Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગુજરાતને દિવ્‍ય - ભવ્‍ય બનાવવા ભાજપને જીતાડીએ : મનસુખ માંડવિયા

વિજયનો પ્રચંડ વિશ્વાસ : ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયાની વાજતે-ગાજતે ઉમેદવારી : ભારતીય સંસ્‍કૃતિના રખેવાળ તરીકે આપણે હિન્‍દુસ્‍તાનનું નામ રોશન કરીએ : વજુભાઇ વાળા : રાજકોટનો કાર્યકર્તા હંમેશા કમળને જીતાડવા કટીબધ્‍ધ : વિજયભાઇ રૂપાણી

રાજકોટની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વાજતે-ગાજતે ફોર્મ ભર્યુ હતું તે પહેલા બહુમાળી ભવન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સામે જાહેરસભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્‍યામાં કાર્યકરો, આગેવાનો, સાધુ-સંતો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપરોકત તસ્‍વીરમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરસભાને સંબોધતા અને ચારેય બેઠકોના ઉમેદવારોએ સાધુ-સંતોના આશિર્વાદ મેળવતા તથા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરતા દર્શાય છે. મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓ - આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૧ : રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. રાજકોટ ૬૮માં ઉદય કાનગડ, રાજકોટ ૬૯માં દર્શિતાબેન શાહ, રાજકોટ ૭૦માં રમેશ ટીલાળા અને રાજકોટ ૭૧માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, આ ચારેય ઉમેદવાર આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્‍યા હતા.એ સમયે કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપને કાર્યકરોને ઉત્‍સાહિત કરવા સભા સંબોધી હતી. આજે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. એ પૂર્વે બહુમાળી ભવને જાહેરસભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારોનો ઉત્‍સાહ વધારવા માટે આજે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી તેમજ કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવીયા પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામીણ સીટોના ઉમેવારોની સાથે ઉપસ્‍થિત રહ્યા હતા અને ઉમેદવારોના ફોર્મ ભરવામાં તેમણે હાજરી આપી હતી.

ગુજરાત વિધાનસભા-ર૦રરની ચૂંટણીના અનુસંધાને રાજકોટની ચારેય વિધાનસભા બેઠકોમાં ભાજપના ઉમેદવારોના નામાંકત પ્રસંગે બહુમાળી ભવન ચોકમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરના ઉપક્રમે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અઘ્‍યક્ષસ્‍થાને યોજાયેલ  જાહેરસભામાં ઉદબોધન કરતા કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી ૧૩ કરોડથી વધુ સભ્‍ય સંખ્‍યા ધરાવતી વિશ્‍વની મોટામાં મોટી પાર્ટી છે, ભાજપ રાષ્‍ટ્રવાદની વિચારધારા ધરાવતી અન્‍ય પાર્ટીથી અલગ રાષ્‍ટ્રીય પાર્ટી છે, ભાજપ જે કહે છે તે કરે છે. જે થઈ શકે તેવુ કહે છે, ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્‍વાસ, સૌના પ્રયાસ' સાથે ભાજપ દેશને વિકાસના પથ ઉપર આગળ વધારી રહેલ છે, નયા ભારતનું, નવા દેશનું નિર્માણ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં થઈ રહયું છે. ‘આ ગુજરાત મારૂ છે, મે ગુજરાત બનાવ્‍યુ છે, બધાના પ્રયાસોથી ગુજરાત બન્‍યુ છે' ગુજરાતની સાડા છ કરોડની જનતાએ એક મોડેલ ગુજરાતને બનાવ્‍યુ છે. આપણે સંકલ્‍પ કરીએ ગુજરાત દિવ્‍ય અને ભવ્‍ય બને. તેમણે આ તકે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો.

આ તકે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે રાજકોટનો કાર્યકર્તા કમળને જીતાડવા માટે હંમેશા કામ કરતો આવ્‍યો છે. આજે સમયની માંગ છે. આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશ મહાસતા બનવા જઈ રહયો છે, આપણા વિવિધ વિકાસના કાર્યો સિઘ્‍ધ થવા જઈ રહયા છે. ભારતીયતાનું પુનઃ જાગરણ થઈ રહયુ છે. ત્‍યારે ભાજપના કાર્યકર્તાઓને સજજ થઈને આપણા ઉમેદવારોને ભારે લીડથી ચૂંટાય તે માટે કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. 

આ તકે કર્ણાટકના પૂર્વ  રાજયપાલ વજુભાઈ વાળાએ જણાવ્‍યું કે આ વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભાજપના ઉમેદવારોને જીતાડીને ભારત માતાની સેવા કરે, લોકોની સુવિધાનો ખ્‍યાલ રાખે તે આપણો મુખ્‍ય આશય છે. ભારતીય સંસ્‍કૃતીના રખેવાળ તરીકે આપણે હિન્‍દુસ્‍તાનનું નામ રોશન કરીએ. તેમણે ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવાનું કામ કરવાનું છે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, મેયર ડો. પ્રદિપ ડવ, પૂર્વ મંત્રી અરવીંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, ભાજપની ચારેય બેઠકોના ઉમેદવારો ઉદય કાનગડ,  ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા સહીતના ઉપસ્‍થિત રહયા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

આ તકે  ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ તેમજ શહેર ભાજપના શહેરના હોદેદારો, સંગઠનના-વોર્ડના  હોદેદારો, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સામાજીક સંસ્‍થા, એનજીઓ,ના આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન જીતુ કોઠારીએ કરેલ. આ કાર્યક્રમની વ્‍યવસ્‍થા શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી. તેમજ મીડીયા વ્‍યવસ્‍થા રાજુભાઇ ધ્રુવ, રાજુભાઈ ધ્રુવ, અરવીંદભાઈ જોષી, રાજન ઠકકરે સંભાળી હતી.(૨૧.૩૦)

મતદારોની નાડ પારખશે ડો. દર્શીતાબેન : આછેરી ઝલક 

નામ           : ડો.દર્શિતાબેન પારસભાઇ શાહ (એમ.ડી. પેથોલોજી)

અભ્‍યાસ               :  એમ.બી.બી.એસ. (મેડીકલ કોલેજ, જામનગર)

જન્‍મ તારીખ   :  ૨૩ જાન્‍યુઆરી ૧૯૬૯

વ્‍યવસાય              :  ન્‍યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી (સીનીયર ક્‍ધસ. પેથોલોજીસ્‍ટ)

પ્રથમ વખત

તારીખ ૧૪ ડિસેમ્‍બર ૨૦૧૫થી ૧૫ જુન ૨૦૧૮ સુધી ડે.મેયર

-       સતત બીજી વખત ડે.મેયર તરીકે તા.૧૨ માર્ચ ૨૦૨૧થી કાર્યરત

- પ્રદેશ ભાજપ ડીબેટ ટીમ, મહિલા મોરચામાં આમંત્રીત સભ્‍ય

- શહેર ભાજપ પૂર્વ સંગઠન મંત્રી, સ્‍ટે.કમીટીના પૂર્વ સભ્‍ય

- વોર્ડ નં.૨માં બે ટર્મથી કોર્પોરેટર તરીકે કાર્યરત

- વિરાણી બહેરા-મૂંગા શાળાના ટ્રસ્‍ટી

- સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્‍વ.ડો.પી.વી.દોશી (પપ્‍પાજી)ના પૌત્રી અને ડો.પ્રફુલભાઇ દોશીના પુત્રી

- આઇએમએના પૂર્વ જોઇન્‍ટ સેક્રેટરી, વુમન વીંગના એકઝી. મેમ્‍બર

- જૈન સમાજના દરેક ફિરકાના સાધુ-સાધ્‍વીઓની સેવામાં કાર્યરત

-       વિવિધ જૈન સંસ્‍થાઓ સાથે જોડાણ, મહિલાઓના પ્રશ્‍ને પણ અગ્રેસર

કાનગડનો નવી જવાબદારી સાથે ‘‘ઉદય'': ટુંકો પરિચય

 નામ          :  ઉદયભાઇ પ્રભાતભાઇ કાનગડ (આહિર)

 જન્‍મ તારીખ :  ૨૫-૧-૧૯૭૨, રાજકોટ

 અભ્‍યાસ              :  એસ.એસ.સી.

 વ્‍યવસાય             :  કન્‍સ્‍ટ્રકશન તથા ખેતી

 - ૧૯૯૨થી ભાજપમાં સક્રિય. વોર્ડ પ્રમુખ અને શહેર યુવા પ્રમુખ બન્‍યા

  - ૧૯૯૫માં સૌથી યુવા કોર્પોરેટર અને ૧૯૯૭માં સૌથી યુવા મેયર

  - ૨૦૨૦ સુધી સતત ૨૫ વર્ષ રાજકોટ મનપામાં કોર્પોરેટર

  - ૨૦૦૭-૦૮ અને જુન ૨૦૧૮થી ડિસે.-૨૦૨૦ સુધી સ્‍ટે.ચેરમેન

  - ૨૦૧૪-૧૫માં ડે.મેયર

  - મનપા શાસક પક્ષનું નેતા પદ પણ સંભાળ્‍યું

  - શહેર ઉપપ્રમુખ ત્રણ ટર્મ, મહામંત્રી એક ટર્મ, પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ખજાનચી

  - રાજકોટ-૭૦માં ત્રણ વખત ઇન્‍ચાર્જ, લોકસભામાં વિધાનસભા-૬૮ના ઇન્‍ચાર્જ

  -     ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હાલ કાર્યરત

(3:37 pm IST)