈ મણીયાર, નારણભાઈ લાલકીયા અને વસંતભાઈ જસાણી જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત પંચનાથ હોસ્પિટલમાં ડો.એસ.ટી.હેમાણી (સર્જન), ડો.ભરત પારેખ (ફિઝીશ્યન), ડો.બી.સી.કામદાર (સ્કીન સ્પેશ્યાલિસ્ટ), ડો.યશ પંડયા (ઈ.એન.ટી.) અને ડો.મયંક છાયા (ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ) તેમજ ડો.રવિ ગુજરાતી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.

(3:31 pm IST)