Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

બેકરીઓમાં આરોગ્ય તંત્ર ત્રાટકયું: ૨૪૭ કિલો અખાદ્ય બ્રેડનો નાશ

અંબા ભવાની બેકરી-કોઠારીયા રોડ અને ઈન્ડીયા બેકરી (વર્કશોપ) હાથીખાનામાં દરોડા પાડી કેક અને પેસ્ટીના નમૂનાઓ લીધાઃ આરોગ્ય અધિકારી ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ, તા. ૧૦ :. હાલમાં ડીસેમ્બર મહિનામાં નાતાલની ઉજવણી નિમિતે કેક અને પેસ્ટ્રી તથા બ્રેડનુ વેચાણ વધી જતુ હોય ભેળસેળ થવાની વ્યાપક શકયતા રહે છે ત્યારે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ આજથી શહેરની વિવિધ બેકરીઓમાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ચેકીંગ દરમિયાન બે બેકરીઓમાંથી કુલ ૨૪૭ કિલો અખાદ્ય બ્રેડનો જથ્થો નાશ કરાયો હતો તથા બન્ને સ્થળોએથી કેક, પેસ્ટ્રીના નમૂના લેવાયા હતા.  આ અંગે આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ કોઠારીયા રોડ ઉપર અંબા ભવાની બેકરીમાં ચેકીંગ દરમિયાન વાસી અને એકસપાયરી ડેઈટવાળી ૮૦ પેકેટ એટલે કે ૮૦ કિલો બ્રેડ મળી આવતા તેનો નાશ કર્યો હતો. તેમજ આ સ્થળેથી કેક અને પેસ્ટ્રી (લુઝ)ના નમૂના લઈ રાજ્ય સરકારની ફુડ લેબોરેટરીમાં તપાસાર્થે મોકલી આપેલ અને બેકરી સંચાલકને ફુડ લાયસન્સ બાબતે નોટીસ ફટકારેલ હતી.

આ ઉપરાંત હાથીખાનામાં ઈન્ડીયા બેકરીનાં વર્કશોપમાં પણ ચેકીંગ હાથ ધરાતા ત્યાંથી બ્રેડ, ટોસ વગેરે બેકરી આઈટમોનો કુલ ૧૬૭ કિલો અખાદ્ય-વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને આ સ્થળેથી કેક, પેસ્ટ્રી તથા નાનખટાઈ (લુઝ)ના નમૂનાઓ લઈ રાજ્ય સરકારની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ.

ડો. રાઠોડના જણાવ્યા મુજબ બેકરીઓમાં સ્વચ્છતા, ફુડ લાયસન્સ, અખાદ્ય કલરની ભેળસેળ, પ્રતિબંધીત સ્વીટનરનો ઉપયોગ, ઉત્પાદનની તારીખ વગેરે તમામ બાબતની ઉંડી તપાસ કરવામાં આવે છે અને ક્ષતિઓ બાબતે નોટીસ આપવામાં આવેલ.(૨-૧૯)

(3:50 pm IST)