Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પોલીસ બેન્‍ડ - દેશભકિતના નાદ - અશ્વસવારી તથા પોલીસ જવાનોની માર્ચ સાથે રાજકોટમાં અવસર રથ ફર્યો

રાજકોટ તા. ૧૧ : રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્‍ય ચુંટણી -૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

રંગીલા રાજકોટના રેસકોર્સ રીંગરોડ આસપાસ રાજકોટ સિટી પોલીસ દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટરના ગ્રાઉન્‍ડ ખાતેથી શરૂ કરીને સમગ્ર રેસકોર્સની ફરતે ડેપ્‍યુટી કમિશ્નર ઓફ પોલિસશ્રી પૂજા યાદવની અધ્‍યક્ષતા હેઠળ મતદાન જાગૃતી માટે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા ફુટમાર્ચ કરવામાં આવી હતી. આ ફૂટમાર્ચની આગળ બાઈકસવાર જવાનો, બે ઘોડેસવારો હતા. પોલીસ બેન્‍ડની વિવીધ ધુનોએ  લોકોમાં અનેરું આકર્ષણ જગાવ્‍યું હતું. જેમાં બેન્‍ડના જવાનોએ માર્ચ પાસ્‍ટ, દેશભક્‍તિના ગીતોની અનેક અવનવી ધુનો વગાડી હતી.

જનજાગૃતિ માટે તૈયાર કરેલા અવસર રથમાં મતદાન કેવી રીતે કરવું, મતદાન કરતી વખતે

શું શું ધ્‍યાન રાખવું ? ચેતેશ્વર પુજારા દ્વારા કરવામાં આવેલી મતદાનની અપીલ, સહિતના અનેક પોસ્‍ટરોનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું.

રેસકોર્સ રીંગરોડ આસપાસ ઉપસ્‍થિત લોકોએ અવસર રથ અને પોલીસ બેન્‍ડની વિવીધ સુરાવલિનો આનંદ માણવાની સાથે નિષ્ઠાપૂર્વક મતદાન કરવા માટે સંકલ્‍પ કર્યો હતો.

(4:31 pm IST)