Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સફેદ તલમાં બમ્‍પર તેજી : ૩૨૨૨ રૂા.ના ભાવે સોદા

એક દાયકા બાદ ઉંચા ભાવ મળતા ખેડુતો રાજી રાજી : ગુજરાત, એમપી અને યુપીમાં : તલનો પાક બગડી જતા અને શિયાળાના કારણે ડીમાન્‍ડ નિકળતા ભાવમાં ભડકો : તલના ભાવો વધતા શિયાળા ટાંકણે જ તલની વાનગીઓ અને તેલના ભાવો વધે તેવી શકયતા

રાજકોટ, તા., ૧૧: રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સફેદ તલમાં બમ્‍પર તેજીના પગલે એક મણના ૩રરર રૂપીયાના રેકર્ડ બ્રેક ભાવે  સોદા પડયા હતા. તલના ભાવ ઉંચા મળતા ખેડુતો રાજી રાજી થઇ ગયા છે.

રાજકોટ યાર્ડમાં આજે તલની ૧ર૦૦ કવીન્‍ટલ આવકો થઇ હતી અને એક મણના ભાવ ૨૩૦૦ થી ૩૨૨૨ રૂપીયાના ઐતિહાસિક ભાવે સોદા પડયા હતા. ઉચ્‍ચ કવોલીટીના તલના ૩રરર રૂપીયાના ભાવ મળ્‍યા હતા. એક દસકા બાદ તલના ભાવ  ૩ર૦૦ રૂપીયાની સપાટી વટાવી હોવાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ગુજરાત, એમપી અને યુપીમાં તલનો પાક બગડી જતા તલના ઉત્‍પાદનનો લક્ષ્યાંક ઓછો આવતા તલના ભાવો વધી રહયા છે. ગત વર્ષે  તલ એક મણના ભાવ રર૦૦ થી ર૩૦૦ રૂપીયા હતા. ચાલુ વર્ષે  દિવાળી પહેલા તલ એક મણના ભાવ રપ૦૦ થી ર૬૦૦ રૂપીયા હતા અને એકધારી તેજીના પગલે આજે તલના ભાવ ૩ર૦૦ રૂપીયાની ઐતિહાસિક સપાટી સર કરી હતી.

તલનું ઓછું ઉત્‍પાદન અને શિયાળાના કારણે તલની ડિમાન્‍ડ વધતા હજુ પણ તલના ભાવો વધે તેવી શકયતાઓ છે. તલના ભાવો વધતા શિયાળા ટાંકણે જ તલની વાનગીઓ, તલના તેલના ભાવો પણ વધે તેવી શકયતા છે.

(1:30 pm IST)