Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

બસ હવે બહુ થયું...

કોર્પોરેટર પદેથી રાજીનામાની દક્ષાબેન ભેસાણીયાની ચિમકી

સામા કાંઠે ભાજપનાં મહિલા કોર્પોરેટરોનો ડખ્ખો ચરમસીમાએ : શાસક નેતાને આપવા ધગધગતો રાજીનામાનો પત્ર તૈયાર કર્યોઃ પેડક ચોકમાં પ્રિતીબેન પનારાના નામનું લગાવાયેલું બોર્ડ નહિ નિકળે તો રાજીનામું: પતિ અરવિંદભાઇનું સતત ૩ વર્ષથી પક્ષમાં અપમાન થઇ રહયું છે હવે સહન નથી થતું: ધારાસભ્ય રૈયાણી, શહેર પ્રમુખ મિરાણી સહિતના આગેવાનોને કરાયેલી રજુઆત એળે ગયાનો રાજીનામા પત્રમાં આક્ષેપ

રાજકોટ, તા., ૧૧: શહેરના સામા કાંઠા વિસ્તારમાં વોર્ડ નં. પ ના ભાજપના બે મહિલા કોર્પોરેટરો વચ્ચે વર્ષોથી ચાલ્યો આવતો સાઇન બોર્ડનો ડખ્ખો હવે ચરમસીમાએ પહોંચ્યો છે કેમ કે આ વોર્ડના કોર્પોરેટર દક્ષાબેન ભેેસાણીયાએ કોર્પોરેટર પદેથી રાજીનામુ ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગેની વિગતો મુજબ ગઇકાલે વોર્ડ નં. પના પેડક ચોકમાં ભાજપના જ કોર્પોરેટર પ્રિતીબેન પનારાનું સાઇન બોર્ડ લગાવવા સામે આજ વોર્ડના અન્ય મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાએ વિરોધ દર્શાવ્યો હતો. આ સમગ્ર મામલો આ વોર્ડના કોર્પોરેટર અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી સામે આવતા તેઓએ કોન્ટ્રાકટરને નિયમ મુજબ બોર્ડ મુકવા સુચના આપી હતી જે અનુસંધાને પેડક ચોકમાં  પ્રિતીબેન પનારાનું બોર્ડ લગાવી દેવાયું છે આથી આ બાબતે દક્ષાબેન ભેસાણીયાએ ભારે નારાજગી દર્શાવી અને શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણીને આપવા માટે રાજીનામા પત્ર તૈયાર કર્યો છે.

દરમિયાન આ રાજીનામા પત્ર લઇ અને દક્ષાબેનના પતિ અરવિંદભાઇ ભેસાણીયા  કોર્પોરેશનના ભાજપ કાર્યાલયમાં આવ્યા હતા અને તેઓએ આ સમગ્ર ડખ્ખાનું હકિકત પત્રકારો સમક્ષ રજુ કરતા જણાવેલ કે ર૦૧૬-૧૭ થી વિસ્તારમાં સાઇન બોર્ડ મુકવા બાબતે પ્રિતીબેન અને દક્ષાબેન વચ્ચે ઘર્ષણ થાય છે. કેમ કે મોટા ભાગના વિકાસ કામો દક્ષાબેનની ગ્રાન્ટમાંથી થઇ રહયા છે આથી તેઓના સાઇન બોર્ડની સંખ્યા વધુ છે.  દરમિયાન આ મામલે એવી સહમતી સધાઇ હતી કે કોઇ પણ સાઇન બોર્ડમાં હવેથી ચારે ચાર કોર્પોરેટરના નામ લખવા. આથી આ મુજબ દક્ષાબેન દ્વારા અનેક વિસ્તારોમાં તેઓની ગ્રાન્ટમાંથી કામ થયા હોવા છતાં ચારે-ચાર કોર્પોરેટરના નામવાળા સાઇન બોર્ડલગાવાયા છે. ત્યારે આમ છતાં ગઇકાલે પ્રિતીબેન પનારાએ પેડક ચોકમાં માત્ર તેઓના નામનું જ સાઇન બોર્ડ લગાવતા આ બાબતનો વિરોધ કરાયો છે જે યોગ્ય છે  કેમ કે નક્કી થયા મુજબ તમામ કોર્પોરેટરના નામ સાઇન બોર્ડમાં લખાયાનથી. આમ હવે પેડક ચોકમાંથી પ્રિતીબેન પનારાનું સાઇન બોર્ડ કાઢવું જરૂરી છે. જો આમ નહિ થાય તો દક્ષાબેન કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેશે.

દરમિયાન દક્ષાબેન પનારાએ જે રાજીનામા પત્ર લખ્યો છે જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ર૦૧૬-૧૭થી તેઓના પતિનું પક્ષમાં સતત અપમાન થઇ રહયું છે. બોર્ડમાં અનેક વિકાસકામો કરાવવામાં આવ્યા છે આમ છતાં અવારનવાર પક્ષમાં જ થતું અપમાન હવે સહન નથી થતું માટે જો આ પ્રકારનું વર્તન બંધ નહિ થાય તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેવાશે.

નોંધનીય છે કે દક્ષાબેને આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ બાબતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસમ્ય અરવિંદભાઇ રૈયાણી અને પ્રદેશ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ સુધી અનેક વખત રજુઆતો કરી છે છતાં આ પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે હવે જો આજ પ્રકારનું વર્તન ચાલુ રહેશે તો રાજીનામું આપવાનું નિશ્ચિત છે.

હું નહિ મારૂ કામ બોલે છેઃ દક્ષાબેન

રાજકોટઃ વોર્ડ નં. પ ના કોર્પોરેટર દક્ષબેન ભેસાણીયાએ સાઇન બોર્ડના ડખ્ખા અંગે સ્પષ્ટતા કરી અને જણાવ્યું છે કે આ વોર્ડમાં સૌથી વધુ વિકાસકામો તેઓની ગ્રાન્ટમાંથી થયા છે. જેમાં સીતારામ  સોસાયટી મેઇન રોડ, ગ્રામલક્ષ્મી સોસાયટીમાં પેવર કામ, સેટેલાઇટ ચોકમાં નવી ઓફીસનુંકામ ચાલુ છે. ભુગર્ભ ગટર કનેકશનો શકિત સોસાયટી, મનહર સોસાયટી, ત્રિવેણી સોસાયટી, કેયુર પાર્ક, અલ્કા પાર્ક, સ્વીમીંગ પુલ જીમ્નેશીયમ વગેરે સહિત ર૮ જેટલા વિસ્તારોમાં ડામર કામ સહિતના વિકાસકામો હાથ ધરાયા છે. આથી વિસ્તારવાસીઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.

(3:10 pm IST)