Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મોરબીથી સમુહ લગ્નમાંથી પરત આવતી વખતે રાજકોટના પ્રજાપતિ દંપતિનું મોત

મિંતાણા પાસે રોંગ સાઇડમાં ધસી આવેલી સ્વીફટ કારના ચાલકે ઠોકરે ચડાવ્યું: જય જવાન જય કિસાન સોસાયટીના સંજય જાંબુડીયા (ઉ.૩૨)નું ઘટના સ્થળે જ મોતઃ પત્નિ રંજનબેન (રીનાબેન) જાંબુડીયા (ઉ.૩૦)એ રાજકોટમાં દમ તોડ્યોઃ ૭ વર્ષનો માસુમ પુત્ર ભોૈતિક વળતી વખતે કારમાં બેઠો હોઇ બચી ગયોઃ મા-બાપ વિહોણો થતાં કલ્પાંત

સંજયભાઇ જાંબુડીયાએ ધર્મપત્નિ રીનાબેન (રંજનબેન) સાથેની આ કોઇ પ્રસંગની તસ્વીર ફેસબૂક પર ૬ ડિસેમ્બરના રોજ પોસ્ટ કરી હતી...પરિવારજનો માટે આ હસતાં ચહેરા હવે માત્ર તસ્વીરમાં સિમીત રહી ગયા છે

રાજકોટ તા. ૧૧: મિંતાણા નજીક સ્વિફટ કારે બાઇકને ઉલાળી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ દંપતિનો ભોગ લેવાયો હતો.  મોરબી યોજાયેલા પ્રજાપતિ સમાજના સમુહ લગ્નમાંથી પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો. સવારે બંનેની સ્મશાન યાત્રા નીકળી ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.

જાણવા મળ્યા મુજબ જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં સંજયભાઇ જેન્તીભાઇ જાંબુડીયા (ઉ.૩૨) નામના ગુર્જર પ્રજાપતિ યુવાન ગઇકાલે પોતાના બાઇક નં. જીજે૩ડીકયુ-૭૯૫૧માં ધર્મપત્નિ રંજનબેન (રીનાબેન) (ઉ.૩૦) તથા પુત્ર ભોૈતિક (ઉ.૭)ને બેસાડીને પ્રજાપતિ સમાજના સમુહ લગ્ન યોજાયા હોઇ ત્યાં ગયા હતાં. ત્યાંથી સાંજે છએક વાગ્યે પરત રાજકોટ આવતી વખતે તેમનો પુત્ર ભોૈતિક કારમાં બેસી ગયો હતો. પતિ-પત્નિ મિંતાણા અને છતર વચ્ચે મિંતાણા ચોકડીથી આગળ દિવ્યશકિત ધામ પાસે પહોંચતા એક સ્વિફટ કાર નં. જીજે૩૬બી-૮૨૩ના ચાલકે રોંગ સાઇડમાં ધસી આવી બાઇકને ઉલાળતાં સંજયભાઇને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત રીનાબેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી.  ટંકારાના હેડકોન્સ. પી. જે. પરમારે મૃતકના ભાણેજ અમદાવાદ કર્ણાવતીમાં રહેતાં વિપુલ ગોવિંદભાઇ માથકીયા (ઉ.૨૭)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વધુ માહિતી મુજબ પતિ સાથે કાળનો કોળીયો બનેલા રીનાબેનના માવતર વાંકાનેરના પંચાશીયા ગામે રહે છે. સંજયભાઇ જાંબુડીયા બે ભાઇ અને ચાર બહેનમાં સોૈથી નાના હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. મૃતક રીનાબેન (રંજનબેન)ના ભાઇના દિકરાના મોરબી ખાતે સમુહમાં લગ્ન યોજાયા હોઇ ત્યાં ગયા હતાં. વળતાં બંનેનો પુત્ર સગાની કારમાં બેસી જતાં તેનો બચાવ થયો હતો. સવારે જય જવાન જય કિસાન સોસાયટી ખાતેથી પતિ-પત્નિની એક સાથે અરથી ઉઠી ત્યારે અનેક આંખો રડી પડી હતી. બનાવથી વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી. (૧૪.૭)

 

(12:31 pm IST)