Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રિક્ષાચાલક ધીરૃભાઇએ સાધુ જેવા શકમંદ મુસાફર પાસે આધારકાર્ડ માંગતા બેફામ ધોકાવાળી થઇ

સાધુ વેશે રિક્ષામાં બેઠેલા શખ્સે રસ્તામાં રિક્ષા ઉભી રખાવી કપડા બદલાવતાં ચાલકને શંકા ઉપજતાં ઓળખ કાર્ડ માંગતા ઉશ્કેરાઇ ગયોઃ બીજા શખ્સને ફોન કરી બોલાવી હુમલો કર્યો : થાનના જામગઢ પાસે બનાવઃ ચીરોડાના કોળી પ્રોૈઢ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: થાનગઢના જામગઢ નજીક અવલીયા ઠાકરની જગ્યાની ગોળાઇ પાસે ચોટીલાના ચિરોડા ગામના રિક્ષાચાલક પ્રોૈઢને રિક્ષામાં સાધુ વેશે મુસાફર તરીકે બેઠેલા અને બાદમાં લઘુશંકા કરવાના બહાને રિક્ષા ઉભી રખાવી ઝાડીમાં જઇ સાધુના કપડા બદલાવી ટ્રેક પેન્ટ-ટીશર્ટ પહેરીને આવતાં રિક્ષાચાલકે કયાંના છો? આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ કંઇ છે? તેમ પુછતાં એ શખ્સે મુંબઇનો છું, મારી પાસે કંઇ નથી તેમ કહી ફોન કરી બીજા એક સાધુ જેવા શખ્સને બોલાવ્યા બાદ રિક્ષાચાલકને ધોકાથી બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું છે.

જાણવા મળ્યા મુજબ ચીરોડા રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં ધીરૃભાઇ નાથાભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.વ.૫૫)ની રિક્ષા તેના જ ગામના વાળંદ ધીરૃભાઇએ ભાડે કરી હતી. ધીરૃભાઇને વરામાધાર ગામે પોતાના બિમાર માતાને તેડવા જવું હતું. બંને ધીરૃભાઇ જામગઢ નજીક અવલીયા ઠાકરની જગ્યા પાસે પહોંચ્યા ત્યારે એક સાધુ જેવા શખ્સે હાથ ઉંચો કરી પોતાને થાન જવું છે તેમ કહેતાં તેને બેસાડી લીધો હતો.

થોડે આગળ રિક્ષા જતાં એ શખ્સે પેશાબ કરવા જવું છે તેમ કહી રિક્ષા ઉભી રખાવી હતી અને પોતાની પાસેના ઝોલા-થેલા સાથે ઝાડીમાં ગયા બાદ સાધુના કપડા કાઢી ટ્રેક પેન્ટ-ટીશર્ટ પહેરીને પાછો આવતાં રિક્ષાચાલક ધીરૃભાઇને શંકા ઉપજતાં તેણે કયા ગામના છો? તેમ પુછતાં એ શખ્સે મુંબઇનો છું તેમ જણાવતાં ધીરૃભાઇએ ચૂંટણી કાર્ડ કે અધાાર કાર્ડ હોય તો બતાવવાનું કહેતાં એ શખ્સ ઉશ્કેરાયો હતો અને ફોન કરતાં બીજો એક સાધુ વેશે શખ્સ આવ્યો હતો અને બંને મળી ધોકાથી તૂટી પડ્યા હતાં. ગભરાઇ ગયેલા ધીરૃભાઇ વાળંદ દૂર જતાં રહ્યા હતાં. એ પછી બંને શખ્સ મારકુટ કરી ભાગી જતાં તેણે રિક્ષાચાલકને સારવાર માટે ચોટીલા અને ત્યાંથી રાજકોટ ખસેડ્યા હતાં.

હોસ્પિટલના બિછાનેથી ધીરૃભાઇએ જણાવ્યું હતું કે સાધુના કપડા કાઢી બીજા કપડા પહેરી લીધા હોઇ મને શંકા જતાં મેં તેની પુછતાછ કરતાં આ હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરતાં પોલીસે હુમલો કરી ભાગી ગયેલા શકમંદ શખ્સો અંગે તપાસ શરૃ કરી છે.

(11:40 am IST)