Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

રૂ. ૪ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૪ લાખનો દંડ

આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ ખોખડદડ ગામના રહીશ ફરીયાદી અજય કનુભાઈ નસીતે આરોપી વસંત રમેશભાઈ વાડોદરીયા એટલે કે ગોંડલ મુકામે સાટોડીયા સોસાયટીમાં રહેતા આરોપીએ ફરીયાદીને રકમ રૂ. ૪,૦૦,૦૦૦ ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા તે સંબંધે થયેલ ફોજદારી ફરીયાદ ચાલી જતા રાજકોટના એડી. ચીફ જ્યુડી. મેજી. એ આરોપી વસંત વાડોદરીયાને એક વર્ષની સજા અને રકમ રૂ. ૪,૦૦,૦૦૦નો દંડ અને દંડની રકમ ન ભર્યેથી વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસની હકકીત જોઈએ તો, ફરીયાદી ખોખડદડ મુકામે રહેતા અને ખોખડદડ મુકામે પ્લાસ્ટિકનું કારખાનુ ધરાવતા હોય અને આરોપી જમીન મકાન લે-વેચનો ધંધો કરતા હોય, જે ધંધામાં મંદી આવતા ફરીયાદી પાસેથી ઉપરોકત રકમ લીધેલ અને લીધેલ રકમ પરત કરવા ફરીયાદી જોગ ઉપરોકત ચેક ઈસ્યુ કરી આપેલ, જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરતા આરોપીને હાજર રહેવા સમન્સ કરવામાં આવેલ અને કેસ ચાલવા પર આવતા ફરીયાદીએ મૌખિક સાથે દસ્તાવેજી પુરાવો આપેલ અને આરોપીને મૌખિક પુરાવો આપેલ અને બન્ને પક્ષે વિગતવાર દલીલો પૈકી ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા જુદા જુદા ચુકાદાઓ સાથે રજુઆતો કરેલ હતી.

બન્ને પક્ષેની દલીલો તથા રેકર્ડ પરની હકીકતો ધ્યાને લેતા ફરીયાદીએ પોતાના સરતપાસના સોગંદનામા પાસે રજુ કરેલ દસ્તાવેજી પુરાવાથી પોતાનો કેસ સાબિત કરેલ હોય અને તે અનુમાનનું ખંડન કરવા માટે આરોપી તરફે જે બચાવ લેવામાં આવ્યો હોય તે બચાવ સામાન્ય બુદ્ધિ ધારણ કરનાર માણસ સ્વીકારી શકે તેવો સંભવિત બચાવ હોવો જોઈએ. આરોપી તરફેથી કરવામાં આવેલ ઉલટ તપાસમાં જ ફરીયાદીના ધંધાની તથા રકમ આપ્યા સંબંધેની હકીકતો રેકર્ડ પર આવેલ છે અને સમગ્ર પુરાવો લક્ષે લેતા વિવાદી ચેકમાં આરોપીની સહી ન હોવાની તકરાર નથી, આરોપીએ તબક્કે તબક્કે જુદો બચાવ લીધેલ છે, જેથી આરોપી શું બચાવ લેવા માંગે છે તે સ્પષ્ટ થતુ નથી. તેમજ ફરીયાદવાળા ચેક અંગે આરોપી તરફથી રજુ કરવામાં આવેલ તકરાર અને બચાવ યોગ્ય અને વ્યાજબી જણાતો નથી તેમજ તે અન્વયે અનુમાનનું ખંડન કરતો પુરાવો રજુ કરવામાં નિષ્ફળ નિવડેલ છે.

સમગ્ર પુરાવો લક્ષે લેતા આરોપી પોતાના વિરૂદ્ધનો કેસ વ્યાજબી શંકારહિત, નિઃશંકપણે પુરવાર કરવામાં સફળ થયેલ નથી. હાલના સમયમાં આવા કિસ્સાઓ વધી રહેલ છે, કાયદાનું ખોટુ અર્થઘટન કરી કેસ લંબાવે છે, ચેકો વગર સ્વીકાર્યે પરત થતા રહે છે, તે ખૂબ ગંભીર બાબત ગણાય, જે અંકુશમાં લાવવી જરૂરી છે, વિગેરે હકીકતો માની આરોપી વસંત વાડોદરીયાને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂ. ૪,૦૦,૦૦૦ નો દંડ અને દંડ ન ભર્યે વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી અજયભાઈ નસીત વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર,   સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(3:48 pm IST)