Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અદ્દભૂત સમન્વય લાઈટ એન્ડ સાઉન્ડ શો

૧૦૦થી વધુ લાઈટોનું કલર વેરીએશન : ૧૭૦ બાળકો દ્વારા કલાનું પ્રદર્શન

રાજકોટ, તા. ૧૧ : પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી નિમિત્ત્।ે  રાજકોટ ખાતે વિશ્વકક્ષાનો મહોત્સવ ચાલી રહેલ છે. વર્તમાન સમયમાં ભારતીય સંસ્કૃતિના મુલ્યો, મંદિરોની સ્થાપના, તેમાં મૂર્તિ રૂપે ભગવાનની સેવા-પૂજા, દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય ભગવાનને પામવાનું છે એ સિદ્ઘાંત આ બધી વાતો દરેક મનુષ્યના માનસમાં તેમને પસંદ પડે એ રીતે આધુનિક ટેકનોલોજીથી રજૂ કરવાનું કપરું કાર્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હરિભકતોએ આ મહોત્સવ નિમિત્ત્।ે હાથ ધરેલ છે. પૂ. પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમ્યાન માનવ અને સમાજ ઉત્કર્ષનાં અનેક કાર્યો કર્યા છે. જેમાંથી એક છે મંદિરોના નિર્માણનું. તેઓશ્રીએ દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ સહિતના ૧૨૦૦ કરતાં વધુ મંદિરો બાંધી અનેક મુમુક્ષુઓના જીવનમાં ઊચી અધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરાવી છે.

આજના જમાનામાં મનુષ્ય ચિંતા, તણાવ અને જવાબદારીઓથી થાકીને વ્યસનનો રસ્તો પસંદ કરે છે, આવા સંજોગોમાં મંદિરો કઈ રીતે ઉપયોગી બની શકે, મંદિરોના શાંતિ સંદેશની મહત્ત્।ા, જીવનમાં આવતા કોઈપણ પ્રશ્નોના સમાધાનમાં મંદિરની ભૂમિકા, સાચા સુખ માટે મંદિરો, ભગવાનનો જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે મંદિરોની જરૂરિયાત, મંદિરની રચનામાં તેના દરેક ભાગનું શાસ્ત્રોકત કારણ અને મહતત્વ જેવી મંદિર સાથે સંકળાયેલ અનેક વાસ્તવિકતાઓ પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી નિમિત્ત્।ે રચવામાં આવેલ સ્વામિનારાયણ નગરમાં ૧૨૦ ફૂટ પહોળી અને ૪૦ ફૂટ ઊચી સ્ક્રીનનાં માધ્યમથી વ્હાઈટ સ્ક્રીન પ્રોજેકટર, લાઈટ, સાઉન્ડ અને બાળકોના નૃત્યથી દરેક વ્યકિતના માનસમાં સહજ રીતે ઉતરી જાય, સમજાય જાય એવો પ્રયાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા કરવામાં આવ્યો છે.

આ લાઈટ એન્ડ સાઉન્ડ શોના આયોજનમાં સંસ્થાના ૧૦ સંતો જોડાયા હતા. જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શો તૈયાર કરવામાં આવ્યો છે. સંતો, હરિભકતો, બાળકો, યુવાનો, આ પ્રકારના કાર્ય કરતા તજજ્ઞોના અથાક પરિશ્રમ, શ્રદ્ઘા, સેવા અને સમર્પણથી નિર્માણ પામ્યો છે. જેના પાછળ આશ્ચર્ય પમાડે એવું આયોજન, પરિશ્રમ, શ્રદ્ઘા અને ધીરજ રહેલી છે.  ૧૦૦ કરતા વધારે લાઈટોનું કલર વેરીએશન અને મુવમેન્ટ સાથે સંચાલન, અત્યાધુનિક ૨૦૦૦૦ લ્યુમીન્સના કુલ ચાર વ્હાઈટ સ્ક્રીન પ્રોજેકટર અને અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમના સમન્વય સાથે આ શો રજૂ કરવામાં આવે છે. તેની સાથે ૧૨૦ ફૂટ લાંબા અને ૨૫ ફૂટ પહોળાઈના સ્ટેજ પર ૫ વર્ષના બાળકોથી લઈ ૨૬ વર્ષના યુવકોના નૃત્યની રજૂઆત સૌને ખૂબ આકર્ષિત કરી રહી છે. જેમાં કુલ ૧૭૦ જેટલા બાળકો શાળા અને અભ્યાસની સાથે સાથે છેલ્લા ૧૫ દિવસથી પ્રેકટીસ કરી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પણ દરેક બાળક રાત્રીના ૧૧ વાગ્યા સુધી રોકાઈને લોકો સુધી પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના અને મંદિરનો શાંતિ સંદેશ પહોંચાડવા, નિઃસ્વાર્થ ભાવે, માત્ર અને માત્ર ભગવાન અને પોતાના ગુરૂને રાજી કરવા માટે અમૂલ્ય સેવા આપી રહ્યા છે.

લાઈટ, સાઉન્ડ, સ્ક્રીન અને બાળકોના નૃત્યની સાથે સ્ટેજની મનમોહક રચના ૫૦૦ કરતાં વધારે સ્વયંસેવકો ૧ મહિનાની મહેનત અને કુશળ કારીગરીનું આદર્શ ઉદાહરણ છે. સ્ટેજની એક તરફ અત્યંત વાસ્તવિક લાગતું મંદિર અને બીજી તરફ બનાવવામાં આવેલ ઘર પ્લાયવુડ અને ફાઈબરમાંથી કુશળ કારીગરોની જહેમત બાદ ૧ મહિના જેટલા સમયગાળામાં નિર્માણ પામ્યું છે. મંદિરનો શાંતિ સંદેશ આ શો જોનારા દરેક વ્યકિતના મનમાં કાયમી માટે અંકિત થઈ જાય તે માટે આ શોમાં દર્શાવવામાં આવતા વિડીઓને અસરકારક બનાવવા એનિમેસન ક્ષેત્રમાં નિષ્ણાત એવી કંપનીએ પણ સારી સેવા આપી છે. આ કુલ ૩૩ મીનીટનો શો એકસાથે ૩૫૦૦૦ જેટલા પ્રેક્ષકો નિહાળી શકે તે માટે ચાર અન્ય સ્ક્રીન પણ મૂકવામાં આવી છે. સાંજના ૭ વાગ્યા પછી ૧૦ વાગ્યા સુધીમાં કુલ ૩ શો દરરોજ રજૂ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્હાઈટ સ્ક્રીન પ્રોજેકટર લાઈટ એન્ડ સાઉન્ડ શોને રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો નિહાળી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અભિન્ન અંગ એવા મંદિરો અને મૂર્તિપૂજાને લોકો સમજી અને પોતાના જીવનમાં દૃઢ કરી રહ્યા છે.

(12:00 pm IST)