Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

નાયબ મામલતદારનો સ્વાઇન ફલૂએ ભોગ લીધોઃ કુલ મૃત્યુઆંક ૩૯ થયો

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં વીસેક દિવસની સારવાર બાદ સિવિલમાં દાખલ હતાં: રાત્રે દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: સ્વાઇન ફલૂએ વધુ એકનો ભોગ લીધો છે. ધોરાજી પંથકના નાયબ મામલતદારનું રાત્રીના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તે સાથે રાજકોટમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કુલ મૃત્યુઆંક ૩૯ થયો છે.

આરોગ્ય વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ધોરાજી પંથકમાં રહેતાં ૫૩ વર્ષિય નાયબ મામલતદારને ગત તા. ૭ના રોજ તાવ-શરદી-ઉધરસ થતાં સ્થાનિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં અહિ સ્વાઇન ફલૂની શંકાએ રિપોર્ટ કરાવવામાં આવતાં તે પોઝિટીવ જાહેર થયો હતો. ત્યાં દિવસો સુધી સારવાર અપાયા બાદ ૩૦મીએ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાત્રે ૯:૨૦ કલાકે દમ તોડી દીધો હતો. તે સાથે કુલ મૃત્યુઆંક ૩૯ થયો છે. શહેરમાં હાલમાં ખાનગી હોસ્પિટલમાં બે દર્દી દાખલ છે. જ્યારે સિવિલમાં એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે. તા. ૧-૦૯-૨૦૧૮ થી તા. ૧૧-૧૨-૨૦૧૮ સુધીમાં રાજકોટમાં સ્વાઇન ફલૂના ૧૪૮ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં કુલ ૩૯ના મોત થયા છે. રાજકોટ ગ્રામ્યના ૬ દર્દીના અને રાજકોટ શહેર એરિયાના ૨૩ દર્દીના મૃત્યુ થયા છે.

(10:50 am IST)