Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

કોર્પોરેશનની સેવાઓ અંગે લોકો સાથે વેબસાઈટ પર સીધો સંવાદ

કોર્પોરેશનની વેબસાઈટના આર્ટીફિશીયલ ઇન્ટરેકિટવ ચેટ બોટમાં લોકોને જવાબ-માર્ગદર્શન નિદર્શન : નિહાળતા બંછાનિધિ પાની : લોકો અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષા સવાલ પૂછી જવાબો મેળવી શકે છે

રાજકોટ,તા.૧૧: કોર્પોરેશન દ્વારા હાલ આપવામાં આવી રહેલી વિવિધ પ્રકારની ઓનલાઈન સેવાઓમાં લોકોને વધુ ને વધુ સુગમતા અને સરળતા રહે તે માટે કોર્પોરેશન સતત પ્રયત્નશીલ રહે છે.કોર્પોરેશનની વેબસાઈટમાં ઉપલબ્ધ આર્ટીફિશીયલ ઇન્ટરેકિટવ ચેટ બોટમાં લોકો મહાનગરપાલિકાની સેવાઓ વિશે પોતાના કામ સંબંધી સવાલો પૂછી જવાબ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી રહયા છે. આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી એક બેઠક દરમ્યાન કોર્પોરેશનની વેબસાઈટ પર ASK RMC નામના ચેટ બોટની યાંત્રિક રોબોટિક પ્રણાલી – કોમ્પ્યુટર પ્રોગ્રામનું  નિદર્શન નિહાળી તેની સમીક્ષા કરી હતી.

     મ્યુનિ. કમિશનરશ્રીએ આ વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ચેટ બોટ એક એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સીનો ઉપયોગ કરી લોકોને વાતચીત દ્રારા કોર્પોરેશનની સેવાઓને લગતા પ્રશ્નોનો જવાબ આપે છે. તેના માટે કોઈપણ માણસની જરુર પડતી નથી. લોકો પ્રશ્ન પૂછવા માટે અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાનો ઉપયોગ કરી શકશે. લોકોને આ બંને ભાષામાં તેમના જવાબો ઉપલબ્ધ બને છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચેટબોટ્ટ્સ એ ઉપયોગમાં લેવાતા પ્રિ ડિફાઈન કી-વડર્સના આધારે ડેટાબેઝમાંથી પૂર્વવ્યાખ્યાયિત જવાબો આપે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યકિતને જો મહાનગરપાલિકાનો ટેકસ ઓનલાઈન કેવી રીતે ભરવો તેની માહિતી જોઈતી હોય તો કોર્પોરેશનની વેબ સાઈટ પર ચેટ બોટ માં પ્રશ્નો  ટાઈપ કરવાથી ચેટ બોટ તેની સાથે વાતચીત કરી ને તેને માર્ગદર્શન આપે છે.

બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, ચેટ બોટ પ્રોગ્રામ અતિ આધુનિક આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સી ટેકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. જુલાઈ ૨૦૧૭ માસમાં હેકેથોન ૨૦૧૭ માં ભાગ લીધેલ જોરો.આઇઅમે નામની સ્ટાર્ટ અપ કંપની દ્રારા આ ચેટબોટ  કોર્પોરેશનને વિના મૂલ્યે ડેવલપ કરી આપવામાં આવેલ છે.

(3:51 pm IST)