Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રકમ જમા કરવામાં મદદને બહાને કાર્ડ બદલી ૧.૧૨ લાખની ઠગાઇ

એસબીઆઇની જીમખાના બ્રાંચ પાસેના એટીએમમાં બનાવઃ મુળ ઉત્તર પ્રદેશના અશોક જાટવની એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૧: એટીએમમાં મદદ કરવાના બહાને કાર્ડ બદલી પિન નંબર જાણી લઇ ઠગાઇનો વધુ એક કિસ્‍સો બન્‍યો છે. જેમાં બેડીનાકા પાસે રહેતાં મુળ યુપીના યુવાન સાથે છેતરપીંડી થઇ છે.
આ બનાવમાં પોલીસે મુળ યુપીના મેનપુરીના પશુપુર ગામના વતની અને હાલ બેડીનાકા ટાવર પાસે મેઘાલય ટ્રાન્‍સપોર્ટ પાસે રહી મજૂરી કરતાં અશોકભાઇ શ્રીરામસ્‍વરૂપ જાટવ (ઉ.૪૩)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂા. ૧,૧૨,૧૫૦ની છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્‍યો છે. અશોકભાઇએ જણાવ્‍યું હતું કે ૨૯/૨ના રોજ હું એસબીઆઇ બેંક જીમખાના બ્રાંચ ખાતે એટીએમમાં પૈસા ડિપોઝીટ કરવા ગયો હતો. મારે મકાન લેવાનું હોઇ નરેન્‍દ્રભાઇને ચેક પણ આપવાનો હોવાથી મારી પાસે પડેલા રૂપિયા ખાતામાં એટીએમથી જમા કરાવવા હતાં. રૂા. ૩૯ હજાર મેં એસબીઆઇના ખાતામાં જમા કરાવ્‍યા હતાં.  એક હજાર બાકી રહી ગયા હોઇ મારી બાજુમાં ઉભેલા શખ્‍સે કહેલું કે તમારુ કાર્ડ આપો હું ડિપોઝીટ કરી આપું. જેથી મેં કાર્ડ અને ૧૦૦૦ રૂપિયા તેને જમા કરાવવા આપ્‍યા હતાં.
તેણે પ્રોસેસ કરી મારો પિન નંબર મેળવી લીધો હતો. પરંતુ પૈસા જમા થયા નહોતાં. જેથી તેણે મને પૈસા અને એટીએમ કાર્ડ પાછા આપી દીધા હતાં અને તે જતો રહ્યો હતો. એ પછી ૩૯ હજાર જમા થયાનો મેસેજ મારા ફોનમાં આવતાં હું પણ નીકળી ગયો હતો. પણ બપોરના સવા એકાદ વાગ્‍યે પૈસા વિડ્રોલ થયાનો મેસેજ મારા ફોનમાં આવ્‍યો હતો. આથી મેં સાળા રામપ્રસાદને પુછતાં તેણે એટીએમ કાર્ડ જોવા માંગતાં મેં કાર્ડ આપતાં તે બીજા કોઇના નામનું હોવાનું જણાયું હતું. મદદ કરવાના બહાને આવેલો શખ્‍સ મારુ કાર્ડ બદલી ગયો હતો. મેં પાસબૂકમાં એન્‍ટ્રી કરાવતાં ખબર પડી હતી કે તેણે કટકે કટકે ખરીદી કરી કુલ રૂા. ૧,૧૨,૧૫૦ મારા ખાતામાંથી ઉપાડી લીધાની ખબર પડી હતી. હેડકોન્‍સ. ભાવેશભાઇ વસવેલીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(3:40 pm IST)