Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

કાલથી શરૂ થનારી બે દિ'ની ટેલીફોન કર્મચારીઓની હડતાલથી ફોલ્ટ, કસ્ટમર કેર સેન્ટરો વધુ ખોરવાશેઃ દેશલેવલે કરોડોનું નુકશાન

એકલા રાજકોટમાં જ ર દિ'માં ૩૦ થી ૩પ લાખનું નુકશાનઃ કાલે સવારે સુત્રોચ્ચાર-દેખાવો થશે...

રાજકોટ, તા., ૧૧: આવતીકાલથી બીએસએનએલની રાષ્ટ્ર વ્યાપી હડતાલનો પ્રારંભ થઇ રહયો છે. શહેરની ટેલીફોન-મોબાઇલ તથા ઇન્ટરનેટ સેવાઓને આ હડતાલથી માઠી અસર પહોંચવાની ભીતી છે. એટલુ જ નહી હડતાલને કારણે ટેલીફોન  કંપનીને લાખોનું આર્થિક નુકશાન પણ પહોંચશે તેવી દહેશત વ્યકત થઇ રહી છે.

આ અંગેની વિગતો મુજબ પગાર વેઇજના મુદ્દે કાલથી ર દિવસથી હડતાલ પર બીએસએનએલના કર્મચારીઓ રહેશે.આ  દરમિયાન ટેલીફોન-મોબાઇલ-ઇન્ટરનેટ સેવાના નાના-મોટા ફોલ્ટ, કનેકટીવીટી પ્રોબ્લેમ સહીતની રોજીંદગી સમસ્યાઓ માટેનો લાઇન સ્ટાફ ઉપલબ્ધ નહી રહે. આથી આ સેવાઓને માઠી અસર પહોંચવાની ભીતી છે.

આ ઉપરાંત બીએસએનએલની ગ્રાહકલક્ષી  સેવાઓ પણ ઠપ્પ રહેશે. આથી દર મહિને એકલા રાજકોટ સર્કલની જે આવક રૂ. ૮ કરોડની છે તેમાં આ બે દિવસથી હડતાલથી ૩૦ થી ૩પ લાખનું નુકશાન જશે અને દેશ લેવલે કરોડોની નુકશાની જવાની ભીતી સેવાઇ રહી છે.

દરમિયાન મોટી દહેશત એ ઉભી થઇ છે કે, આગામી બે-ચાર દિવસોમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગતરી છે તેમજ બીજા તબક્કાનું મતદાન પણ બે દિવસ બાદ છે ત્યારે આ ટેલીકોમ હડતાલની માઠી અસર પડશે તો તંત્રને જબરી દોડ-ધામ થઇ પડશે.

કાલે જયુબેલી બગીચા સામેે ઓફીસે ધરણા

દરમિયાન આવતીકાલે સવારથી બી.એસ.એન.એલ. રાજકોટ સર્કલના કર્મચારીઓ જયુબેલી બગીચા સામે આવેલ મુખ્ય કચેરીએ ધરણા પર બેસીને હતલામાં જોડાનાર હોવાનું જાણવા મળ્યું છે.

(3:23 pm IST)