Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

૨૦૦ રૂપરડી માટે ખડધોરાજીના પટેલ યુવાનને રાજકોટમાં પતાવી દેવાનો પ્રયાસઃ વાળંદ પિતા-પુત્ર સહિત ૩ પકડાયા

પુષ્કરધામ રોડ પર સ્ટુડન્ટ હેર આર્ટમાં બનાવઃ કર્મચારી વિનોદ વાળંદે વાલજીને પકડ્યો ને દૂકાન માલિક પિતા-પુત્ર મણી વાળંદ તથા જીજ્ઞેશ વાળંદે કાતરના ઘા ઝીંકયાઃ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી

રાજકોટ તા. ૧૧: કાલાવડના ખડ ધોરાજી ગામના લેઉવા પટેલ યુવાન વાલજીભાઇ કોટડીયાને રાજકોટમાં વાળંદ પિતા-પુત્ર અને તેના કર્મચારીએ કાતરોના ઘા ઝીંકી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ગુનો નોંધાયો છે. પટેલ યુવાન પાસેથી વાળંદ શખ્સને રૂ. ૨૦૦ લેવાના હોઇ તેની ઉઘરાણી બાબતે માથાકુટ થઇ હતી.

પોલીસે ઘાયલ થયલા વાલજીભાઇ કોટડીયાના મિત્ર કાલાવડના ખડ ધોરાજી ગામે રહેતાં અને નીકાવા ગામે સુપરટેક બોરવેલના કારખાનામાં લેથની મજુરી કરતાં  નિતેષ જીવરાજભાઇ તાળા (ઉ.૨૭) નામના લેઉવા પટેલ યુવાનની ફરિયાદ પરથી પુષ્કરધામ નેઇન રોડ પર ચીત્રકુટ મહાદેવ મંદિરવાળા ચોકમાં સ્ટુડન્ટ હેર આર્ટ નામે દૂકાન ધરાવતાં અને એસએનકે સ્કૂલ પાછળ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૩૮૩માં રહેતાં મુળ ખડ ધોરાજીના મણીલાલ ધનજીભાઇ ભાયાણી (વાળંદ) (ઉ.૪૮), તેના પુત્ર જીજ્ઞેશ મણીલાલ ભાયાણી (ઉ.૨૬) અને તેની દુકાનમાં કામ કરતાં વિનોદ અૃમતલાલ શીશાંગીયા (ઉ.૨૯-રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૩૮/૩૨૯)ની સામે આઇપીસી ૩૦૭, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી લીધી છે.

નિતેશે જણાવ્યું હતું કે રવિવારે હું મારા નાના ભાઇની સાન્ટ્રો કાર જીજે૩એબી-૩૧૬૮ લઇને મારા પત્નિ તથા પુત્ર સાથે રાજકોટ સગાને ત્યાં આવ્યો હતો. અમારે સગાની સાથે બાલાચડી ફરવા જવાનું હતું. દરમિયાન સવારે સાડા અગિયારેક વાગ્યે હું અમારા ગામના વાળંદ મણીભાઇની દૂકાન કે જે પુષ્કરધામ રોડ પર છે ત્યાં દાઢી કરાવવા ગયો હતો. આ વખતે અમારા ગામના વાલજીભાઇ ગોરધનભાઇ કોટડીયા (ઉ.૩૭) નામના પટેલ યુવાન ત્યાં આવ્યા હોઇ તેની સાથે મણીભાઇ, તેના પુત્ર જીજ્ઞેશ અને કર્મચારી વિનોદને માથાકુટ થતાં કારીગર વિનોદે વાલજીભાઇને પકડી રાખ્યા હતાં અને મણીભાઇ તથા તેનો પુત્ર જીજ્ઞેશ કાતરના ઘા મારતાં હતાં.

ઝઘડો જોઇ હું તેને છોડાવવા વચચે પડ્યો હતો. વાલજીભાઇને ગંભીર ઇજા થતાં મને આશીર્વાદ હોસ્પિટલે લઇ જવાનું કહેતાં હું તેને હાથ પકડી મારી કારમાં બેસાડી હોસ્પિટલે લઇ ગયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઘટના અંગે મેં વાલજીભાઇના અંગત કુટુંબી હાર્દિક કોટડીયાને ફોનથી જાણ કરી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. જી. બી. બાંભણીયા, પી.એસ.આઇ. કડછા, રાઇટર યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ, હરેશભાઇ, ગિરીરાજસિંહ,અમીનભાઇ સહિતે વાળંદ પિતા-પુત્ર અને તેના કર્મચારીની ધરપકડ કરી કાતરો કબ્જે લીધી છે. રૂ. ૨૦૦ની ઉઘરાણી પ્રશ્ને હત્યાનો પ્રયાસ થયાનું ખુલ્યું છે.

 

(11:53 am IST)