Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શહેર એસઓજીએ ૧.૭૧ લાખના એમડી ડ્રગ્‍સ સાથે મેહુલ અને રોનકને દબોચ્‍યા

એમડી ડ્રગ્‍સનું પગેરૂ વધુ એક વખત મુંબઇ તરફ નીકળ્‍યું : પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે બંનેને દબોચ્‍યાઃ હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ અમરેલીયાની બાતમી

રાજકોટ તા. ૧૧: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ સાથે બે શખ્‍સને પકડી લીધા છે. યુનિવર્સિટી રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટર પાસે આંગણવાડી નજીક પટેલ ફલોર મીલ પાસેથી બે શખ્‍સને રૂા. ૧,૭૧,૦૦૦ના ૧૭.૧૧ ગ્રામ એમડી ડ્રગ્‍સ સાથે પકડી લઇ મોબાઇલ ફોન, ટુવ્‍હીલર મળી કુલ રૂા. ૨,૪૬,૧૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. આ ડ્રગ્‍સ મુંબઇથી લાવીને છુટક છુટક વેંચાણ કરતાં હોવાનું બંનેએ રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.

પોલીસ પુછતાછમાં પકડાયેલા શખસોએ પોતાના નામ મેહુલ ચતુરભાઇ ગામી (કડવા પટેલ) (ઉ.૨૮-રહે. માનવ એપાર્ટમેન્‍ટ પુષ્‍કરધામ રોડ, બ્‍લોક નં. ૧૦૩, ગોપીભાઇના મકાનમાં ભાડેથી, મુળ વતન વલાડીયા જી. મોરબી) તથા રોનક ગોપાલભાઇ કરકર (લેઉવા પટેલ) (ઉ.૨૭-રહે. ન્‍યારી ડેમ પાસે ડેકોરા બ્‍લોસમ એપાર્ટમેન્‍ટ બી-૧૨, ભાવેશભાઇ કાનાણીના મકાનમાં) જણાવ્‍યા હતાં. પોલીસે ડ્રગ્‍સ, ૨૫ હજારના બે મોબાઇલ ફોન, ૫૦ હજારનું એક્‍સેસ કબ્‍જે કરી યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. પ્રાથમિક પુછતાછમાં એવુ બહાર આવ્‍યું હતું કે મેહુલ મુંબઇથી આ માદક પદાર્થ મંગાવતો હતો અને રોનક સાથે મળી છુટક છુટક વેંચાણ કરતો હતો. બંને પાસેથી સાચી વિગતો ઓકાવવા અને સપ્‍લાયર કોણ છે? તે સહિતની વિગતો જાણવા રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ અમરેલીયા, કૃષ્‍ણસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(4:48 pm IST)