Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સિસ્ટર નિવેદીતા સંકુલ દ્વારા શિક્ષક અભિમુકતા કાર્યક્રમ

સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલના ઉપક્રમે શાળાના શિક્ષકો તેમજ સિસ્ટર નિવેદીતા સ્કુલ ઓન વ્હીલ્સ સંલગ્ન ગ્રામીણ શાળાના શિક્ષકોને શિક્ષણના નવા પ્રવાહોથી અને સંશોધનોથી પ્રશિક્ષિત કરી શિક્ષણને રસપ્રદ બનાવવા દરેક નવા શૈક્ષણિક સત્રના સત્રારંભે શિક્ષક અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત ગત બુધવારે લોકભારતી યુનિવર્સિટી ફોર રૃરલ ઇનોવેશનના પ્રો. વાઇસ ચાન્સેલર તથા વિખ્યાત શિક્ષણવિદ્દ ડો. વિશાલ ભાદાણીના માર્ગદર્શન હેઠળ 'ન્યુરો સાયન્સ ઓફ લર્નીંગ' વિષયને કેન્દ્રમાં રાખી એક દિવસીય શૈક્ષણિક સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ગૃહકાર્ય, પરીક્ષા પધ્ધતિ, શિક્ષણના પ્રશ્નોના મનોવૈજ્ઞાનિક ઉકેલ, મગજની સંરચના, મગજના જુદા જુદા કેન્દ્રોમાં ઉદ્દભવતા અંતઃસ્ત્રાવો અને તેની શારીરિક માનસિક અસર ઇત્યાદી વિષયો પર પારવપોઇન્ટ પ્રેઝન્ટેશન, ચિત્રો, સંશોધન પરિણામો, આંકડાકીય માહીતી, પ્રશ્નોતરી અને રમતો દ્વારા રસપ્રદ માહીતી રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૃપે  સિસ્ટર નિવેદીતા સંકુલના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ હસ્તલિખિત અંક 'કવીશ્વર દલપતરામ-દ્વીશતાબ્દી વંદના'નું વિમોચન કરી વિદ્યાર્થીઓની સર્જનશીલતાને બિરદાવવામાં આવી હતી. આ શિક્ષક અભિમુખતા કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપક ગુલાબભાઇ જાની સહીત સિસ્ટર નિવેદીતા શાળાના શિક્ષકો, ગ્રામીણ શાળાઓમાંથી પધારેલ શિક્ષકો તેમજ અલિયાબાડા સ્થિત કલ્યાણ પોલીટેકનિક કોલેજના અધ્યાપકો સહીત વિશાળ સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેલ.

(3:57 pm IST)