Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

શનિવારથી પંચ દિનાત્મક યમુના સર્વસ્વ મહોત્સવ

શ્રીકૃષ્ણાશ્રય હવેલી અને કનૈયાલાલ મહારાજશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન *પૂ.અક્ષયકુમારજી મહારાજ યમુનાજીના ૪૧ પદનું રસપાન કરાવશે * દરરોજ કિર્તન, ગરબા, હસાયરો સહિત શ્રેણીબધ્ધ કાર્યક્રમો

રાજકોટ તા.૧૧ : શ્રીમદ્દ વલ્લભાચાર્યજી-મહાપ્રભુજીના દ્વિતિય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી કે જેમણે પુષ્ટી સંપ્રદાયનો વ્યાપક પ્રચાર કરીને અને જિજ્ઞાષુ જીવોને પ્રભુ સન્મુખ કર્યા છે. એવા શ્રીમદ્દ પ્રભુચરણ ગુંસાઇના પ્રાગટયોત્સવના ઉપલક્ષ્યમાં રાજકોટ રોયલ પાર્ક શ્રી કૃષ્ણાશ્રય હવેલી, શ્રી કનૈયાલાલજી મહારાજશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના તત્વાવધાનમાં આગામી શનિવાર તા. ૧૬ ની તા. ર૦ ના બુધવાર સુધી પાંચ દિવસીય  'યમુના સર્વ મહોત્સવ' નું આયોજન કરાયું છે.

શ્રી કૃષ્ણાશ્રય હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી અભિષેકકુમારજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં રાજકોટમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળના વિશાળ મેદાનમાં 'શ્રી ઠકુરાણી ઘાટ' કથા મંડપ પરિસર ખાતે મૌલિક વકતા શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રી આચાર્યપીઠે બીરાજી દરરોજ બપોરે ૩ થી સાંજે ૬.૩૦ સુધી શ્રી યમુનાજીના ૪૧ પદનું અમૃતપાન કરાવશે.

પંચ દિવસીય મહોત્સવ દરમ્યાન દરરોજ સવારે ૧૦.૩૦ થી ૧ર દરમ્યાન માનવ સેવાના ભાગરૂપે તા. ૧૬ શનીવારે વિનામૂલ્યે આયુર્વેદિક ઉપચાર કેમ્પ અને રાત્રે કિર્તન સંમેલન, તા. ૧૭ રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧ર વિવિધ રોગોનો આયુર્વેદ ઉપચાર કેમ્પ અને રાત્રે ૯ વાગ્યે વૈષ્ણવી છાંટવાળો ઢાઢી લીલાની દર્શનીય અને કર્ણપ્રીય કાર્યક્રમ, તા. ૧૮ સોમવારે સાર્વજનીક - વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રાત્રે ૯ વાગ્યે હાસ્યનું હુલ્લડ શ્રોતાઓને મોજ કરાવશે.

તા. ૧૯ મંગળવારે જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ સવારે ૧૦-૩૦ થી અને રાત્રે ઢોલ-નગારાને સંગ રાસ-ગરબાનો કાર્યક્રમ, અંતિમ ચરણોમાં તા. ર૦ બુધવારે રાત્રે ૯ વાગ્યે શ્રી કૃષ્ણા શ્રય ગૌશાળાના લાભાર્થે ગુજરાતના સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર માયાભાઇ આહીરનો લોક ડાયરો શ્રોતાઓને માંડી રાત સુધી મોજ કરાવશે.

પાંચ દિવસના સત્સંગ મહોત્સવ દરમ્યાન દરરોજ શ્રી વલ્લભકુળના આચાર્યોની પ્રેરક ઉપસ્થિતી સર્વે શ્રોતાઓ માટે દર્શનીય અને વંદનીય બની રહેશે.

મહોત્સવનું મંગલ ઉદ્ઘાટન પૂ. પા. ગો. ૧૦૮ શ્રી રસિકરાયજી મહારાજા (ઉપલેટા) કરશે. સપ્તમપીઠ યુવરાજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહોદયથી (કામવન-રાજકોટ), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહોદયશ્રી (રાજકોટ), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ગોપેશરાયજી મહોદય શ્રી (રાજકોટ), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી (જેતપુર), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી પ્રીયાંકરાયજી મહોદયશ્રી (જેતપુર), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વસંતકુમારજી મહારાજશ્રી (પોરબંદર), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વિશાલકુમારજી મહારાજશ્રી (રાજકોટ), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી પરાગકુમારજી મહોદય શ્રી (રાજકોટ), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી રૂચિરરાયજી મહોદયશ્રી (રાજકોટ) તથા પૂ. પા. ગો. ૧૦૮ શ્રી પુરૂષોતમલાલજી મહોદયશ્રી (રાજકોટ) વગેરે વલ્લભકુળ આચાર્યો સત્સંગમાં હાજરી આપીને શ્રવણ કરશે.

ભાવિકો, વૈષ્ણવોને આ મહોત્સવનો લાભ લેવા શ્રી કૃષ્ણાશ્રય હવેલી, શ્રી કનૈયાલાલજી મહારાજશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ (૦ર૮૧) રપ૭પ૮૦૮ યાદીમાં જાહેર આમંત્રણ અપાયું છે.

(3:52 pm IST)