Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જસદણના ભાડલા દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરવાનો ઇન્‍કાર કરવા અંગે થયેલ ખુની હુમલા કેસમાં પિતા-પુત્રને ત્રણ વર્ષની સજા

રાજકોટ તા. ૧૧ :.. જસદણ તાલુકાના ભાડલા ગામમાં સહકારી ડેરીએ પોતાના ભાઇનું દૂધ સ્‍વીકારવાનો ઇન્‍કાર કરતા થયેલ બોલાચાલીનો ખાર રાખી મોડી રાત્રે ખૂની હૂમલો કરવા અંગેના ગુન્‍હામાં રાજકોટના અધિક સેશન્‍સ જજ શ્રી બી. બી. જાદવે પિતા-પુત્ર ધવલ સુરેશભાઇ કાકડીયા અને સુરેશભાઇ મોહનભાઇ કાકડીયાને ઇ. પી. કો. કલમ-૩ર૬ હેઠળ ઘાતક હથીયારોથી જીવલેણ ઇજાઓ પહોંચાડયા બદલ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા. પ૦૦૦ નો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે ભાડલા ગામે તબીબ તરીકે પ્રાઇવેટ પ્રેકટીસ કરતા ચીરાગભાઇ નિતેષભાઇ કાકડીયા અને તેના કાકા સંજયભાઇ કાકડીયા ભાડલા સહકારી ડેરીએ દૂધ ઉતારવા જતા આરોપી કેવલભાઇએ દૂધ સ્‍વીકારવાનો ઇન્‍કાર કરેલ જેથી તેઓ સાથે બોલાચાલી થયેલ.  ત્‍યારબાદ ફરીયાદી અને તેના કાકા પોતાના ઘરે જતા રહેલ. આ બનાવનો ખાર રાખી ડેરીના સંચાલક સુરેશભાઇ મોહનભાઇ કાકડીયા અને તેના પુત્ર ધવલ સુરેશભાઇ કાકડીયાએ રાત્રીના સમયે ફરીયાદીના પેટ્રોલ પંપ ઉપર આવી ચિરાગભાઇના પિતા નિતેષભાઇ કાકડીયા ઉપર પાઇપ, ધારીયા અને લાકડી વડે જાન લેવા હૂમલો કરેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઇજાગ્રસ્‍ત અને હૂમલો કરનાર આરોપી એક જ કુટુંબના  ભાઇઓ છે. આ બનાવ બનતા તબીબ ચીરાગભાઇ કાકડીયાએ પોતાના પિતાને થયેલ ઇજાઓ સબબ એમ્‍બ્‍યુલન્‍સમાં રાજકોટની લોટસ હોસ્‍પીટલમાં સારવાર અર્થે દાખલ કરેલ જયાં તેઓ ઉપર જાન લેવા હૂમલાઓ સબબ ઓપરેશનો કરવામાં આવેલ હતાં. આ ગુન્‍હા સબબ ફરીયાદ નોંધાતા છ આરોપીઓ વિરૂધ્‍ધ ખુનની કોશીષના ગુન્‍હા સબબ ઇ. પી. કો. કલમ-૩૦૭ ગુન્‍હો નોંધાયેલ અને તપાસના અને તમામ વિરૂધ્‍ધ ચાર્જશીટ રજૂ થયેલ હતું.

આ કેસ ચાલી જતા આખરી સુનાવણી વખતે શ્રી સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલ હતી કે હાલના કેસના આરોપી અને ફરીયાદી એક જ કુટુંબના છે અને તેથી આરોપીઓ સામે ખોટી ફરીયાદ થયેલ હોવાની શકયતા નથી. આ ઉપરાંત ઇજા પામનાર સાહેદો જયારે પોતાને થયેલ ઇજાઓ અને હુમલાખોરોના નામ તથા ઓળખ સ્‍પષ્‍ટ રીતે કોર્ટ સમક્ષ જણાવતા હોય અને આ ઇજાઓ મુદામાલ તરીકે કબ્‍જે થયેલ હથીયારોથી થયેલ હોવાનું સ્‍પષ્‍ટ જણાતુ હોય ત્‍યારે આ પ્રકારના કેસમાં કોઇપણ વિશેષ પુરાવાની જરૂરીયાત રહેતી નથી.

શ્રી સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલ કે પુરાવાના કાયદા મુજબ આરોપી  સામેનો કેસ સાબિત કરવા સંપૂર્ણ પુરાવાઓની આવશ્‍યકતા નથી પરંતુ સંતોષકારક પુરાવાઓની આવશ્‍યકતા છે. પુરાવાના આ સિધ્‍ધાંતના કારણે ફરીયાદ પક્ષે બનાવની  શરૂઆત અને બનાવના અંત સુધીની તમામ વિગતો સંપૂર્ણપણે નહી પરંતુ સંતોષપણે પુરવાર કરવાની રહે છે, તેથી કેસની નાની નાની ત્રુટીઓને નજર અંદાજ કરી આરોપીઓને તકસીર વાન ઠરાવવા જોઇએ. આ તમામ રજૂઆતોના અંતે અધિક સેશન્‍સ જજ શ્રી બી. બી. જાદવએ આરોપીઓ સુરેશ મોહનભાઇ કાકડીયા અને ધવલ સુરેશભાઇ કાકડીયાને ઘાતક હથીયારોથી જાન લેવા ઇજાઓ પહોંચાડવાના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા. પ૦૦૦ નો દંડ ફરમાવેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતાં

(4:23 pm IST)