Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગુજરી ગયેલા બાપુજી વિશે ખોટી વાતો કરવા મામલે ધોકાવાળીઃ મુકેશભાઇ પરમારનો પગ ભાંગી ગયો

મવડીમાં બનાવઃ નવરાત્રીમાં દિનેશના બાપુજી અરજણભાઇએ મુકેશભાઇના સ્‍વર્ગસ્‍થ બાપુજી વિશે ખોટી વાતો કરી હોઇ ત્‍યારે માથાકુટ કારણભુત

રાજકોટ તા. ૧૧: મવડી ગામમાં કણકોટ રોડ પર પંચશીલનગર-૨ સતીમાની ડેરી પાસે રહેતાં અને છુટક ટ્રેકટર ડ્રાઇવીંગ કરતાં મુકેશભાઇ ચનાભાઇ પરમાર (ઉ.વ.૪૫) પર સાંજે ઘર નજીક હતાં ત્‍યારે બાપા સિતારામ ચોકમાં રહેતાં અરજણ પબાભાઇ રાઠોડ અને તેના પુત્રો બાબુ, મનહર તથા દિનેશે આવી ઝઘડો કરી ગાળો દઇ ધોકાથી બેફામ માર મારતાં જમણો પગ ભાંગી જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પોલીસે ગુનો નોંધ્‍યો હતો.

તાલુકા પોલીસે મુકેશભાઇની ફરિયાદને આધારે તેના જ પરિચીત એવા અરજણ રાઠોડ અને તેના ત્રણ દિકરાઓ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો હતો. મુકેશભાઇએ જણાવ્‍યું હતું કે હું સાંજે મારા ઘરના ઓટા પર બેઠો હતો ત્‍યારે અમારા જ સમાજના  દિનેશ રાઠોડે ધોકા સાથે આવી મને ગાળો દીધી હતી અને ‘તે નવરાત્રીમાં મારા બાપુજી સાથે શું કામ બોલાચાલી કરી હતી?' તેમ કહેતાં મેં તેને કહેલું કે તારા બાપુજી અરજણભાઇ મારા ગુજરી ગયેલા બાપુજી વિશે ખોટી વાતો કરતાં હતાં તેથી બોલાચાલી થઇ હતી.

આ વાત થતી હતાં ત્‍યાં દિનેશે મને વધુ ગાળો દઇ ધોકાથી માર માર્યો હતો. ત્‍યાં તેના બીજા બે ભાઇઓ બાબુ, મનહર અને પિતા અરજણભાઇ પણ આવી ગયા હતાં અને ચારેયએ મને ધોકાથી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતાં મારા બા લક્ષ્મીબેન આવી જતાં મને બચાવ્‍યો હતો અને હોસ્‍પિટલે ખસેડયો હતો. અહિ ડોક્‍ટરે નિદાન કરતાં પગમાં ફ્રેકચર થઇ ગયાનું જણાયું હતું. પીએસઆઇ આર. જે. ચારણે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. 

(4:43 pm IST)