Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજકોટ શહેર - જિલ્લામાં ચૂંટણી સંદર્ભે ૧૪૫ મુદ્દાઓ ઉપર કામ કરતુ તંત્ર

મતદાનના દિવસે મુખ્ય ૫ મુદ્દા ઉપર કાર્યવાહી : ૨૭ જેટલા કલર કોડીંગ અપાયા : પોલીસ - લાયઝન ઓફિસરોની તાલીમ ખાસ મુખ્ય મુદ્દો : વિગતો આપતા ચૂંટણી અધિકારી ખાચર : ૬ મહિના પહેલા સર્વે - ડેટા - કમ્પ્લેઇન - તાલીમ - EVM - સ્વીપ - બજેટ - ટીમોની રચના - મતદાન મથકોનો સમાવેશ

રાજકોટ તા. ૧૧ :  લોકશાહીનો અનેરો અવસર એટલે ચૂંટણી. લોકશાહીમાં દરેક પુખ્ત નાગરિક ચૂંટણી લડી પણ શકે છે અને પોતે ઈચ્છે તે પક્ષના કે સ્વતંત્ર ઉમેદવારને પોતાનો પવિત્ર મત આપી શકે છે. સામાન્ય રીતે કેન્દ્રીય ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરે ત્યારથી પ્રત્યક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળતો હોય છે. જો કે મુકત અને ન્યાયી ચૂંટણી યોજવા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સુચારુ અને સરળ સંચાલન માટે ચૂંટણીતંત્ર દ્વારા છ મહિના અગાઉથી જ વિવિધ પ્રક્રિયાઓની શરૂઆત થઈ જતી હોય છે.
રાજકોટ જિલ્લામાં મુકત અને ન્યાયી વાતાવરણમાં આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણી તંત્ર સુવ્યવસ્થિત આયોજન સાથે કામ કરી રહ્યું છે. જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. ખાચરના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પ્રક્રિયા સરળતાથી યોજી શકાય, દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારને પસંદ કરી શકે, જયારે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતે ચૂંટણી લડી શકે તેમજ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ પણ અસરકારક રીતે ચૂંટણી ફરજ બજાવી શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક સુવ્યવસ્થિત ઈલેકશન પ્લાનર તૈયાર કરવામાં આવ્યું છે. દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓની કચેરીમાં આ ઈલેકશન પ્લાનર મુકવામાં આવ્યું છે.
આ ઈલેકશન પ્લાનરમાં કુલ મળીને ૧૪૫ મુદ્દાઓ આપવામાં આવ્યા છે. જેમાં દરેક મુદ્દાની પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવી તે પણ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે.
આ પ્લાનર મુજબ, છ મહિના અગાઉ સર્વે કરવો,  ડેટાબેઝ  તૈયાર કરવો, કમ્પ્લેઈન મેનેજમેન્ટ સહિતના ચાર મુદ્દા પર કામગીરી કરવાની હોય છે. એ પછી પાંચ માસ અગાઉ જિલ્લા ચૂંટણી અધિકારીઓની તાલીમ, ઈ.વી.એમ.ની તૈયારી સહિત બે મુદ્દાની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. ચાર મહિના અગાઉ ઈ.વી.એમ.નું પ્રથમ તબક્કાનું ચેકિંગ, જિલ્લા સ્વીપનો એકશન પ્લાન સહિતના સાત મુદ્દા તેમજ ત્રણ મહિના અગાઉ બજેટ તૈયાર કરવું, વિવિધ ક્ષેત્રોની ટીમની રચના, મતદાન મથકો અંગે રાજકીય પક્ષો સાથે ચર્ચા સહિતના વિવિધ સાત મુદ્દાની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. એ પછી ચૂંટણી સંબંધિત કામગીરી વેગ પકડે છે અને બે માસ અગાઉ ચૂંટણી સામગ્રી અંગે ટેન્ડરિંગ, ચૂંટણી અધિકારીઓની તાલીમ, કાયદો-વ્યવસ્થાનું મુલ્યાંકન સહિતના બાવન મુદ્દાઓની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે.
ચૂંટણીના એકમાસ અગાઉ ચૂંટણી તંત્ર સતત સક્રિય થઈ જાય છે અને આ સમયમગાળા દરમિયાન વિવિધ ૬૮ જેટલા મુદ્દાઓની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. જેમાં ઈવીએમ જાગૃતિ કાર્યક્રમથી લઈને પોલીસ તેમજ ખર્ચ નિરિક્ષકોના લાયેઝન ઓફિસરની તાલીમ સહિતના અનેક મુદ્દાઓ પર કામગીરી થતી હોય છે. એ પછી ચૂંટણીના દિવસે મતદાન સહિતના ચારથી પાંચ મુદ્દા પર કામગીરી થતી હોય છે. આમ ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ૧૪૫ મુદ્દાઓ પર તબક્કાવાર કામગીરી કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓને અલગ અલગ ૨૭ જેટલા કલર કોડિંગમાં વહેંચી દેવામાં આવ્યા છે.  ચૂંટણી તંત્રના આ માઈક્રો મેનેજમેન્ટના લીધે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશમાં આદર્શ આચારસંહિતાના માહોલમાં ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય છે અને નાગરિકો ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ અદા કરે છે.

 

(12:02 pm IST)